પંજાબમાંથી પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને સંવેદનશીલ માહિતી પૂરી પાડવા બદલ ભારતીય સેનાના બે જવાનોની ધરપકડ કરાઈ છે. આ બન્ને જવાનોએ છેલ્લા ચાર મહિનામાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત 900 જેટલા મહત્વના ડોક્યુમેન્ટ આઈએસઆઈને મોકલ્યા હોવાનો ખુલાશો થયો છે.
ધરપકડ કરાયેલા બે સૈનિકોમાં કોન્સ્ટેબલ હરપ્રીત સિંહ અમૃતસરનો રહેવાસી છે અને જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ફરજ પર હતો. જ્યારે ગુરભેજ સિંહ પંજાબના તરનતારનનો છે અને 18 શીખ લાઇટ ઇન્ફન્ટ્રી સાથે જોડાયેલો છે.
પંજાબના ડીજીપીના જણાવ્યા અનુસાર, આ સૈનિકો પર દુશ્મન દેશને દેશની મહત્વપૂર્ણ અને ગુપ્ત માહિતી લીક કરવાનો આરોપ છે. જેના કારણે આ બંને સૈનિકોની ધરપકડ કરાઈ છે. તેમની પાસેથી ભારતીય સૈન્યની કામગીરી અને તૈનાતી સંબંધિત ગુપ્ત દસ્તાવેજો મળી આવ્યા છે. બંને આરોપીઓ પર વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતા અને ઓફિશિયલ સિક્રેટ એક્ટ અનુસાર ફરીયાદ દાખલ કરાઈ છે. પ્રાથમિક તપાસમાં ધરપકડ કરાયેલા બંને જવાનોને ડોક્યુમેન્ટના બદલામાં આર્થિક પ્રલોભન આપવામાં આવ્યુ હોવાનું સામે આવ્યુ છે.