પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચે ખાલી પડેલી રાજ્યસભાની બે બેઠકોમાંથી એકમાં પેટા-ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ 9 ઓગસ્ટે એક બેઠક માટે પેટાચૂંટણી યોજાશે. આપને જણાવી દઈએ કે તૃણમૂલ કોંગ્રેસના પૂર્વ રાજ્યસભા સાંસદ દિનેશ ત્રિવેદીના રાજીનામા બાદ બંગાળની એક બેઠક ખાલી હતી. વિધાનસભાની ચૂંટણી પૂર્વે તેઓ ફેબ્રુઆરીમાં ટીએમસી છોડીને ભાજપમાં જોડાયા હતા. ત્યારબાદથી આ બેઠક ખાલી પડી છે.
29 જુલાઇ સુધી ઉમેદવારી નોંધાવી શકશે
ચૂંટણી પંચની સત્તાવાર સૂચના મુજબ 9 ઓગસ્ટે ચૂંટણી યોજાશે અને સાંજે 5 વાગ્યા સુધીમાં પરિણામ આવી જશે. 10 ઓગસ્ટ પહેલા બંગાળની આ બેઠક પર ઉમેદવારની પસંદગી કરવામાં આવે તે જરૂરી છે. ચૂંટણી પંચની ઘોષણા મુજબ ઉમેદવારો 29 જુલાઈ સુધી ઉમેદવારી નોંધાવી શકે છે. ઉમેદવારીપત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 2 ઓગસ્ટ છે.
બંગાળમાં વિધાનસભા બેઠકો પર પણ પેટા-ચૂંટણીઓ યોજાવાની છે
આપને જણાવી દઈએ કે પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની પેટાચૂંટણી કુલ બે બેઠકો પર યોજાવાની છે. ટીએમસીના સાંસદ માનસ ભુયાનના રાજીનામા બાદ એક બેઠક ખાલી પડી હતી, પરંતુ ચૂંટણી માટે હજી તેની ઘોષણા કરવામાં આવી નથી. માનસ ભુયાન રાજીનામું આપીને ટીએમસીના ધારાસભ્ય બન્યા. આ ઉપરાંત પશ્ચિમ બંગાળની ખારડા, શાંતિપુર, ભવાનીપુર, દીનહતા, શમશેરગંજ, જંગીપુર અને ગોસાબા વિધાનસભા બેઠકો પર પણ પેટા ચૂંટણીઓ યોજાશે. આ સિવાય નંદીગ્રામમાં પરાજિત થયા બાદ હવે મમતા બેનર્જી ભવાનીપુરથી પેટા ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે. તાજેતરમાં જ મમતા બેનર્જી સહિતના પ્રતિનિધિમંડળ ચૂંટણી પંચને મળ્યા હતા અને ચૂંટણી યોજવાની માંગ કરી હતી.