સરકાર દેશમાં કોરોનાની ત્રીજી લહેરને લઈને લોકોને સતત ચેતવણી આપી રહી છે. વડા પ્રધાને પણ કહ્યું હતું કે ત્રીજી લહેરના ખતરાને ધ્યાનમાં રાખીને કોવિડ પ્રોટોકોલનું પાલન કરો. હવે એઇમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ પણ ત્રીજી લહેર અંગે ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે કોરોનાની આગામી લહેર બીજી લહેર કરતા વધુ જીવલેણ હોઈ શકે છે.
એક કાર્યક્રમમાં રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, જો દેશમાં તમામ નિયંત્રણો હટાવવામાં આવે તો કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર કરતા વધારે જીવલેણ સાબિત થશે. આ સિવાય તેમણે ત્રીજી લહેર આવવાના કારણો પણ આપ્યા હતા. ગુલેરિયાના જણાવ્યા અનુસાર, રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો અને લોકડાઉન પ્રતિબંધોમાં છૂટછાટ, કોરોનાની ત્રીજી લહેરની શક્યતા તરફ દોરી શકે છે.
રણદીપ ગુલેરિયાએ કહ્યું છે કે જો નિયંત્રણો થોડા હળવા કરી થોડી સખ્તી રાખવામાં આવે તો વાયરસ સ્થિર રહે છે, પરંતુ જો પ્રતિબંધો સંપૂર્ણપણે દૂર કરવામાં આવે તો સંક્રમણ ખૂબ જ ઝડપથી ફેલાશે અને કેસ પણ ખૂબ ઝડપથી વધશે.ડૉ.ગુલેરિયા અનુસાર ત્રીજી લહેરની અસર વિદેશમાં દેખાવા માંડી છે, પરંતુ હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે અને આ રસીના કારણે શક્ય બન્યુ છે.