પશ્ચિમી દેશની જાસૂસી સંસ્થા ચિંતામાં અને એમની ચિંતા વાજબી પણ છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનના આદેશથી અફઘાનિસ્તાનમાં વધેલી બાકીની પશ્ચિમી સેનાઓ ઉતાવળે દેશ છોડી રહી છે અને આ કારણે તાલિબાની વિદ્રોહીઓની હિંમત વધી રહી છે.
તાજેતરમાં એમણે એક પછી એક અનેક જિલ્લાઓ પર આધિપત્ય જમાવ્યું છે. આ જિલ્લાઓમાં સરકારી સૈનિકો આત્મસમર્પણ કરી રહ્યા છે અને અમુક જિલ્લાઓમાં તો તે મેદાન છોડીને ભાગી પણ રહ્યા છે.
સુરક્ષા જાણકારોનું કહેવું છે કે હવે આંતરરાષ્ટ્રીય ચરમપંથનો ફરી એક વાર અનિચ્છિત રીતે પગપેસારો શરૂ થઈ રહ્યો છે.
સુરક્ષા અને ચરમપંથ વિશ્લેષક ડૉક્ટર સજ્જન ગોહેલે બીબીસીને કહ્યું, "અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની ઘરવાપસીએ દેશ પર તાલિબાનના કબજાની ટાળી ન શકાય એવી સ્થિતિ સર્જી દીધી છે. આનાથી અલ-કાયદાને પોતાનું નેટવર્ક ફરીથી શરૂ કરવાનો મોકો પણ મળી ગયો છે. આ સંગઠન ફરીથી એક વાર દુનિયાભરમાં હુમલાઓનું ષડ્યંત્ર રચી શકે છે."
આ આકલન ચોક્કસપણે ખૂબ નિરાશાવાદી છે પણ બે વાત તો સ્પષ્ટ દેખાય છે.
પહેલી. વર્ષ 1996થી 2001 સુઘી અફઘાનિસ્તાન પર ઉગ્ર રીતે શાસન કરનાર કટ્ટર ઇસ્લામિક સંગઠન તાલિબાન કોઈને કોઈ સ્વરૂપે પાછું ફરી રહ્યું છે. હાલ તો તાલિબાને કહ્યું છે કે રાજધાની કાબુલ પર બળજબરી કબજો કરવાની એમની કોઈ યોજના નથી, પરંતુ દેશના અનેક ભાગોમાં તે પહેલાંથી જ એક મોટી તાકાત બની ચૂક્યું છે.
વળી, તાલિબાને પોતાના સખત નિદેશો મુજબ દેશને ઇસ્લામિક વિરાસત બનાવવાની તેની માગણી કદી છોડી નથી.
બીજી. અલ-કાયદા અને તેના હરીફો, ઇસ્લામિક સ્ટેટ ઇન ખુરાસાન (આઈએસ-કેપી) પશ્ચિમી દેશોની સેના પરત ફરે પોતાનું અભિયાન આગળ વધારવાની ઇંતેજારીમાં હશે.
https://www.youtube.com/watch?v=Ul_34wBWO_Q
અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટટની હાજરી તો અફઘાનિસ્તાનમાં પહેલાંથી જ છે. અફઘાનિસ્તાન એક પહાડી દેશ છે જ્યાં વિસ્તારો ખૂબ ઊબડખાબડ છે અને એ જ કારણ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધિત ચરમપંથી સંગઠનોને અહીં સંતાઈ રહેવામાં સરળતા પડે છે.
અત્યાર સુધી અમેરિકા અને બાકી દેશોની સાથે મળીને કામ કરતી અફઘાનિસ્તાનની જાસૂસી સંસ્થા એનડીએસ આંશિક રીતે આ ખતરાને નિયંત્રિત કરવામાં સક્ષમ રહી હતી.
હુમલાઓ અને બૉમ્બમારો હાલ પણ ચાલુ છે. પરંતુ અગણિત જગ્યાએ, જેમના વિશે આપણે સાર્વજનિક રીતે કદાચ જ સાંભળીએ છીએ, એ ટિપઑફ અથવા એક ઇન્ટરસેપ્ટેડ મોબાઇલ ફોન કૉલના કારણે જ તરત વધારે પ્રભાવશાળી સૈન્ય કાર્યવાહી થતી રહી છે.
અફઘાનિસ્તાના પોતાના બૅઝ પરથી પશ્ચિમી સેના હંમેશાં મિનિટોમાં જ પ્રતિક્રિયા આપવામાં સમક્ષ રહેતી હોય છે. રાત્રિના અંધારામાં હેલિકૉપ્ટરમાંથી ઊતરે છે અને પોતાના દુશ્મનોને પકડી લે છે.
તે હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે.
'બ્રિટન માટે વધશે ખતરો'
તાલિબાને આ અઠવાડિયે એ સ્પષ્ટ કર્યું છે કે તેમને આશા છે કે કાબુલ વિમાનમથક અથવા અમેરિકાના દૂતાવાસની રખેવાળી માટે પણ કોઈ સૈનિક પાછળ ન રહી જાય. એવું થયું તો તે દોહામાં થયેલા કરારનું ઉલ્લંઘન હશે. આ કરાર હેઠળ તમામ અમેરિકન સૈનિકોએ 11 સપ્ટેમ્બર સુધી દેશ છોડવાનો છે.
તેમણે આવા કોઈ પણ પાછળ છૂટી ગયેલા સૈન્ય પર હુમલો કરવાની વાત કરી છે. પછી પણ આ અઠવાડિયે બ્રિટનના વડા પ્રધાન બોરિસ જૉન્સને પોતાની સરકારની ગુપ્ત નેશનલ સિક્યૉરિટી કાઉન્સિલ (એનએસસી)ની એક બેઠક બોલાવી છે.
આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે કે બ્રિટને હવે અફઘાનિસ્તાનમાં કેવા પ્રકારની સૈન્ય સહાયતાને યથાવત્ રાખવી જોઈશે.
સિક્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ (એમઆઈ6)ના પૂર્વ પ્રમુખ સર ઍલેક્સ યંગરે સ્કાય ન્યૂઝને કહ્યું કે "જો પશ્ચિમી દેશોનું સૈન્ય અફઘાનિસ્તાન છોડી દેશે તો બ્રિટન માટે આતંકવાદી ખતરો વધી જશે."
પરંતુ અહીં એક મોટી સમસ્યા છે. દેશમાં બચેલા કેટલાક ડઝન સ્પેશિયલ ફોર્સિસના સૈનિક અને પાછળ રહી ગયેલા સૈનિકો અમેરિકન સૈન્યઠેકાણાં અને નજીકના ઍર સપોર્ટ વિના તાલિબાનના નિશાને આવી શકે છે.
તાલિબાનના માગણી સ્પષ્ટ છે - તમામ વિદેશી સૈનિક દેશ છોડી દે અને પશ્ચિમના દેશોની પાસે આનો કોઈ જવાબ નથી.
તાલિબાન, અલ-કાયદાનું ગઠબંધન
તો તાલિબાન અને અલ-કાયદાની વચ્ચે ખરેખર શું સંબંધ છે?
શું તાલિબાનના કોઈ પણ રીતે સત્તામાં પરત ફરવાનો અર્થ છે કે અલ-કાયદાની પણ સત્તામાં પરત આવશે? શું અલ-કાયદાના તમામ બૅઝ, આતંકી પ્રશિક્ષણ શિબિર અને કૂતરા પર તેમણે કરેલા ભયાનક પૉયઝન-ગેસપ્રયોગ પરત ફરશે?
સંક્ષેપમાં કહીએ તો 2001ના અમેરિકન નેતૃત્વવાળા આક્રમણનો ઉદ્દેશ્ય અલ-કાયદાની આ જ બધી બાબતોને બંધ કરવાનો હતો.
આ સવાલ વર્ષોથી પશ્ચિમની ગુપ્ત સંસ્થાઓના પ્રમુખોને પરેશાન કરી રહ્યો છે. બ્રિટિશ સરકારના ક્લાસિફાઇડ દસ્તાવેજોથી ખ્યાલ આવે છે કે બ્રિટન આ બંને સમૂહોની વચ્ચેની કડીને લઈને કેટલું ચિંતિત રહે છે.
સંરક્ષણ અને આતંકવાદ વિશ્લેષક ડૉય સજ્જન ગોહેલના મતે આમાં ગઠબંધન પર કોઈ શંકા નથી.
એશિયા પેસિફિક ફાઉન્ડેશનના ડૉ. ગોહેલે કહ્યું, "તાલિબાન અલ-કાયદાનો એક મહત્ત્વનો ભાગ છે. જો તાલિબાનનું નેતૃત્વ ઇચ્છે તો પણ તે અલ-કાયદાની સાથે પોતાના સાંસ્કૃતિક, પારિવારિક અને રાજકીય દાયિત્વને સંપૂર્ણપણે ત્યાગવામાં અસમર્થ રહેશે."
અલ-કાયદા પ્રમુખ, ઓસામા બિન લાદેને વર્ષ 1996માં સૂડાનથી અફઘાનિસ્તાન પહોંચ્યા પછી 2001 સુધી, તાલિબાને તેમને એક સુરક્ષિત જગ્યા આપી હતી.
તે સમયે તાલિબાન સરકારને માન્યતા આપનારા માત્ર ત્રણ દેશમાંથી એક સાઉદી અરેબિયાએ પોતાના ગુપ્ત પ્રમુખ પ્રિન્સ તુર્કી અલ-ફૈસલને અફઘાનિસ્તાન મોકલ્યા હતા. પ્રિન્સ તુર્કીનું મિશન હતું કે તાલિબાન, ઓસામા બિન લાદેનને તેમના હવાલે કરી દે.
તાલિબાનનું નેતૃત્વ તેના માટે તૈયાર ન હતું અને તે જ અફઘાન બૅઝ પરથી 9/11ના વિનાશકારી હુમલાઓની યોજના બનાવી અને ડિરેક્ટ કરવામાં આવી.
પરંતુ બ્રિટનના ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ, જનરલ સર નિક કાર્ટરનું માનવું છે કે તાલિબાન નેતૃત્વે પોતાની જૂની ભૂલોમાંથી શીખ મેળવી હશે. જનરલ કાર્ટરે અફઘાનિસ્તાનમાં અનેક કમાન્ડનો પ્રવાસ કર્યો છે.
તેમનું કહેવું છે કે જો તાલિબાન સત્તા પર આવવાની અથવા તેના પર સંપૂર્ણ રીતે પોતાનો કબજો મેળવવા માગે છે, તો તે આંતરરાષ્ટ્રીય સ્તરે અલગ પડવા નહીં માગે.
અને એ જ છે મુશ્કેલી.
શાંતિવાર્તા દરમિયાન દોહાના એસીવાળા શૉપિંગ મૉલમાં સારા જીવનનો સ્વાદ ચાખી ચૂકેલા તાલિબાનના નેતા ઇચ્છશે કે તેમના રાજને આંતરરાષ્ટ્રીય સ્વીકૃતિ મળે અને આના માટે સંપૂર્ણ રીતે અલ-કાયદા સાથે સંબંધો તોડવા ઇચ્છશે.
પરંતુ અફઘાનિસ્તાન જેવા વિશાળ દેશમાં આ નક્કી નથી કે ભવિષ્યની તાલિબાન સરકાર અલ-કાયદા પર લગામ કેવી રીતે કસશે. અલ-કાયદા સરળતાથી ગામ અને દૂરની ઘાટીઓની અંદર છુપાયેલા રહી શકે છે.
અને છેવટે અલ-કાયદા અને ઇસ્લામિક સ્ટેટ સમૂહ બંને અફઘાનિસ્તાનમાં એક અરાજક અને અસ્થિર માહોલ બને તેવી આશા રાખશે. આ સમયે તમામ સંકેત તેમની ઇચ્છા પૂર્ણ થાય તેની તરફ ઇશારો કરી રહ્યા છે.
https://www.youtube.com/watch?v=R_UTkpkjHz8
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો