મંત્રીમંડળના વિસ્તરણ બાદ કેબિનેટની પહેલી બેઠક પુર્ણ થઈ ગઈ છે. કોરોના, ઈકોનોમી, મોંઘવારી અને બેરોજગારી જેવા મુદ્દાઓએ મોદી સરકાર ધેરાયેલી છે ત્યારે સરકારે વિસ્તરણ બાદની પહેલી કેબિનેટમાં જ સરકાર એક્શનમાં હોવાનું જણાવવાના પ્રયત્નો શરૂ કર્યા છે. પહેલી કેબિનેટ બાદ સરકારે ખેડુતોને લઈને એલાન કર્યા છે. કેબિનેટની બેઠક બાદ રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર, કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા પત્રકાર પરિષદ યોજી 23 હજાર કરોડના હેલ્થ ઇમરજન્સી પેકેજની જાહેરાત કરી હતી.
આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુ હતુ કે, 2020માં કોરોનાનો સામનો કરવા સરકારે 15 હજાર કરોડ રૂપિયા આપ્યા હતા. જેની સહાયતાથી કોવિડ હોસ્પિટલની સંખ્યા 163 થી 4,389 સુધી પહોંચી હતી. આ પહેલા કોવિડ હેલ્થ સેન્ટર હતાં નહીં, હવે 8,339 સેન્ટર કાર્યરત છે. કોવિડ કેર સેન્ટરોની સંખ્યા 10 હજાર થઈ ગઈ છે અને 4 લાખથી વધુ ઓક્સિજન બેડ ઉપલબ્ધ છે. આ ફંડનો સારો ઉપયોગ કરવામાં આવ્યો છે. કોરોનાની બીજી લહેરને જોતા 23 હજાર કરોડનું નવું પેકેજ અપાયું છે. જેમાં કેન્દ્ર 15 હજાર કરોડ ખર્ચશે અને રાજ્ય સરકારોને 8 હજાર કરોડ રૂપિયા અપાશે.
આરોગ્ય મંત્રીએ બાળકોને કોરોનાથી બચાવવા પર ભાર મુક્યો હતો અને જણાવ્યુ હતુ કે, દેશમાં ઓક્સિજનની સમસ્યા ન સર્જાય, દવાઓની અછત ન થાય અને બાળકોને કોરોનાથી બચાવવા અંગે વિચારીને પેકેજ જાહેર કરાયુ છે. સેન્ટ્રલ અને ઇન્ટીગ્રેટેડ ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પેકેજનો ઉપયોગ કરીને કોરોના સામે લડત અપાશે. ટેલી મેડિસિન અને ટેલી કન્સલ્ટેશન સામે ધ્યાન અપાશે. આ જુલાઈથી આવતા માર્ચમાં દરેક રાજ્યમાં પ્રાઇમરી હેલ્થ સેક્ટર અને કમ્યૂનિટી હેલ્થ સેન્ટર લેવલે બેડ બનાવવાને પ્રાથમિકતા અપાશે. 20 હજાર ICU બેડ બનાવવા પેકેજની વ્યવસ્થા થશે. બાળકોને ધ્યાનમાં રાખીને પણ આ ICUમાં હાઇબ્રિડ વ્યવસ્થા કરાશે.
દેશમાં કૃષિ કાયદાઓ વિરૂદ્ધ આંદોલન ચાલી રહ્યુ છે ત્યારે પહેલી જ કેબિનેટમાં સરકારે ખેડુતો માટે જાહેરાત કરી છે. કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કેબિનેટની બેઠકમાં એક લાખ કરોડ રૂપિયા મંડળી દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવાની જાહેરાત કરી હતી. નાળિયેરની ખેતી કરનાર ખેડૂતો માટે નાળિયેર એક્ટમાં મહત્ત્વપૂર્ણ સંશોધન કરાયા છે અને નાળિયેર બોર્ડ બનાવાયું છે. રાજ્ય સરકાર અને કોઓપરેટિવ, સ્વસહાયતા સમૂહ અને APMC એક લાખ કરોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ માટે યોગ્યતા પાત્ર રહેશે. એગ્રી સ્ટાર્ટઅપ, ખેડૂતોના સમૂહને 2 કરોડ સુધીની લોન સામે 3% વ્યાજની છૂટ અપાશે. કૃષિ ઉપજ મંડળીના ક્ષેત્રમાં ખેડૂતો માટે એકથી વધુ પરિયોજનાઓ અમલમાં મૂકાશે તો તેમને પણ લોન અપાશે.