ચાઇનીઝ કૉમ્યુનિસ્ટ પાર્ટી : શતાબ્દીની ઉજવણી, સત્તાના એકાધિકાર માટે કેવો પ્રચાર કરે છે?

By BBC News ગુજરાતી
|

ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટી(સીસીપી) જ્યારે પોતાની સ્થાપનાનાં 100 વર્ષ પહેલી જુલાઈએ પૂર્ણ થયાં છે અને તેની ઉજવણી શરૂ થઈ છે.

પાર્ટીમાં અંદરખાને થઈ રહેલી ચર્ચાઓમાં સીસીપીની દ્રઢતાને ભારોભાર વખાણવામાં આવી રહી છે, જેણે તેની 100 વર્ષની યાત્રામાં પક્ષના ક્ષયની, લોકશાહીકરણની અને પક્ષના અંતની ધારણાઓને ખોટી સાબિત કરી છે.

તાજેતરની સમાનવ અવકાશ યાત્રામાં પણ છલોછલ દેશભક્તિનું પ્રદર્શન જોવા મળ્યું હતું, જેમાં એક અવકાશયાત્રીએ કહ્યું હતું કે આ સ્પેસ મિશનને લીધે "પક્ષના 100 વર્ષના સંઘર્ષના ઇતિહાસમાં વીરતાનું એક નવું પ્રકરણ ઉમેરાયું છે."

પક્ષનું ફૉક્સ અસ્તિત્વ ટકાવી રાખવા પર રહ્યું છે અને લોકોના ભરોસામાંના કથિત ધોવાણ પ્રત્યે તેનો અભિગમ અત્યંત કાળજીભર્યો રહ્યો છે.

તેથી શાસનની કાયદેસર માન્યતાને સતત વાજબી ઠરાવવી પડે છે.

પાર્ટીનાં સો વર્ષ પૂરાં થવાના પ્રસંગે ભૂતકાળની ભવ્યતા, વર્તમાનની સફળતા તથા ભવિષ્યની મહાનતાના મિશ્રણયુક્ત કથાનક વડે પોતાની અપીલને મજબૂત બનાવવાની તક સીસીપીએ ઝડપી લીધી છે.

ચીનમાં સત્તા પર સીસીપીના નિરંતર એકાધિકારને વાજબી ઠરાવવા માટે પ્રચારતંત્ર, શિક્ષણવિદો, પક્ષના સભ્યો અને વિદેશી નાગરિકોને પણ એકઠા કરવામાં આવ્યા છે.


છબીનો ખેલ

પાર્ટી સતત એ સંદેશના પ્રસાર પર ભાર મૂકી રહી છે કે સીસીપીને ચીન પર શાસન કરવાનો અધિકાર 'લોકસેવા'ને કારણ મળેલો છે અને પક્ષ નાગરિકોનો સજ્જડ ટેકો ધરાવે છે.

માઓ ઝેદોંગે 1944માં 'લોકસેવા'નો ખ્યાલ રજૂ કર્યો ત્યારથી તે સીસીપીનો અનૌપચારિક આદર્શ બની રહ્યો છે અને શી જિનપિંગના શાસન કાળ દરમિયાન તેનું પુનરોત્થાન થઈ રહ્યું હોય એવું લાગે છે.

માત્ર વિશેષાધિકાર ધરાવતા વર્ગના લોકો જ નહીં, પણ સામાન્ય જનસમુદાયની સેવા કરવાના પોતાના 'મૂળ લક્ષ્યને' સીસીપીએ આગ્રહપૂર્વક વળગી રહેવું જોઈએ, એવું શી તેમના ભાષણોમાં વારંવાર જણાવતા રહ્યા છે.

તેમણે તાજેતરમાં કહ્યું હતું કે "ચીની નાગરિકોની ખુશહાલી માટે સીસીપી ખરેખર પ્રયાસ કરી રહી છે, એવું દર્શાવતો પ્રચાર વધુ ભારપૂર્વક થવો જોઈએ."

સરકારી મીડિયા અને અધિકારીઓ હાર્વર્ડ યુનિવર્સિટીના એક અભ્યાસના તારણોને દર્શાવી રહ્યા છે જેમાં કહેવામાં આવ્યું હતું કે ચીનના નાગરિકો તેની સરકારથી અત્યંત સંતુષ્ટ છે.

બ્રૉડકાસ્ટર સીજીટીએનની 'મૅન ઑફ ધ પીપલ' શ્રેણી જેવી ભાવનાસભર સ્ટોરીઝ પણ મીડિયા આઉટલેટ્સ રજૂ કરી રહ્યાં છે. એ શ્રેણીમાં લોકો માટે આકરી મહેનત કરતા પક્ષના કાર્યકરોની કથાઓ દર્શાવવામાં આવે છે.

નાયબ વિદેશ પ્રધાન ઝી ફેંગે વિદેશી રાજદૂતોને 16 જૂને કહ્યું હતું કે "સીસીપી પાસે કોઈ જાદૂઈ છડી નથી, પણ લોકો કેવા ફેરફાર ઈચ્છે છે એ પક્ષ જાણે છે અને તે લોકોની જરૂરિયાત અનુસારની નીતિઓનો અમલ કરે છે."

તેમણે ઉમેર્યું હતું કે "પક્ષ અને દેશના નાગરિકો વચ્ચે જળ અને માછલી જેવો અવિભાજ્ય સંબંધ છે."

સીસીપીને લોકલક્ષી પક્ષ ગણાવવાના ઉપક્રમમાં પક્ષ અને દેશના યુવાવર્ગ વચ્ચેના ખાસ સંબંધ પર ફૉક્સ કરવામાં આવી રહ્યું છે. ચીનમાં યુવાઓ ઐતિહાસિક રીતે સમાજનો વગદાર વર્ગ બની રહ્યા છે અને ભૂતકાળમાં તેમની સાથેનો સીસીપીનો સંબંધ જટિલ રહ્યો છે.

ચીનનો એક મોટો યુવાવર્ગ પ્રગતિ તથા સામાજિક ગતિશીલતાની તેમજ આવકમાં વધતી જતી અસમાનતાની બાબતમાં અભાવ અનુભવી રહ્યો છે. ચીની યુવાવર્ગના આક્રોશના નિરાકરણમાં ઉપરોક્ત પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.


ઇતિહાસનું ગુણગાન

લોકોને પ્રેરણા આપવાના અને સામ્યવાદી શાસનમાંની તેમની શ્રદ્ધાને બળવતર બનાવવાના પક્ષના પ્રયાસોમાં પોતાના ક્રાંતિકારી વારસાનો ઉપયોગ પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

પક્ષે ભૂતકાળમાં આપેલાં બલિદાનો અને તેની ભવ્યતાનું અતિશયોક્તિભર્યું ચિત્રણ સરકારી મીડિયા, બિલબોર્ડ્ઝ, ફિલ્મો. ટીવી સીરિયલો અને સત્તાવાર ભાષણો એમ સર્વત્ર જોવા-સાંભળવા મળી રહ્યું છે.

સરકારી એજન્સી સિન્હુઆના 'ક્રાંતિકારીઓની પદચિન્હોની શોધ' જેવાં સ્પેશ્યલ કવરેજ સાથે સરકારી મીડિયા દંતકથાઓનું સર્જન કરી રહ્યું છે.

ઈતિહાસના લાભ લેવાના પ્રયાસોનું પ્રતિબિંબ 'રેડ ટૂરિઝમ' અથવા તો ઐતિહાસિક સ્થળો, પક્ષનાં મ્યુઝિયમો અને ક્રાંતિકારી સ્મારકોના પ્રવાસમાં પણ જોવા મળે છે.

શી જિનપિંગે પક્ષના ઈતિહાસના અભ્યાસની ઝૂંબેશ ફેબ્રુઆરીમાં શરૂ કરી હતી અને પક્ષના તમામ કાર્યકરોને સીસીપીના ભૂતકાળમાંથી 'શાણપણ'ના પાઠ ભણવા જણાવ્યું હતું.

પક્ષના સત્તાવાર જર્નલ 'ક્વિશી'ના લેટેસ્ટ અંકમાં શી જિનપિંગે વધુ એક વખત જણાવ્યું હતું કે ઈતિહાસ 'પક્ષના અડગ સંઘર્ષનું સૌથી વધુ વિશ્વસનીય પાઠ્યપુસ્તક છે' અને તેને સમજવાથી સીસીપી પ્રત્યેનો તેમજ દેશ પ્રત્યેનો પ્રેમ પ્રગાઢ બને છે.

શી જિનપિંગના વૈચારિક ગુરુ વાંગ હુનિંગે જણાવ્યું હતું કે તાજેતરમાં શરૂ કરવામાં આવેલા મ્યુઝિયમને કારણે 'સીસીપી આટલી સમર્થ કેમ છે, માર્ક્સવાદ ઉપયોગી શા માટે છે અને ચીની વિશેષતા સાથેનો સમાજવાદ શ્રેષ્ઠ શા માટે છે તેની ઊંડી સમજ કેળવવામાં પક્ષના કાર્યકરો, અધિકારીઓ અને સામાન્ય લોકોને મદદ મળશે.'

જોકે, ઈતિહાસ પર ફૉકસ કરતી વખતે પક્ષના ભૂતકાળના ઊંડા આત્મનિરીક્ષણને જરૂરી ગણવામાં આવ્યું નથી. તેને બદલે પક્ષના 100 વર્ષના ઈતિહાસનું સુધારો કરેલું સંસ્કરણ રજૂ કરવામાં આવી રહ્યું છે.

શી જિનપિંગે 'ઈતિહાસમાં અવિશ્વાસ' એટલે કે સત્તાવાર ઈતિહાસને પડકારતી કોઈ બાબત સંબંધે વારંવાર ચેતવણી આપી છે.

પક્ષનો 'વિકૃત" ઈતિહાસ દર્શાવતી લગભગ 20 લાખ ઑનલાઈન પોસ્ટ્સ સત્તાવાળાઓએ હજુ ગયા મહિને ડિલીટ કરી નાખી હતી અને આ પ્રકારની ઘટનાની જાણ લોકો સત્તાવાળાઓને કરી શકે એટલા માટે ટેલિફોન હોટલાઈનની વ્યવસ્થા કરી હતી.


સ્વર્ગથી મળેલો જનાદેશ

ઘરઆંગણે પોતાના કામની સ્વીકૃતિ માટે સીસીપી મજબૂત આર્થિક વિકાસ અને સામાજિક સ્થિરતા પર લાંબા સમયથી આધાર રાખતી રહી છે.

કામ કરી દેખાડવાની ક્ષમતા દેશમાં નાગરિકોનું સમર્થન હાંસલ કરવાનો એક પ્રમુખ સ્તંભ બની રહી છે. તેનો અર્થ એ કે શાસન કરવાનો અધિકારનું મૂલ્યાંકન કામ કરી દેખાડવાની ક્ષમતાને આધારે થવું જોઈએ.

ઝેંગ વેઈવેઈ નામના અગ્રણી ચીની વિદ્વાને તાજેતરમાં દેશના પોલિટબ્યુરોને સંબોધન કર્યું હતું. તેમણે 'સ્વર્ગના ચૂકાદા' નામના પ્રાચીન ચીની વિચારની વાત કરી હતી, જેમાં રાજાને તેમણે કેટલું સારું શાસન કર્યું હતું તેના આધારે રાજ કરવાનો અધિકાર મળે છે.

એક અન્ય લેખમાં તેમણે 'લોકતંત્ર વિરુદ્ધ સત્તાવાદ'ને બદલે 'સુશાસન વિરુદ્ધ કુશાસન' પર ધ્યાન કેન્દ્રીત કરતી નવી શાસન શૈલીનો વિચાર રજૂ કર્યો હતો.

શતાબ્દીની પૂર્ણતા તરફના દિવસોમાં સરકારી મીડિયામાં સીસીપીના શાસનકાળમાં આર્થિક ચમત્કારો અને ભવ્યતમ સિદ્ધિઓનું ગુણગાન કરતા લેખોનો રાફડો ફાટ્યો છે.

સીસીપીના સામર્થ્યનું ગુણગાન કરતાં બે ઉદાહરણોમાં અત્યંત ગરીબી તથા કોવિડ-19 પર ચીને મેળવેલા વિજયની કથાઓનો સમાવેશ થાય છે. સીસીપીના મુખપત્ર પીપલ્સ ડેઈલીમાં તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલા બે લાંબા લેખોમાં આ બાબત હાઈલાઈટ કરવામાં આવી હતી.

સીસીપીની કામગીરીને વખાણવાનું કામ જાપાનના એક ભૂતપૂર્વ વડા પ્રધાન, ઘાનાના એક પક્ષના નેતા અને રશિયાના એક વિદ્વાન જેવા વિદેશીઓ પણ કરી રહ્યા છે.

તેનાથી વિપરીત, કોવિડ-19ના વૈશ્વિક રોગચાળામાં અમેરિકા અને ભારતની કંગાળ કામગીરી તરફ ઈશારો કરીને લોકશાહી કેટલી નકામી હોવાની કથા ચીનમાં ભારપૂર્વક જણાવવામાં આવી રહી છે.

જોકે, કામ કરી દેખાડવાની ક્ષમતાનું સાતત્ય લોકોની વધતી અપેક્ષા પર આધારિત છે. ચીનમાં વૃદ્ધોની વધી રહેલી સંખ્યા, માળખાકીય મંદી, સુધારાઓનો અભાવ અને પર્યાવરણ સંબંધી બાબતો તેની પરીક્ષા જરૂર કરશે.

તેના પરથી ધ્યાન હટાવવા માટે જ વૃદ્ધિના લક્ષ્યાંકોને બદલે સર્વગ્રાહી વિકાસ અને ચીની નાગરિકોનું જીવન બહેતર બનાવવાના વિચારનો પ્રસાર કરવામાં આવી રહ્યો હોય એ શક્ય છે.


'પાર્ટીમાં પોતાને બદલવાની ક્ષમતા'

કટોકટીને પહોંચી વળવાની અને બદલાતા સંજોગોને અપનાવવાની પોતાની ક્ષમતાનો પ્રચાર કરવા સીસીપી આતુર છે.

લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવતા દેશોમાં રાજકીય પક્ષોનું ધ્યાન ટુંકા ગાળાના રાજકીય લાભ પર કેન્દ્રીત હોય છે. તેનાથી વિપરીત, સીસીપી લાંબા ગાળાનો દૃષ્ટિકોણ અપનાવીને જરૂરી સુધારા કરી શકે છે. આ બાબતને તેનું અત્યંત વિશિષ્ટ લક્ષણ ગણાવવામાં આવે છે.

અલબત, આ પ્રક્રિયામાં, કોવિડ-19 રોગચાળાની શરૂઆતમાં થયું હતું તેમ કોઈ ગડબડ થાય તો, સ્થાનિક અધિકારીઓને જવાબદાર ઠરાવવામાં આવે છે, કેન્દ્રીય સત્તાવાળાઓને નહીં.

દેશની રાજકીય વ્યવસ્થાના ગુણોને વખાણતા એક શ્વેતપત્રના વિમોચન વખતે ચીની અધિકારી ઝૂ યૂશેંગે કહ્યું હતું કે "ચીની વ્યવસ્થા કાતિલ સ્પર્ધાની બહુપક્ષીય નબળાઈને ટાળી શકે છે."

નાયબ વિદેશ પ્રધાન શી ફેંગે ભારપૂર્વક જણાવ્યું હતું કે સીસીપી ભૂલો સ્વીકારવા, તેને સુધારવા અને સુધારા ગમે તેટલા પીડાદાયક હોય તો પણ તેને અપનાવવા સક્ષમ છે...સીસીપી સોવિયત સંઘનો સામ્યવાદી પક્ષ નથી.

સોવિયત સંઘનું પતન સીસીપી માટે અને શી જિનપિંગ એક મહત્ત્વનો પાઠ છે. ચીનની હાલત પણ સોવિયત સંઘ જેવી થતી અટકાવવાની જરૂરિયાતની વાત શી જિનપિંગ વારંવાર કરતા રહે છે.

શી જિનપિંગે 2012માં નેતૃત્વ સંભાળ્યું ત્યારે પક્ષની હાલત અત્યંત ખરાબ હતી. સીપીપી જૂથવાદ, બિનકાર્યક્ષમતા અને ભ્રષ્ટાચારથી ખદબદતી હતી.

શી જિનપિંગે વ્યાપક આંતરપક્ષીય સુધારા, શિસ્ત ઝૂંબેશ, સામૂહિક અભ્યાસ બેઠકો અને સ્વ-સમીક્ષા સત્રો સાથે સીસીપીને શુદ્ધ બનાવવાનું બીડું ઝડપ્યું હતું.

સ્વ-સુધારમાં ભ્રષ્ટાચાર વિરોધી ઝૂંબેશ બહુ વખણાઈ છે અને ચીની નાગરિકોમાં એ અત્યંત લોકપ્રિય બની છે. આ ઝૂંબેશને સ્થાનિક મીડિયામાં વ્યાપક કવરેજ આપવામાં આવે છે.

સીસીપી ખુદને શ્રેષ્ઠ રાજકીય પક્ષનું મૉડેલ ગણાવે છે, પણ બીજિંગની સેન્ટ્રલ પાર્ટી સ્કૂલના ભૂતપૂર્વ પ્રોફેસર કાઈ ઝિયાએ સીસીપીને આંતરિક સમસ્યાઓ સાથેનો રાજકીય શંભૂમેળો ગણાવી છે.


ચીનને મહાનતાના શિખર પર લઈ જવાની મહત્ત્વકાંક્ષા

પક્ષ રાષ્ટ્રીય ગૌરવને પોતાની તરફેણમાં અંકે કરવા ઈચ્છે છે અને એવી આશા રાખે છે કે વધતો રાષ્ટ્રવાદ સીસીપી પ્રત્યેની વ્યાપક વફાદારીમાં પરિવર્તિત થશે.

આ કથામાં પક્ષના શાસનનું લક્ષ્ય તાત્ત્વિક રીતે ચીનના મહાન કાયાકલ્પ અને નાગરિકોને સામૂહિક ઉદ્દેશ પ્રદાન કરવાનું છે, જે 2049 સુધીમાં હાંસલ કરવાનું વચન શી જિનપિંગે આપ્યું છે.

સંદેશો સ્પષ્ટ છેઃ સીસીપી ચીનને વિશ્વમાં તેના યોગ્ય સ્થાને પુનર્સ્થાપિત કરી રહી છે અને વિદેશી સત્તાઓએ ચીનની જે અવદશા કરી હતી તેમાંથી તેને બહાર લાવી રહી છે. સીસીપીના શાસન વિના દેશ અરાજકતામાં ધકેલાઈ જશે અને તેનો લાભ પશ્ચિમના દેશો લેશે.

ગ્લોબલ ટાઇમ્સમાં તાજેતરમાં પ્રકાશિત એક તંત્રીલેખમાં જણાવવામાં આવ્યું હતું કે "સીસીપીના મજબૂત નેતૃત્વ વિના ચીનનું કોઈ ભવિષ્ય નથી. અમેરિકા તથા તેના સાથી રાષ્ટ્રો દ્વારા ચીનને દબાવવામાં તથા ધમકાવવામાં આવશે અને તેના ટૂકડેટૂકડા કરી નાખવામાં આવશે."

રાષ્ટ્રવાદી જોશ જગાવવા માટે શી જિનપિંગ અને તેમના સાથીઓ ચીન વિશ્વનું કેન્દ્ર બનતું હોવાના, પૂર્વનો ઉદય અને પશ્ચિમનો અસ્ત થઈ રહ્યો છે અને ચીનની પ્રગતિ તથા અમેરિકાની અધોગતિના બણગાં ફૂંક્યાં કરે છે. શત્રુ વિદેશી શક્તિઓ ચીનને અંકુશમાં લેવાના પ્રયાસ કરતી હોવાની ચેતવણી પણ તેઓ આપે છે.

ફ્રાન્સ ખાતેના ચીનના રાજદૂત લુ શાયેએ તાજેતરમાં કહ્યું હતું કે "અમે અમારી માતૃભૂમિની મોખરે ઊભેલા યૌદ્ધાઓ છીએ. અમે તેના માટે લડીશું. ચીન પર આક્રમણ કરતા પાગલ કૂતરાઓના માર્ગમાં પણ અમે અંતરાય બનીશું."

આ પ્રકારની લવારાબાજીથી ચીની નાગરિકો ખુશ થતા હશે, પણ તે ચીનની વિદેશનીતિ માટે અડચણરૂપ છે અને ચીનના આંતરરાષ્ટ્રીય સ્તરે ઉદયના દૃષ્ટિકોણ માટે નકારાત્મક ધારણા સર્જે છે.

એટલું જ નહીં, દેશનું વાતાવરણ ઝડપભેર કટ્ટરતાવાદી બની રહ્યું છે એ બાબતે સરકારી મીડિયા જરાય ચિંતિત નથી.

ચાઈના ડેઈલીમાં તાજેતરમાં પ્રકાશિત એક લેખમાં જણાવવામાં આવ્યું હતું તેમ, સીસીપીએ 20મી સદીના પ્રારંભે તેના અસ્તિત્વની પહેલી સદી અસ્પષ્ટ અને અસંકલિત સામ્યવાદી ચળવળ સ્વરૂપે શરૂ કરી હતી, જ્યારે તેની આગામી સદીનો પ્રારંભ સંભવિત વૈશ્વિક મહાસત્તા તરીકે કરશે.



https://www.youtube.com/watch?v=yUwejY1AQ-I

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો