આરોગ્ય મંત્રાલયએ દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતીને લઈને પ્રેસ કોન્ફ્રન્સ યોજી હતી. અહીં આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું હતું કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 31,443 કેસ નોંધાયા છે. ગયા અઠવાડિયાની સરખામણીએ કોરોના કેસમાં 6% નો ઘટાડો થયો છે. દેશમાં હવે ફક્ત 73 જિલ્લા એવા છે જ્યાં દરરોજ 100 થી વધુ કોરોના કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલયે લોકોને અપીલ કરી છે કે તે કોરોના ત્રીજી લહેરની શક્યતાને પગલે સાવચેતી રાખે.
આ દરમિયાન નીતિ આયોગના સભ્ય ડો. વી.કે.પૌલે કહ્યું કે વિશ્વમાં ત્રીજી લહેર દેખાઈ રહી છે, આપણા દેશમાં ત્રીજી લહેર ન આવે તે માટે આપણે એક થવુ પડશે. અમે જ્યારે ત્રીજી લહેરની વાત કરીએ છીએ ત્યારે લોકો તેને હવામાનના અપડેટ તરીકે લઈ રહ્યા છે. સંયુક્ત સચિવ લવ અગ્રવાલે વધુમાં કહ્યું કે અમે કોરોનાની ત્રીજી લહેરની ગંભીરતા અને તેનાથી સંબંધિત જવાબદારીઓ વિશે સમજી રહ્યા નથી. મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ જેવા કેટલાક રાજ્યોમાં કેસમાં વધારો જોવા મળી રહ્યો છે.
ડો.વી.કે. પૌલે કહ્યું કે વિશ્વમાં ત્રીજી લહેર દેખાઈ રહી છે. આ લહેર ભારતમાં ન આવે તે માટે આપણે એક થવુ પડશે. વડાપ્રધાને આજે સ્પષ્ટ કહ્યું હતું કે ભારતમાં ત્રીજી લહેર ક્યારે આવશે તેની ચર્ચા કરવાને બદલે આપણે તેને દૂર રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે અમે 11 રાજ્યોમાં કેન્દ્રિય ટીમોની નિયુક્તિ કરી છે. જેથી તેઓ રાજ્ય સરકારોને કોરોના સંચાલનમાં મદદ કરી શકે. પૂર્વોત્તર રાજ્યો ઉપરાંત મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કેરળ અને ઓડિશામાં ટીમો મોકલવામાં આવી છે, કેમકે અહીં કેસ ઝડપથી વધી રહ્યા છે.
મોડર્ના વેક્સીન પર વાત કરતા ડો. વી.કે.પૌલે કહ્યું કે વાતચીત ચાલી રહી છે, હજુ સુધી કોઈ સંપૂર્ણ જવાબ નથી આવ્યો. અમે રાહ જોઈ રહ્યા છીએ. અમે તેને મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. બીજી તરફ એ પણ કહ્યું કે દેશમાં રસીનું ઉત્પાદન ધીમે ધીમે વધી રહ્યું છે.