ચીનની શાસક કૉમ્યુનિસ્ટ પાર્ટીના શતાબ્દી સમારોહમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગે વિરોધીઓને કડક ચેતવણી આપી. એમણે કહ્યું, "ચીન હવે કોઈના દબાણમાં નહીં આવે. ચીન હવે કોઈ પણ વિદેશી શક્તિઓને પોતાની પર આંખ દેખાડવાની કે દબાણ બનાવવાની કે અધીન કરવાનો પ્રયાસ કરવાની પરવાનગી નહીં આપે."
https://www.youtube.com/watch?v=6JqQ1aSdcis
અંદાજે 70 હજાર દર્શકોની હાજરીમાં જિનપિંગે આ વાત કરી જે બાદ સમારોહ સ્થળ પર તાળીઓનો ગડગડાટ થયો.
રાષ્ટ્રપતિ શી જિનપિંગનું આ નિવેદન અમેરિકા અને ચીન વચ્ચેના સંબંધોમાં ચાલી રહેલા તણાવ સાતે જોડીને જોવામાં આવી રહ્યું છે.
જોકે, અમેરિકા જ નહીં પરંતુ દુનિયાના અનેક દેશોએ હૉંગકૉંગ મામલે ચીનના વર્તનની ટીકા કરી હતી. ચીને હૉંગકૉંગને પોતાનો આંતરિક મામલો ગણાવીને આરોપોનું ખંડન કર્યું હતું.
શી જિનપિંગે કહ્યું, કોઈએ પણ ચીનની મજબૂત ઇચ્છાશક્તિ, ઇરાદાઓ અને બેજોડ તાકાતને ઓછી ન આંકવી જોઈએ. જો કોઈ વિદેશી તાકાત એવું કરે છે તો એણે ચીનના 1.4 અબજ લોકોની ફોલાદી શક્તિનો સામનો કરવો પડશે.
જિનપિંગે દાવો કર્યો કે અમે કોઈને દબાવતા નથી ન તો કોઈને આંખ દેખાડીએ છીએ, ન તો કોઈ અન્ય દેશના નાગરિકને અમારે અધિન કરવાનો પ્રયાસ કરીએ છીએ અને આગળ પણ આમ જ કરીશું.
માઓ ત્સેતુંગ બાદ ચીનના સૌથી શક્તિશાળી નેતા તરીકે ઉદય પામનાર રાષ્ટ્રપતિ શી જિનપિંગે કહ્યું કે ચીન કાયમ શાંતિ, વૈશ્વિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને સુરક્ષિત રાખવાનું કામ કરતું રહ્યું છે.
આ સમારોહમાં ચીનના જેટ વિમાનોએ ફ્લાયપાસ્ટ કર્યું અને જિનપિંગને તોપોની સલામી આપવામાં આવી અને રાષ્ટ્રવાદી ગીત વગાડવામાં આવ્યાં.
શી જિનપિંગે કહ્યું કે સામ્યવાદ જ ચીનને બચાવી શકે છે અને સામ્યવાદી ચીની લોકો જ દેશનો વિકાસ કરી શકે છે.
બીબીસીના શંઘાઈસ્થિત સંવાદદાતા રૉબિન બ્રેન્ટે કહ્યું કે, શી જિનપિંગ માઓની જેમ તૈયાર થઈને આવ્યા હતા. એમણે એમની જેવા જ કપડાં પહેર્યા અને ભાષણમાં ચીનના લોકોનાં ખૂબ વખાણ કર્યાં.
શી જિનપિંગે કહ્યું કે જો ચાઇનીઝ કૉમ્યુનિસ્ટ પાર્ટી ન હોત તો દુનિયામાં આજે ચીનના લોકોનું જે સ્થાન છે તે તેમને ન મળ્યું હોત.
શી જિનપિંગે ચીનની સેનાને મજબૂત બનાવવાની વાત કરી અને કહ્યું કે ચીન પોતાની સેનાનો ઉપયોગ સાર્વભૌમત્વની રક્ષા માટે, સુરક્ષા માટે અને વિકાસ માટે કરશે તેમજ તેને વિશ્વસ્તરીય બનાવશે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો