કેરળમાં ઝીકા વાયરસનો ખતરો સતત વધી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી જીકા વાયરસના કુલ 15 મામલા સામે આવી ચૂક્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી પણ આ આંકડાની પુષ્ટિ કરવામાં આવી છે. નંથનકોડના 40 વર્ષના વ્યક્તિના સેમ્પલની તપાસ માટે ઈન્સ્ટિટ્યૂટ ઑફ અલપ્પુજામાં મોકલવામાં આવ્યા હતા, જે પોઝિટિવ મળી આવ્યા છે. આ ઉપરાંત તમિલનાડુ અને કર્ણાટકમાં પણ સંક્રમણને લઈ સતર્કતા વધી ગઈ છે, બંને પ્રદેશોમાં એલર્ટ ઘોષિત કરી દેવાયું છે. જણાવી દઈએ કે ઝીકા વાયરસ મુખ્યત્વે મચ્છરના કરડવાથી એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય છે.
તમિલનાડુના કોયમ્બતૂરના પ્રશાસન તરફથી તમિલનાડુ-કેરળ સીમા પર વાહનોની તપાસને તેજ કરી દેવામાં આવી છે, જ્યાં પહેલેથી જ ઈ-પાસ વિના કોઈને પ્રવેશવાની મંજૂરી નથી. કર્ણાટકના સ્વાસ્થ્ય વિભાગે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે તેઓ વાયરસને રોકવા માટે દક્ષિણ કન્નડ, ઉડુપિમાં સતર્કતા વધારી દે. કેરળમાં ઝીકા વાયરસના વધતા મામલાને જોતાં સ્વાસ્થ્ય વિભાગ તરફથી આ ફેસલો લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે હાલના વાતાવરણમાં મચ્છરોની સંખ્યા વધી જાય છે, જેને કારણે ઝીકા વાયરસની બીમારી વધી જાય છે.
કેરળમાં લોકોને કોરોનાની વેક્સીન તેજીથી લગાવવામાં આવી રી છે. રાજ્યના મુખ્યમંત્રી પિનારયી વિજયને જણાવ્યું કે અમારી નીતિ છે કે લોકોને બીમારી થવાથી બચાવવામાં આવે. અમે વધુમાં વધુ લોકોને કોરોનાની વેક્સીન આપવાની કોશિશ કરી રહ્યા છીએ જેનાથી લોકોના જીવ બચાવી શકાય. રાજ્યમાં અત્યાર સુધી 43 લોકોને કોરોનાનો પહેલો ડોઝ આપી દેવાયો છે જ્યારે 16.49 ટકા લોકોને વેક્સીનનો બીજો ડોઝ આપી દેવાયો છે.