ઉત્તર પ્રદેશમાં આગલા વર્ષે વિધાનસભા ચૂંટણી થનાર છે, એવામાં ચૂંટણીની ઠીક પહેલાં આરએસએસ તરફથી સંગઠનમાં મોટો બદલાવ કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના મહાસચિવ અરુણ કુમારને સંપર્ક અધિકારી બનાવવામાં આવ્યા છે. અગાઉ કૃષ્ણ ગોપાલ આ પદ પર હતા જેઓ ભાજપ અને અન્ય પક્ષો સાાથે રાજનૈતિક સમન્વયનું કામ કરતા હતા. તેઓ 2015થી આ પદ પર હતા, તેમણે સુરેશ સોનીની જગ્યાએ આ જવાબદારી આપવામાં આવી હતી.પરંતુ હવે કૃષ્ણ ગોપાલની જગ્યાએ અરુણ કુમારને આ જવાબદારી સોંપવામાં આવી છે.
મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં આરએસએસની મળેલી બેઠક બાદ સંગઠનમાં આ બદલાવ કરવામાં આવ્યો છે. અગાઉ વર્ષની શરૂઆતમાં પણ આરએસએસમાં બદલાવ થયો હતો. દત્તાત્રેય હોસબોલેને મહાસચિવ બનાવી દેવામાં આવ્યા હતા જ્યારે અરુણ કુમારને રામદત્ત ચક્રધર સાથે સંયુક્ત મહાસચિવ બનાવવામાં આવ્યા હતા. સાથે જ RSSએ પશ્ચિમ બંગાળના ક્ષેત્ર પ્રચારક પ્રદીપ જોશીને હટાવી અખિલ ભારતીય સહ સંપર્ક પ્રમુખ બનાવી દીધા છે. સુત્રો મુજબ આરએસએસ સંગઠનના બીજા સંયુક્ત સચિવની પણ જલદી જ નિયુક્તિ કરી શકે છે, જેઓ બીએલ સંતોષની મદદ કરશે. હાલ બીએલ સંતોષ સંગઠનના રાષ્ટ્રીય મહાસચિવ છે.
અરુણ કુમારની વાત કરીએ તો તેમણે જમ્મુ અને કાશ્મીરમાં લાંબા સમય સુધી કામ કર્યું છે અને કલમ 370 હટાવવા પાછળ તેમને આરએસએસના મહત્વના સૂત્રધાર માનવામાં આવે છે. અરુણ ગુમારને આગામી સાત રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા સંપર્ક અધિકારી બનાવવામાં આવ્યા છે. કૃષ્ણ ગોપાલ જેઓ ઉત્તર પ્રદેશથી આવે છે તેઓ આરએસએસના અન્ય સંગઠન વિદ્યા ભારતી, લઘુ ઉદ્યોગ ભારતીના કામકાજને જોશે, જેને તેઓ પહેલાં પણ જોઈ ચૂક્યા હતા. સૂત્રો મુજબ કૃષ્ણ કુમારની તબીયત ઠીક નહોતી આ કારણે તેમને આ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.