ભોપાલઃ મધ્ય પ્રદેશના વિદિશા જિલ્લામાં ગુરુવારે(15 જુલાઈ) સાંજે એક મોટી દૂર્ઘટના બની ગઈ જ્યાં એક કૂવામાં પડવાથી 4 લોકોના મોત થઈ ગયા છે. કૂવામાં પડી ગયેલા 19 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. કૂવામાં લગભગ 30 લોકો પડી ગયા હતા. જેમાં અમુક બાળકો પણ શામેલ છે. રેસ્ક્યુ ઑપરેશન હજુ પણ ચાલુ છે. બનાવની ગંભીરતાને જોતા રાજધાની ભોપાલથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને બોલાવવામાં આવી હતી.
ઘટના વિશે મધ્ય પ્રદેશના મંત્રી વિશ્વાસ સારંગે શુક્રવારે(16 જુલાઈ)એ સવારે કહ્યુ કે વિદિશામાં ગંજબાસૌદામાં ઑપરેશન ચાલુ છે. 19 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. 4 શબ મળ્યા છે. એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો પણ અહીં છે. અહીં જમીન ધસી ગઈ હોય તેવી સંભાવના છે, આવુ વારંવાર થઈ રહ્યુ છે. ઑપરેશન ખતમ થયા બાદ જ ચોક્કસ નુકશાન વિશે કહી શકાશે.
મૃતકના પરિવારજનોને આપવામાં આવશે 5 લાખનુ વળતરઃ સીએમ શિવરાજ
મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ છે કે દરેક મૃતકના પરિવારજનને 5-5 લાખ રૂપિયાનુ વળતર મળશે. વળી, ઘાયલોને 50-50 હજાર રૂપિયાનુ વળતર આપવાની જાહેરત કરવામાં આવી છે. સીએમ ચૌહાણે ઘાયલોને મફત ઈલાજની પણ ઘોષણા કરી છે. વળી, ગુરુવારની સાંજે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યુ હતુ કે ભોપાલથી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને મોકલવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લાધિકારી અને એસપીને પણ ઘટના સ્થળે રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.
કેવી રીતે બની આ દૂર્ઘટના?
રિપોર્ટ મુજબ ઘટના ગંજબસૌદાના લાલ પઠાર ગામની છે જ્યાં સૌથી પહેલા એક બાળક કૂવામાં પડી ગયુ. ત્યારબાદ સ્થાનિક લોકોએ પોતાની રીતે તેને કાઢવાનુ કામ શરૂ કરી દીધુ. ત્યારે ત્યાં ગામ લોકોને ભીડ જમા થઈ ગઈ. જેના કારણે કૂવાની દીવાલ લોકોનુ વજન ના ઝીલી શકી અને તે સંપૂર્ણપણે તૂટી ગઈ. કિનારે ઉભેલા લગભગ 30થી વધુ લોકો કૂવામાં પડી ગયા. ત્યારબાદ રેસ્ક્યુ ટીમે લોકોને કૂવામાંથી કાઢવાનુ કામ શરૂ કર્યુ.