જાપાન અને ચીન વચ્ચે છેડાયેલા યુદ્ધની વચ્ચે પ્લેગ ફાટી નીકળ્યો છે અને લોકો ટપોટપ મરી રહ્યા છે. ઉપર જાપાનના લડાકુ વિમાન મંડરાતાં હતાં અને નીચે ઘટાદાર વૃક્ષો નીચે એક ભારતીય ડૉક્ટર એક સંક્રમિત દર્દીના શરીર પર થયેલા ગૂમડામાંથી ઇન્ફૅક્શન કાઢીને પોતાને ચેપ લગાડે છે.
આ ભારતીય ડૉક્ટર પોતાની જાતને જાણીજોઈને સંક્રમિત કરી રહ્યા હતા, જેથી તે પોતાના પર પ્રયોગો કરીને તેની દવા શોધી શકે.
આ વી. શાંતારામની ફિલ્મ 'ડૉક્ટર કોટનિસ કી અમર કહાની'નું દૃશ્ય છે, જોકે આ ફિલ્મ વાસ્તવિક કહાણી પરથી બની છે.
વર્તમાન સમયમાં જ્યારે કોરોના વાઇરસે વિશ્વ આખાને ભરડામાં લીધું છે, ત્યારે ભારતથી ચીન ગયેલા આ ડૉક્ટરની કહાણીને લોકો યાદ કરે છે.
ચીન-જાપાન યુદ્ધ વખતે ભારતથી ગયેલા ડૉક્ટર દ્વારિકાનાથ કોટણીસની આ કહાણી છે, જે ચીનથી ક્યારેય ભારત પરત ન આવી શક્યા.
જેમણે ચીનના સૈનિકો અને સામાન્ય લોકોને પ્લેગની મહામારીમાંથી બચાવ્યા હતા. આ ઉપરાંત યુદ્ધમાં ઘાયલ થતાં અનેક ચીની સૈનિકોની પણ સારવાર કરી હતી.
ચીની સૈનિકો અને પ્રજાની સારવાર કરતાં-કરતાં તેમણે પોતાનો જીવ ગુમાવ્યો હતો.
દ્વારિકાનાથ કોટણીસ એ ભારતીય ડૉક્ટર છે, જેમની ચીનમાં પ્રતિમા સ્થાપવામાં આવી છે અને તેમને ભારત તથા ચીન વચ્ચેની મૈત્રીના પ્રતીક માનવામાં આવે છે.
ડૉક્ટર દ્વારિકાનાથ શાંતારામ કોટણીસ એ પાંચ ડૉક્ટરોમાંથી એક હતા, જેમને ભારત તરફથી યુદ્ધની સ્થિતિમાં ચીનની મદદ માટે મોકલવામાં આવ્યા હતા.
તેઓ એ વખતના બૉમ્બે પ્રૅસિડન્સીના સોલાપુરથી હતા, જે આજે મહારાષ્ટ્ર રાજ્યમાં છે.
ત્રણ લેખકોએ લખેલા પુસ્તક 'માય લાઇફ વિથ કોટણીસ' નામના પુસ્તકમાં લખ્યું છે એ પ્રમાણે 1910માં નવમી ઑક્ટોબરે તેમનો સોલાપુરમાં જન્મ થયો હતો.
જ્યારે લિઆંગ ગાઓના પુસ્તર 'ડૉ. કોટનિસ, અ શૉર્ટ બાયૉગ્રાફી'માં તેમની જન્મતારીખ 10 ઑક્ટોબર 1910 દર્શાવવામાં આવી છે, એટલે એ બાબતે વિસંગતતા જોવા મળે છે.
વર્ષ 1937થી 1945 દરમિયાન ચીન તથા જાપાન વચ્ચે યુદ્ધ થયું હતું, 1938માં ચીનના કૉમ્યુનિસ્ટ જનરલે જવાહરલાલ નહેરુનો પત્ર લખીને મેડિકલ સહાય માગી.
એ વખતે ડૉ. કોટણીસ તેમનો મેડિકલમાં સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કરી ચૂક્યા હતા અને અનુસ્નાતકની તૈયારી કરી રહ્યા હતા.
ડૉ. કોટણીસે ચીન જવાનું મન બનાવ્યું, તેઓ સોલાપુર ગયા અને પરિવારજનોને પોતાની ઇચ્છા જણાવી, પરિવારજનો તેમને મોકલવા માટે રાજી નહોતા.
ડૉ. દ્વારિકાનાથ કોટણીસનાં નાનાં બહેન મનોરમાએ 2013માં કહ્યું હતું, "એ વખતે અમારા પરિવારજનો ચીન વિશે બહુ ઓછું જાણતાં હતાં. અમને એટલી જ ખબર હતી કે ચીનથી લોકો રેશમનું કાપડ વેચવા માટે આવતા હતા."
"મારાં મમ્મી બહું દુખી હતાં, કેમ કે ભાઈ બહુ દૂર જઈ રહ્યા હતા અને ત્યારે ચીનમાં યુદ્ધની સ્થિતિ હતી."
ડૉ. કોટણીસે ચીન જવાનું મનોમન નક્કી કરી જ લીધું હતું. તેમની સાથે અન્ય ચાર ડૉક્ટર્સ એમ. અટલ, બી. કે. બાસુ, એમ. ચોલકર અને ડી. મુખરજી પણ ચીન જવા તૈયાર થયા હતા.
https://www.youtube.com/watch?v=bkT7EJSAyJg
એ વખતના કૉંગ્રેસના અધ્યક્ષ નેતાજી સુભાષચંદ્ર બોઝે આ પાંચ ડૉક્ટર્સને મોકલવાની વ્યવસ્થા કરી, સાથે-સાથે ઍમ્બુલન્સ અને 22 હજાર રૂપિયા ફાળો પણ મોકલવામાં આવ્યો હતો.
શંગ શ્યેનકુઅંગ, લુ ચીશાન અને ચાંગ છાંગમાને લખેલા પુસ્તક 'મહાન સ્વતંત્રતા સેનાની ડૉ. કોટનિસ કી સ્મૃતિ મેં' પ્રમાણે ડૉ. કોટણીસ સપ્ટેમ્બર 1938માં જાપાની આક્રમણવિરોધી યુદ્ધમાં ચીનની જનતાની સહાયતા કરવા ભારતીય મેડિકલ મિશનમા સામેલ થયા હતા.
જાન્યુઆરી 15, 1939. ડૉક્ટર કોટણીસ અને અન્ય ચાર તબીબ બપોરે જમવા માટે તેમના ઉતારે ગયા, એ વખતે અચાનક જ સાઇરન વાગી ઊઠ્યું અને જાપાની સેનાએ ઍર-રેડ કરી દીધી, તેઓ તેમાં માંડ બચ્યા.
ફેબ્રુઆરી 1939માં તેઓ યેનાન પહોંચ્યા અને એ પછી જાપાનવિરોધી યુદ્ધમોરચે તેમને મોકલવામાં આવ્યા.
એક તરફ જાપાનના હુમલામાં સૈનિકો ઘવાઈ રહ્યા હતા તો બીજી તરફ પ્લેગ ફાટી નીકળ્યો, જેના કારણે ટપોટપ સૈનિકો મરવા લાગ્યા હતા. ધીમે-ધીમે રોગચાળાની ઝપેટમાં સામાન્ય લોકો પણ આવવા લાગ્યા હતા.
'ડૉક્ટર કોટનિસ કી અમર કહાની' ફિલ્મ પ્રમાણે ડૉ. કોટણીસે એ વખતે વધી રહેલા રોગચાળાને અટકાવવા માટે પોતાની જાતને ચેપ લગાડ્યો હતો અને પછી પોતાના પર રસીના પ્રયોગો કર્યા હતા.
ડૉક્ટર કોટણીસની જીવનકથામાં એવા ઉલ્લેખ છે કે તેઓ રસી શોધી રહ્યા હતા, પણ તેમણે પોતાને ચેપ લગાડ્યાનું કોઈ પ્રમાણ નથી. જોકે મેડિકલના ક્ષેત્ર સાથે સંકળાયેલા તજજ્ઞો આ અંગે વધુ પ્રકાશ પાડે છે.
મેડિકલ સર્વિસ સેન્ટરની કેન્દ્રીય સમિતિના પ્રમુખ તથા નાસિકમાં પ્રૅક્ટિસ કરી રહેલા ડૉ. વિનાયક નરલીકર બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહે છે, "જે વખતે ડૉ. કોટણીસ ચીન ગયા, એ વખતે ઍન્ટિ-ડૉટ્સના પ્રયોગ પોતાના પર કરવાની જ એકમાત્ર રીત હતી."
"ડૉ. કોટણીસ રસી શોધવા માટે પ્રયાસ કરી રહ્યા હતા તો તેઓ પોતાના પર જ પ્રયોગ કરતા હશે. એટલે ડૉ. કોટણીસે પણ ચીનમાં પોતાના પર પ્રયોગો કરીને જ તેની રસી શોધવાના પ્રયાસો કર્યા હશે."
કોટણીસ ચીન અને ત્યાંની જનતાને ચાહવા લાગ્યા હતા, એ હદે કે તેઓ ચીની ભાષા બોલી અને લખી શકતા હતા.
ડૉક્ટર કોટણીસ આઠમી રૂટ આર્મીનો હિસ્સો હતા, એ પછી તેઓ બેથુન ઇન્ટરનેશનલ પીસ હૉસ્પિટલના ડિરેક્ટર બન્યા હતા. અહીં ડૉક્ટર કોટણીસની મુલાકાત ગ્વો કિંગલાન સાથે થાય છે.
ગ્વો કિંગ્લાન નર્સ હતાં, તેઓ 23 વર્ષની વયે આઠમી રૂટ આર્મીમાં વૉલન્ટિયર તરીકે જોડાયાં હતાં અને એ પછી તેઓ બેથુન ઇન્ટરનેશનલ પીસ હૉસ્પિટલમાં ડૉ. કોટણીસના હાથ નીચે કામ કરવા લાગ્યાં હતાં.
ઊંચું કદ, મોટી આંખો અને વાંકડિયા વાળ ધરાવતા ડૉ. કોટણીસ પ્રત્યે ગ્વો આકર્ષાયાં, તેમણે કોટણીસને એક સ્વેટર ભેટમાં આપ્યું. આ સાથે જ બંનેની પ્રેમકહાણીની શરૂઆત થઈ.
ગ્વો માત્ર ચીની ભાષા જાણતાં હતાં અને ત્યારે ડૉ. કોટણીસ પણ ચીની ભાષા શીખી ચૂક્યાં હતાં. થોડા મહિનાઓ બાદ ગ્વો અને કોટણીસે લગ્ન કર્યાં, 1941માં તેમના પુત્રનો જન્મ થયો.
'મહાન સ્વતંત્રતા સેનાની ડૉ. કોટનિસ કી સ્મૃતિ મેં' પુસ્તક પ્રમાણે 8 ડિસેમ્બર 1942ની રાતે તેઓ લખી રહ્યા હતા, તેમની કલમ જાણે કાગળ પર દોડી રહી હતી.
અચાનક તેઓ અટકી ગયા અને ઢળી પડ્યા, ત્રણ મિનિટ પછી ભાનમાં આવ્યા... બીજા દિવસ સવાર સુધી આવું અનેક વખત થયું અને છેવટે ડૉ. કોટણીસે પ્રાણ ત્યાગી દીધા.
નવમી ડિસેમ્બર 1942ના દિવસે તેમનું મૃત્યુ થયું, ત્યારે તેમની ઉંમર 32 વર્ષ હતી અને તેમનો દીકરો ત્રણ મહિનાનો હતો.
જોકે પાંચ વર્ષના ટૂંકા ગાળામાં તેઓ ચીની પ્રજાના લાડલા થઈ ગયા હતા. તેમની જીવનકથા અને ડૉ. બાસુ સાથેના તેમના પત્રવ્યવહારના આધારે જાણવા મળે છે કે તેઓ જુલાઈ 1942માં ચીનના સામ્યવાદી પક્ષમાં જોડાયા હતા.
તેમના મૃત્યુ બાદ ચીનમાં તેમની પ્રતિમા, સ્મારક અને નાનું સંગ્રહાલય બનાવવામાં આવ્યું, તેમની કામગીરીને ચીનના શાસક માઓ-ત્સે-તુંગે પણ બિરદાવી હતી.
કોટણીસનાં પત્નીનું 2012માં અવાસન થયું. તેઓ જીવિત હતાં, ત્યાં સુધી ભારત-ચીન વચ્ચેના અનેક કાર્યક્રમોમાં તેઓ હાજર રહેતાં હતાં.
કાળના પ્રવાહમાં ડૉ. દ્વારિકાનાથ કોટણીસનું પાત્ર ભારતીય જનમાનસની સ્મૃતિમાંથી ભૂંસાતું ગયું પણ ચીનની પ્રજાએ આજે પણ ડૉ. કોટણીસને યાદ રાખ્યા છે.
https://www.youtube.com/watch?v=Zrt5dSLEQwk
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો