બાઈડનના અધિકારીઓમાં બે મત
અમેરિકન અખબાર સીએનએનએ જો બિડેન ટીમના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીતના આધારે જણાવ્યુ છે કે, મોટાભાગના અધિકારીઓને હવે ખાતરી થઈ ગઈ છે કે કોરોના વાયરસ એક અકસ્માત બાદ ચીનની વુહાન લેબમાંથી બહાર આવ્યો છે અને ત્યારબાદ સમગ્ર વિશ્વમાં વાયરસ ફેલાયો છે. અધિકારીઓએ કોરોના વાયરસના ફેલાવાને જંગલની આગ સાથે તુલના કરી છે અને અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડને અમેરિકી ગુપ્તચર એજન્સીઓને વાયરસની ઉત્પત્તિ શોધી કાઢવા અને આગામી 90 દિવસમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.
વૈજ્ઞાનિકોનો અલગ મત
અહેવાલ મુજબ, છેલ્લા એક વર્ષથી કોરોના વાયરસનો અભ્યાસ કરનારા વૈજ્ઞાનિકો માને છે કે કોરોના વાયરસ એક કુદરતી વાયરસ છે અને તે પ્રયોગશાળામાં તૈયાર થયો નથી. બીજી તરફ સૂત્રો કહે છે કે, હાલમાં ગુપ્તચર એજન્સીઓનું પણ માનવું છે કે પ્રાકૃતિક રીતે મનુષ્યમાં આ વાયરસ આવ્યો છે. તેને લેબમાં ઇરાદાપૂર્વક તૈયાર કરાયો નથી.
WHO ફરીથી તપાસ કરાવશે?
ઉલ્લેખનિય છે કે, કોરોના વાયરસની ઉત્પત્તિ જાણવા માટે WHO એ ચાઇના અને વુહાનની પ્રયોગશાળામાં ફરીથી તપાસનો પ્રસ્તાવ મૂક્યો છે. રાજદ્વારીઓના મતે આ પ્રસ્તાવ પર ચીન તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. શુક્રવારે WHO નાં ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહાનોમ ગ્રેબ્રેયેસુસે સભ્ય દેશો સાથેની બંધ દરવાજાની બેઠકમાં આ દરખાસ્ત મુકી હતી. એક દિવસ અગાઉ તેમણે કહ્યું હતું કે, શરૂઆતના દિવસોમાં ચીનમાં કોરોના વાયરસના ફેલાવા અંગેના ડેટાના અભાવને કારણે તપાસમાં અવરોધ ઉભો થયો હતો.