સંસદનું ચોમાસું સત્ર આગામી 19 મીથી શરૂ થશે. આ દરમિયાન, કેન્દ્ર સરકાર ગૃહમાં ચર્ચા માટે 15 બીલ લાવી શકે છે. જેમાં ડીએનએ પ્રાદ્યોગીકી બિલ, કેર એન્ડ વેલ્ફેર ઓફ પેરન્ટ્સ અને સિનિયર સિટિઝન્સ બિલ, ટ્રિબ્યુનલ રિફોર્મ બિલ અને ફેક્ટરિંગ રેગ્યુલેશન સુધારા બિલનો સમાવેશ થાય છે. આ સત્ર 13 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. જો કે, ગૃહની કાર્યવાહી સંપૂર્ણપણે કોરોનાની સ્થિતિ પર નિર્ભર રહેશે.
ચોમાસું સત્ર શરૂ થયાના એક દિવસ પહેલા 18 જુલાઈએ સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક સવારે 11 વાગ્યે શરૂ થશે. તે બાદ 3 વાગ્યાથી, એનડીએની તમામ પાર્ટીઓની બેઠક યોજાશે. વિપક્ષને જવાબ આપવા માટે રણનીતિ બનાવવામાં આવશે. અપેક્ષા છે કે આ બેઠકમાં પીએમ મોદી પણ હાજરી આપશે. આ વખતે ગૃહની કાર્યવાહીમાં ખૂબ જ હોબાળો થવાની ધારણા છે, કારણ કે વિરોધી પક્ષો કોરોના, ફુગાવા, બેરોજગારી, ખેડૂત આંદોલન સહિતના ઘણા મુદ્દાઓ ઉઠાવશે.
બંને ગૃહોની બેઠક સોમવારે સવારે 11 વાગ્યે શરૂ થશે. ગયા વર્ષે કોરોનાને કારણે સંસદનું ચોમાસું સત્ર સપ્ટેમ્બરમાં યોજાયું હતું, પરંતુ આ વખતે તે જુલાઈમાં જ યોજાઇ રહ્યું છે. જો કે, મોટાભાગના નિયમો પહેલાની જેમ રાખવામાં આવ્યા છે, જે અંતર્ગત તમામ સાંસદો કોરોના પ્રોટોકોલનું પાલન કરશે. બીજી તરફ, જે સાંસદોએ રસી નથી લીધી તેના પહેલા આરટી-પીસીઆર ટેસ્ટ થશે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના જણાવ્યા મુજબ 323 સાંસદોએ પહેલાથી જ કોરોના બંને ડોઝ લઈ ચૂક્યા છે, જ્યારે 23 સાંસદો કેટલાક તબીબી કારણોને લીધે કોરોનાનો એક ડોઝ પણ લઈ શક્યા નથી.