નવી દિલ્લીઃ દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોમાં આજે મોટો ઘટાડો જોવા મળ્યો છે. આરોગ્ય મંત્રાલય તરફથી જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 31443 નવા કેસ સામે આવ્યા છે કે જે છેલ્લા 118 દિવસમાં સૌથી ઓછા દૈનિક કેસ છે. વળી, દેશમાં કોરોનાથી રિકવર થનાર દર્દીઓના દરમાં પણ વધારો જોવા મળ્યો છે. દેશમાં હવે કોરોનાથી રિકવર થનાર દર્દીઓનો દર 97.28 ટકા છે. હાલમાં દેશમાં કોરોનાના 431315 કોરોનાના સક્રિય કેસ છે કે જે છેલ્લા 109 દિવસમાં સૌથી ઓછા આંકડા પર પહોંચી ગયો છે.
કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 49007 દર્દી રિકવર થઈ ચૂક્યા છે જ્યારે દેશમાં હવે કુલ સંક્રમિત કેસોમાંથી સક્રિય કેસ 1.40 ટકા છે. સાપ્તાહિક સંક્રમણની ગતિમાં પણ ઘટાડો થયો છે અને તે 5 ટકાથી નીચે 2.28 ટકા છે. દૈનિક કેસો પણ 3 ટકાથી ઓછા 1.81 ટકા છે, સતત 22માં દિવસે દૈનિક કેસ 3 ટકાથી ઓછા છે. વળી, દેશમાં સતત કોરોના ટેસ્ટિંગને મોટાપાયે કરવામાં આવી રહ્યુ છે. અત્યાર સુધી દેશમાં 43.40 કરોડ કોરોના સેમ્પલની તપાસ થઈ ચૂકી છે.
કોરોના રસીકરણની વાત કરીએ તો દેશમાં અત્યારે રાજ્યો સુધી કોરોના વેક્સીનનો 39.46 કરોડ ડોઝ પહોંચાડવામાં આવી ચૂક્યો છે અને તેમની પાસે હજુ પણ 1.91 કરોડ ડોઝ ઉપલબ્ધ છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના કુલ 375538390 ડોઝનો ઉપયોગ કરવામાં આવી ચૂક્યો છે. વળી, જે રીતે પૂર્વોત્તર રાજ્યોમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે તે માટે ખુદ પ્રધાનમંત્રી રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે અને સ્થિતિની સમીક્ષા કરશે.