નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારીની બીજી લહેરમાં સંક્રમણના કેસ હવે ઘટવા લાગ્યા છે. કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે સોમવારે આંકડા જાહેર કરીને જણાવ્યુ કે છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કોરોના વાયરસના 39,796 નવા કેસ મળ્યા છે જ્યારે 42,352 દર્દી રિકવર થઈને પોતાના ઘરે પાછા ફર્યા છે. વળી, છેલ્લા એક દિવસમાં કોરોના સંક્રમણના કારણે 723 લોકોના મોત થયા છે. આ નવા કેસો સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને 3,05,85,229 અને રિકવર દર્દીઓની સંખ્યા 2,97,00,430 થઈ ગઈ છે.
આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે કોરોના વાયરસના કારણે દેશમાં અત્યાર સુધી 4,02,728 લોકોના જીવ જઈ ચૂક્યા છે. જો કે કોરોના વાયરસથી રિકવર થનાર દર્દીઓનો આંકડો સતત વધી રહ્યા છે અને દેશમાં હાલમાં સક્રિય કેસ 4,82,071 જ બચ્યા છે. આ ઉપરાંત કોરોના વાયરસ મહામારી સામે દેશભરમાં રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યુ છે અને અત્યાર સુધી વેક્સીનના કુલ 35,28,92,046 ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.
આ પાંચ રાજ્યોમાં કોરોના્ના 78.78 ટકા કેસ
તમને જણાવી દઈએ કે હાલમાં દેશમાં પાંચ રાજ્યો કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્ર પ્રદેશ અને ઓરિસ્સામાં કોરોના વાયરસના કેસ સૌથી વધુ મળી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન કેરળમાં 12,100 કેસ, મહારાષ્ટ્રમાં 9336 કેસ, તમિલનાડુમાં 3867 કેસ, આંધ્ર પ્રદેશમાં 3175 કેસ અને ઓરિસ્સામાં 2870 નવા કેસ મળ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર કોરોના વાયરસના દૈનિક કેસોમાંથી 78.78 ટકા કેસ આ પાંચે રાજ્યોમાં છે.
દિલ્લીમાં સ્ટેડિયમ અને સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ ખુલ્યા
વળી, દેશની રાજધાની દિલ્લીમાં સતત કેસ ઘટી રહ્યા છે જેના કારણે કેજરીવાલ સરકારે સોમવારે સ્ટેડિયમ અને સ્પોર્ટસ કૉમ્પ્લેક્સ ખોલવાની મંજૂરી આપી દીધી છે. જો કે આ બંને જગ્યાએ હાલમાં દર્શકોને જવાની મંજૂરી નથી. વળી, થિયેટરો, મલ્ટીપ્લેક્સ, સિનેમાહૉલ, સ્વિમિંગ પૂલ, સ્પા, સ્કૂલ અને કૉલેજોમાં હાલમાં બંધ રાખવામાં આવ્યા છે.