મોદી સરકારની બીજી ટર્મના બે વર્ષ બાદ મંત્રીમંડળનું વિસ્તરણ થયુ છે. 43 નવા મંત્રી અને 7 મંત્રીઓને પ્રમોશન મળ્યુ છે ત્યારે હવે વડાપ્રધાન વિકાસ કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવા કામે લાગ્યા છે. 14 જુલાઇએ મંત્રી પરિષદની બેઠક બોલાવવામાં આવી છે. જેની અધ્યક્ષતા વડાપ્રધાન ખુદ કરશે.
કેબિનેટ વિસ્તરણ બાદ આ પહેલી બેઠક છે. જેમાં કેબીનેટ મંત્રી ઉપરાંત રાજ્યમંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર વડા પ્રધાન ઈચ્છે છે કે હવે દરેકનું ધ્યાન કામ પર હોવું જોઈએ. મીટિંગમાં તેને લઈને ચર્ચાઓ થશે. તે જ સમયે, રેલવે, આઇટી જેવા ઘણા મંત્રાલયોની જવાબદારી નવા નેતાઓ પર છે. આ કારણે પીએમ મોદી પણ તેમની સાથે ચર્ચા કરશે અને સલાહ સૂચનો આપશે. જો કે, આ બેઠકને લઈને હજુ કોઈ વિસ્તૃત માહિતી સામે આવી નથી.
છેલ્લાં બે વર્ષોમાં ઘણા મંત્રાલયોની કામગીરી સારી રહી નથી. જેના કારણે કેટલાક નેતાઓએ મંત્રી પદ ગુમાવવા પડ્યા હતા. હવે તેની જગ્યાએ નવા ચહેરાઓ પોસ્ટ કરવામાં આવ્યા છે. આ સ્થિતિમાં વડા પ્રધાન ઇચ્છે છે કે 2024 ની ચૂંટણી પહેલા આવા તમામ મંત્રાલય ડેમેજ કંટ્રોલ કરે. ઘણા યુવાન ચહેરાઓને પણ તક અપાઈ છે. વડાપ્રધાન મોદીને અપેક્ષા છે કે તે પણ સારી કામગીરી કરે.