નવી દિલ્લીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ખાદ્યતેલના ભાવ વધારા પર કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર કટાક્ષ કર્યો છે. રાહુલ ગાંધીએ મંગળવાર(13 જુલાઈ)એ ટ્વિટ કરીને કહ્યુ, 'પોતે ખાધુ, 'મિત્રો'ને પણ ખવડાવ્યુ, બસ જનતાને ખાવા નથી દેતા'. રાહુલ ગાંધીએ આ ટ્વિટ સાથે દેશમાં વધતા ખાદ્યતેલના ભાવોના એક સમાચાર પણ શેર કર્યા છે. આ રિપોર્ટમાં લખવામાં આવ્યુ છે કે દેશમાં ખાદ્યતેલના ભાવ વધવાથી ખાવા-પીવાનુ મોંઘુ થઈ ગયુ છે. રિપોર્ટમાં લખવામાં આવ્યુ છે કે ખાદ્ય વસ્તુઓનો છૂટક મોંઘવારી દર જૂનમાં 5.15 ટકા સુધી પહોંચી ગયો હતો.
રાહુલ ગાંધી મોંઘવારી માટે કેન્દ્ર સરકાર પર ટ્વિટના માધ્યમથી નિશાન સાધતા રહે છે. રાહુલ ગાંધીએ હાલમાં જ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો વિશે ટ્વિટ કર્યુ હતુ. રાહુલ ગાંધીએ કહ્યુ હતુ, 'તમારી ગાડી ભલે પેટ્રોલ પર ચાલતી હોય કે ડીઝલ પર, મોદી સરકાર ટેક્સ વસૂલી પર ચાલે છે.'
તમને જણાવી દઈએ કે ખાદ્ય તેલોના ભાવ છેલ્લા 6 મહિનામાં 40થી 50 રૂપિયા વધ્યા છે. જો કે છેલ્લા અમુક દિવસોમાં વધેલા રિફાઈન્ડ ઑઈલના ભાવોમાં 10 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. તેલના ભાવ વધવાથી ખાવા-પીવામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવ વધી ગયા છે. જાન્યુઆરી 2021માં જ્યાં સરસિયાનુ તેલ 125 રૂપિયાથી 135 રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યુ હતુ. હાલમાં સરસિયાનુ તેલ 180-185 રૂપિયા સુધી થઈ ગયુ છે.
રિફાઈન્ડ ઑઈલ 100-120થી વધીને 150-160 રૂપિયા થઈ ગયુ છે. સરસિયાના તેલ અને રિફાઈન્ડ ઑઈલના ભાવ 50 રૂપિયા સુધી વધી ગયા છે. ખાદ્ય તેલો ઉપરાંત રસોઈ ગેસના ભાવ પણ વધ્યા છે. જેની અસર ખાદ્ય મોંઘવારી પર થઈ છે. જાન્યુઆરીમાં ઘરેલુ સિલિન્ડર 714.50 રૂપિયા હતુ જેની કિંમત હવે 855 રૂપિયા થઈ ગઈ છે.