શનિવારે રાત્રે જમ્મુના એરબેઝ પર બે ડ્રોન દ્વારા વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આ પછી રવિવારે રાત્રે જમ્મુના કાલુચક લશ્કરી બેઝ પર ફરી એકવાર ડ્રોન જોવા મળ્યા હતા. દેશમાં પહેલીવાર, આતંકવાદીઓ દ્વારા સંરક્ષણ પ્રતિષ્ટાનોને લક્ષ્યાંક બનાવવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ડ્રોન હુમલા બાદ સરકારે અનેક મહત્વપૂર્ણ પગલા લીધા છે. આ તાજેતરના હુમલા બાદ જમ્મુના ભારતીય વાયુ સેના સ્ટેશન પર એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે જમ્મુ એરફોર્સ સ્ટેશન પર નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી) દ્વારા એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર વિસ્તારમાં જામર પણ લગાવવામાં આવ્યા છે, જેથી ડ્રોન આવે તો પણ તેનો સંપર્ક ખોવાઈ જાય. નવા ડ્રોન ખતરા માટે સિસ્ટમ વધારી દેવામાં આવી છે. જમ્મુના સ્ટેશન પર એક રેડિયો ફ્રીક્વન્સી ડિટેક્ટર સ્થાપિત કરાયુ છે. આ સિવાય એન્ટી ડ્રોન ગન પણ તૈનાત કરી દેવામાં આવી છે.
27 જૂને જમ્મુ-કાશ્મીરના જમ્મુ બેઝ પર થયેલા ડ્રોન એટેક બાદથી સુરક્ષા દળો એલર્ટ પર છે. ઇઝરાઇલ અને યુરોપમાંથી મેળવેલા સંરક્ષણ ઉપકરણો ડ્રોનની તપાસ માટે લગાવવામાં આવ્યા છે.સૂત્રોનું કહેવું છે કે, એરફોર્સ સ્ટેશન પર પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવતા ડ્રોન લશ્કરી ગ્રેડના ડ્રોન હોવાની સંભાવના છે. બુધવારે સતત ચોથા દિવસે જમ્મુમાં ત્રણ જુદા જુદા સ્થળોએ ડ્રોન જોવામાં આવ્યા હતા.
બુધવારે વહેલી સવારે જમ્મુના મીરાં સાહિબ, કાલુચક અને કુંજવાણી વિસ્તારોમાં ડ્રોન ફરતા જોવા મળ્યા હતા, સૂત્રોએ જણાવ્યું હતું કે નોંધનીય છે કે જમ્મુના કુંજવાણી-રત્નુચકમાં સોમવારે રાત્રે પણ ડ્રોન જોવા મળ્યાનું જાણવા મળ્યું હતું. આ સળંગ ત્રીજી વખત અને 24 કલાકમાં બીજી વખત બન્યું કે અહીં ડ્રોન જોવામાં આવ્યું. સોમવારે, ડ્રોનને કાલુચક લશ્કરી સ્ટેશનની નજીક જોવામાં આવ્યું હતું. જે બાદ બપોરે 3 વાગ્યાની આસપાસ કુંજવાની-રત્નુચકમાં ડ્રોન જોયાના સમાચાર આવ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર ડ્રોન એક ઉંચાઇ પર ઉડતુ હતુ અને તેમાં વ્હાઇટ લાઇટ થઇ રહી હતી.