નવી દિલ્લીઃ દાદરા અને નગર હવેલીમાં સીવરની સફાઈ દરમિયાન ત્રણ કર્મચારીઓના મોતના સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર સિલવાસાના ડોકમર્ડી વિસ્તારમાં આ સફાઈ કર્મી સીવર સાફ કરી રહ્યા હતા તે દરમિયાન ઝેરી ગેસ શરીરની અંદર જવાના કારણે ત્રણ કર્મચારીઓના મોત થઈ ગયા છે. ત્રણ શબને સીવરમાંથી બહાર કાઢી લેવામાં આવ્યા છે અને તેમને પોસ્ટમૉર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. આ મામલાની તપાસ માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ બેંગલુરુમાં 3 કર્મચારીઓના મેનહોલમાં જવાથી મોત થઈ ગયા હતા. બેંગલુરુ પાસે રામનગરમાં 3 કર્મચારીઓ 20 ફૂટ ઉંડા મેનહોલમાં ઉતર્યા હતા. મેનહોલમાં પ્રવેશતા જ ગૂંગળામણના કારણે તેમના મોત નીપજ્યા હતા. રિપોર્ટ મુજબ ત્રણે કર્મચારીઓ કોઈ પ્રકારની સેફ્ટી વિના મેનહોલમાં ઉતર્યા હતા. બે કર્મચારીઓ મેનહોલમાં ઉતર્યા ત્યારે એક બેભાન થઈ જતા બીજા કર્મચારીઓ મદદ માટે બૂમો પાડી ત્યારે ત્રીજો કર્મચારી મેનહોલમાં ઉતર્યો અને એ પણ બેભાન થઈ ગયો. ફાયર અને ઈમરજન્સી પહોંચે એ પહેલા ત્રણે કર્મચારીઓના મોત થઈ ગયા હતા.