ભારત સાથે ફાઈટર પ્લેન રાફેલ ડીલ પર ફ્રાંસમાં આ ડીલની તપાસને લઈ એક જજની નિયુક્તિ કરવામાં આવી છે, જે બાદ કોંગ્રેસ સતત આ મુદ્દે મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. રવિવારે ફરી એકવાર કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ રાફેલ ડીલમાં થયેલી હેરાફેરીને લઈ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે કહ્યું- વચેટિયાઓને કરોડો રૂપિયા મળ્યા હોવાનું દસ્તાવેજો પરથી જાણવા મળે છે.
કોંગ્રેસે ભારતના 59 હજાર કરોડ રૂપિયાના રાફેલ જેટ ડીલના તાજેતરના ઘટનાક્રમ પર નરેન્દ્ર મોદી સરકારની કથિત ચુપ્પી પર રવિવારે હુમલો બોલ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સામે આવેલા દસ્તાવેજો મુજબ આ ડીલમાં વચેટિયાને ભારે માત્રામાં ધન ચૂકવવામાં આવ્યું છે. અગાઉ શનિવારે આ મેગા ડીલ પર સામે આવેલ વિવાદ બાદ કોંગ્રેસે એક સંયુક્ત સંસદીય સમિતિની તપાસની માંગ કરી હતી.
જણાવી દઈએ કે ફ્રાંસમાં કથિત ભ્રષ્ટાચાર અને પક્ષપાતની ન્યાયિક તપાસનું નેતૃત્વ કરવા માટે એક ફ્રાંસીસી ન્યાયાધીશને નિયુક્ત કરવામાં આવ્યા હતા. જ્યારે હવે કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે ફ્રાંસને ભ્રષ્ટાચાર, પ્રભાવ પેડલિંગ, મની લૉન્ડ્રિંગ, પક્ષપાત જેવા મામલે રાફેલ ડીલની તપાસો આદેશ આપ્યાના 24 કલાક થઈ ચૂક્યા છે. આખો દેશ, આખી દુનિયા હવે નવી દિલ્હી તરફ જોઈ રહ્યા છે. ચુપ્પી કેમ છે?
વધુમાં કોંગ્રેસે કહ્યું કે જો પીએમ મોદીમાં હિમ્મત હોય તો મીડિયાને બોલાવી રાફેલ ડીલ સાથે જોડાયેલા તમામ સવાલોનો પ્રેસ કોન્ફ્રેન્સમાં જવાબ આપે. કોંગ્રેસે મોદી સરકારને સવાલ પૂછીને કહ્યું કે આખરે રાફેલની તપાસના મુદ્દે કેન્દ્ર સરકારે ચુપ્પી કેમ સાધી રાખી છે?