લખનઉઃ આખા દેશમાં કોરોનાનો કહેર યથાવત છે. આવનારા દિવસોમાં ઉત્તર ભારતમાં કાવડ યાત્રા શરૂ થવાની હતી પરંતુ કોરોનાના કારણે ઉત્તરાખંડ અને રાજસ્થાન સરકારે આના પર રોક લગાવી દીધી. જો કે યુપી સરકાર કાવડ યાત્રા કરવાના પક્ષમાં હતી. જેના પર સુપ્રીમ કોર્ટે સીએમ યોગીને પોતાના નિર્ણય પર વિચાર કરવા માટે કહ્યુ. ત્યારબાદ શનિવારે રાતે યુપી સરકારે પણ કાવડ યાત્રાને રદ કરવાના આદેશ આપ્યા.
વાસ્તવમાં યુપી સરકારે કોરોના પ્રોટોકૉલ સાથે કાવડ યાત્રાને ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. જેના પર સુપ્રીમ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લીધુ. સાથે જ યુપી સરકારને નોટિસ મોકલીને પોતાના નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટે કહ્યુ. સર્વોચ્ચ અદાલતે એ પણ સ્પષ્ટ કહ્યુ હતુ કે જો સોમવાર સુધી યુપી સરકાર પોતાના નિર્ણયથી કોર્ટને અવગત નહિ કરાવે તો ખુદ આ અંગે નિર્ણય સંભળાવી દેશે. જો કે શનિવારે જ યુપી સરકારે આના પર નિર્ણય લઈ લીધો. સાથે જ કાવડ યાત્રાને રદ કરવાના આદેશ આપ્યા.
ટેંકરથી ગંગાજળ લઈ જવાની અનુમતિ
તમને જણાવી દઈએ કે 25 જુલાઈથી શ્રાવણ મહિનાની શરૂઆત થશે. સામાન્ય રીતે કાવડીઓ ઉત્તરાખંડમાં ગંગાજીનુ જળ લેવા માટે જાય છે જેના કારણે 24 જુલાઈએ જ ત્યાંની સીમાઓ સીલ કરી દેવામાં આવશે. જો કે ઉત્તરાખંડ સરકારે સ્પષ્ટ કર્યુ છે કે માત્ર કાવડીઓની એન્ટ્રી પર પ્રતિબંધ રહેશે, બાકીના લોકો સામાન્ય રીતે અવરજવર કરી શકશે. જો કોઈ કાવડી પોલિસને છેતરીને રાજ્યમાં એન્ટ્રી કરશે તો તેને 14 દિવસ માટે ક્વૉરંટાઈન કરી દેવામાં આવશે. આ ઉપરાંત બધા રાજ્યોને ટેંકર દ્વારા ગંગાજળ ઉપલબ્ધ કરાવવામાં આવશે.