નવી દિલ્લીઃ લૉકડાઉનથી ત્રસ્ત જનતાને આશા હતી કે કેન્દ્ર સરકાર તેમને આવનારા દિવસોમાં મોંઘવારીથી રાહત અપાવશે પરંતુ બધુ ઉલટુ પડી રહ્યુ છે. પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોની અસર હવે રોજિંદી ચીજ વસ્તુઓ પર સ્પષ્ટ રીતે દેખાવા લાગી છે. જેના કારણે મધર ડેરીએ પણ બધા પ્રકારના દૂધના ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટરનો વધારો કર્યો છે. આ વધારો રવિવારથી લાગુ થશે. થોડા દિવસ પહેલા જ અમૂલે પણ બે રૂપિયાનો વધારો કર્યો હતો.
ભાવ વધ્યા બાદ રવિવારથી ફૂલ ક્રીમ દૂધ માટે તમારે 55 રૂપિયા પ્રતિ લિટરની જગ્યાએ 57 રૂપિયા પ્રતિ લિટર ચૂકવવા પડશે. વળી, જો તમે ટોન્ડ મિલ્ક લેતા હોય તો તમારે 45 રૂપિયાના બદલે 47 રૂપિયા પ્રતિ લિટર આપવાના રહેશે. આ ઉપરાંત ડબલ ટોન્ડ દૂધ 39ની જગ્યાએ 41 રૂપિયામાં મળશે જ્યારે ગાયનુ દૂધ 47ની જગ્યાએ 49 રૂપિયાનુ થઈ ગયુ છે. દૂધની કિંમતોમાં વધારાથી સ્પષ્ટ છે કે આવનારા દિવસોમાં આનાથી બનતો સામાન જેમ કે મિઠાઈ વગેરેમાં પણ વધારો થવાનો નક્કી છે. મધર ડેરીના જણાવ્યા મુજબ આ પહેલા ડિસેમ્બર 2019માં દૂધના ભાવ વધ્યા હતા.
માલભાડા વધવાથી આવી મુશ્કેલી
વાસ્તવમાં મોટાભાગના વાહનો ડીઝલ અને સીએનજીથી ચાલે છે. છેલ્લા અમુક મહિનાઓમાં ડીઝલ અને સીએનજીની કિંમતો પોતાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. જેના કારણે વાહન સંચાલકોને પણ માલ ભાડુ વધારવુ પડ્યુ છે. આને જ દૂધમાં ભાવવધારાનુ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યુ છે. જો કે કંપનીનુ કહેવુ છે કે છેલ્લા 1.5 વર્ષમાં તેમણે દૂધના ભાવમાં કોઈ પ્રકારનો વધારો નહોતો કર્યો. જેના કારણે હવે આ પગલુ લેવામાં આવ્યુ છે. અમૂલ અને મધર ડેરીના ભાવ વધવાથી સ્પષ્ટ છે કે હવે અન્ય કંપનીઓ પણ દૂધની કિંમત વધારી દેશે.