"સમયબદ્ધ, પારદશક, નિષ્ણાતોની આગેવાનીમાં, વિજ્ઞાનના આધારે" એક અભ્યાસ થાય - આવી માગણી G7 દેશોના વડાઓએ કરી છે. કોવીડ-19 બીમારી ફેલાવનારા વાઇરસના મૂળને શોધી રહેલા વિજ્ઞાનીઓ સામે આ રીતની માગણી મુકાઈ છે.
કોરોના વાઇરસ ક્યાંથી આવ્યો તેની તપાસ માટેની માગણી રાજકીય નેતાઓ અગાઉ પણ કરી ચૂક્યા છે.
અમેરિકાના પ્રમુખ જો બાઇડને હાલમાં જ તેમના ઇન્ટેલિજન્સ અધિકારીઓને તાકિદ કરી છે કે તમારા પ્રયાસોને તેજ કરો અને 90 દિવસમાં અહેવાલ રજૂ કરો. વાઇરસ ચીનની પ્રયોગશાળામાંથી આવ્યો હશે તે સહિતની શક્યતાઓ ચકાસવા માટે તેમણે આદેશ આપ્યો છે.
પ્રયોગશાળામાંથી વાઇરસ છટક્યો હોવાની વિવાદગ્રસ્ત શક્યતાને એક વાર કાવતરાખોરીની થિયરી તરીકે નકારી પણ કઢાઈ હતી, પરંતુ હાલના સમયમાં ફરીથી તેની ચર્ચા થવા લાગી છે અને તેના કારણે ચીન અને પશ્ચિમના દેશો વચ્ચેના સંબંધો પણ તંગ થવા લાગ્યા છે.
https://www.youtube.com/watch?v=LkngjDJl4g8&t=2s
ચીને આ પ્રકારની થિયરીને "બદમાન કરવાની ઝુંબેશો" અને "બીજા પર દોષારોષણ"ની પશ્ચિમના દેશોની દલીલ ગણાવી વારંવાર નકારી કાઢી છે.
દોઢેક વર્ષ પહેલાં સૌ પ્રથમ વુહાનમાં વાઇરસ દેખાયો હતો, તે ખરેખર આવ્યો ક્યાંથી તેનું રહસ્ય હજી વણઉકેલાયું રહ્યું છે.
આવી શોધ કરવા પાછળનું વિજ્ઞાન શું છે - અને શા માટે આવી તપાસ રાજકારણથી પર રાખીને કરી લેવી જરૂરી છે?
2019ના પાછલા ભાગમાં પ્રથમ વાર ચીનમાં SARS-CoV-2 વાઇરસ પકડાયો અને જૂન 2021 સુધીમાં તે વિશ્વભરમાં ફેલાઈ ગયો. હાલ વિશ્વમાં 18 કરોડ જેટલા કેસ થવા આવ્યા છે અને મોતનો આંક 40 લાખે પહોંચવા આવ્યો છે.
વાઇરસના પ્રારંભિક કેસ વુહાનની માંસાહાર વેચતી બજારમાંથી મળ્યા હતા અને ત્યાં જ કોવીડ-19ના ક્લસ્ટર મળી આવ્યાં હતાં.
છેલ્લા થોડા મહિના દરમિયાન વૈજ્ઞાનિકોઓ વચ્ચે મહદંશે એવી સર્વસંમતિ થઈ છે કે "zoonotic spillover" - એટલે કે વાઇરસનો ચેપ પ્રાણીને લાગ્યો હોય અને તેમાંથી મનુષ્યમાં પહોંચ્યો હોય તેવી શક્યતા છે.
સામી બાજુ એવી પણ થિયરી ચાલી રહી છે કે કદાચ વુહાનની આ બજારની નજીક આવેલી મોટી બાયૉરિસર્ચની લૅબમાંથી વાઇરસ છટક્યો હોય.
વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઑફ વાઇરોલૉજી (WIV) માર્કેટની નજીક જ આવેલી છે, જ્યાં વિજ્ઞાનીઓ દાયકાથી ચામાચિડીયામાં મળતા વાઇરસનો અભ્યાસ કરી રહ્યા છે.
રોગચાળો ફેલાવા લાગ્યો ત્યારે પ્રથમ આવો આક્ષેપ તે વખતના અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કર્યો હતો. કેટલાકે એ હદ સુધી કહ્યું કે વાઇરસ બાયૉલોજિકલ શસ્ત્ર તરીકે મનુષ્યનિર્મિત છે.
https://www.youtube.com/watch?v=QVinMmR_p3M&t=2s
આવી રીતે વાઇરસ તૈયાર થયો હોવાની શંકાને નાબુદ કરનારા પુરાવા તે પછી રજૂ થયા છે.
"SARS-CoV2 વાઇરસ મનુષ્યનિર્ણિત છે એવી થિયરીને બિલકુલ નક્કામી સાબિત કરી શકાય છે", એમ અમેરિકન જર્નલ ઑફ ટ્રોપિકલ મેજિસીન ઍન્ડ હાઇજીનના જુલાઈના અંકમાં વિજ્ઞાનીઓના એક જૂથે લખ્યું હતું.
વાઇરસમાં કોઈ "જિનેટિક ફિંગરપ્રિન્ટ અથવા જિનેટિક સિક્વન્સ જોવા મળ્યાં નથી, જેને ઉપલબ્ધ વાઇરસમાંથી 'forward engineered' કરવામાં આવ્યાં હોય", એમ આ વિજ્ઞાનીઓએ લખ્યું હતું.
અમેરિકાના ચેપી રોગના નિષ્ણાત ડૉ. એન્થની ફાઉચીએ પણ હાલમાં જ આવી વાતને નકારી કાઢી છે અને કહ્યું છે કે "ચીનીઓ કંઈક એવું બનાવે કે જે તેમને જ ખતમ કરી નાખે ... મને લાગે છે આવી વાત વધારે પડતી છે".
જોકે પ્રયોગશાળામાં કોઈક અકસ્માત થયો હોય અને તેના કારણે અજાણપણે વાઇરસ છટકી ગયો હોય તેવી વાત હાલમાં ફરી થવા લાગી છે.
કેટલાક વિજ્ઞાનીઓ આ બંને થિયરીઓની તપાસ કરવાના મતના છે. પ્રયોગશાળામાંથી વાઇરસ છટક્યો કે પછી જંગલી પ્રાણીમાંથી મનુષ્યમાં આવ્યો - બંને બાબતને ચકાસવી જોઈએ.
ઑસ્ટ્રિયા, જાપાન, સ્પેન, કૅનેડા, અમેરિકા અને ઑસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ માર્ચમાં લખ્યું હતું કે "પ્રયોગશાળામાંથી છટક્યાની વાતનો છેદ સાવ ઉડાડી દેવો જોઈએ નહીં."
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ નિષ્ણાતોના એક જૂથને આ વર્ષની શરૂઆતમાં ચીન મોકલ્યું હતું જેથી આ શંકાનું નિવારણ થઈ શકે.
જોકે તેમણે જ અહેવાલ રજૂ કર્યો તેમાં કોરોના વાઇરસ ક્યાંથી આવ્યો તેનું નિરાકરણ આવ્યું નથી. ઊલટાના વધારે સવાલો ઊભા થઈ ગયા છે.
18 મેના રોજ અગ્રણી વિજ્ઞાનીઓએ સાયન્સ મૅગેઝીનમાં એક લેખ લખીને આ કેસમાં વધારે તપાસની જરૂર છે તેમ જણાવ્યું હતું.
"કુદરતી રીતે અને પ્રયોગશાળામાંથી વાઇરસ આવ્યાની થિયરીઓ છે તે બંનેને, જ્યાં સુધી પૂરતો ડેટા ના મળે ત્યાં સુધી ગંભીરતાથી લેવી જોઈએ," એમ તેમણે લખ્યું હતું.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે "સ્વતંત્ર દેખરેખ હેઠળ પારદર્શક, ડેટા આધારિત, તટસ્થ તૈયાર થાય તે જરૂરી છે".
આ પત્ર લખનારામાં એક છે યૅલ સ્કૂલ ઑફ મેડિસીનના ઇમ્યુનોલૉજિસ્ટ પ્રોફેસર અકિકો ઇવાસાકી. ભવિષ્યમાં આવા રોગચાળાને અટકાવવા માટે વાઇરસનું મૂળ શોધવું જરૂરી છે એમ તેઓ માને છે.
https://www.youtube.com/watch?v=E2aHn2e9unI&t=2s
"ચામાચિડીયામાંથી વાઇરસ સીધો મનુષ્યમાં આવ્યો તેવો ખ્યાલ આવે તો ભવિષ્યમાં તેનો સંપર્ક ઓછામાં ઓછો થાય તે માટે પ્રયાસો કરવા પડે અને ચામાચિડીયાની નજીક આવનારા લોકોમાંથી ચેપ ફેલાય નહીં તેની કાળજી લેવી પડે", એમ તેમણે બીબીસીને જણાવ્યું હતું.
બીજી બાજુ, "જો વાઇરસ અકસ્માતે પ્રયોગશાળામાંથી છટક્યો હોય તો કઈ રીતે બન્યું તેને ઝીણી નજરે જોવું પડે અને ભવિષ્યમાં આવો અકસ્માત ટાળવા માટેના ઉપાયો અમલમાં લાવવા પડે."
ગ્લાસગો યુનિવર્સિટીના વાઇરોલૉજિસ્ટ પ્રોફેસર ડૅવિડ રૉબર્ટસન પણ આવું જ માને છે. "વુહાનનું ઇન્સ્ટિટ્યૂટ સંડોવાયેલું હોય તો પણ મૂળ વાઇરસ આવ્યો ક્યાંથી તે આપણે જાણવું પડે. તેમણે ક્યાંથી મેળવ્યો. પણ તેઓ જે વાઇરસ પર કામ કરી રહ્યા હતા તે SARS-Cov-2ની નજીકનો નથી," એમ તેમણે બીબીસીને જણાવ્યું.
"પ્રયોગશાળામાંથી છટક્યો કે કુદરતી રીતે આવ્યો તે બંને થિયરીને સરખી રીતે" જોવાની વાતને તેઓ નકારી કાઢે છે.
બંને શક્યતાઓ છે, પરંતુ કુદરતી રીતે વાઇરસ આવ્યો હોય તે શક્યતા વધારે બેસે છે એમ તેઓ કહે છે.
અત્યાર સુધી જે વૈજ્ઞાનિક કડીઓ મળી છે તેના આધારે મોટા ભાગના વૈજ્ઞાનિકો અને પ્રોફેસર રૉબર્ટસન જેવા નિષ્ણાતો કુદરતી રીતે વાઇરસ પ્રસર્યો તેમ માને છે.
આમ છતાં એક નાનું જૂથ એવું પણ માને છે કે પ્રયોગશાળામાંથી છટક્યાની વાત એટલા માટે નબળી દેખાય છે કે તેના પર પૂરતી તપાસ થઈ નથી.
કુદરતી કે પ્રયોગશાળામાં અકસ્માત? - શું છે દલીલો
પ્રાણીઓમાંથી મનુષ્યમાં ચેપ લાગ્યો એવું માનનારા કહે છે કે આવા ઘણા પુરાવા ઇતિહાસમાં છે:
મોટા ભાગે આકસ્મિક રીતે પશુઓમાંથી ચેપ લાગે અને રોગચાળો શરૂ થાય - ઇન્ફુએન્ઝા, એચઆઈવી, ઇબોલા અને મેર્સમાં એવું જ થયું હતું.
ચીનમાં ચામાચિડીયામાંથી મનુષ્યને લાગી શકે તેવા કોરોના વાઇરસ છે તેની ઘણા સમયથી જાણ પણ હતી, જેમાં વુહાન લૅબમાં થયેલા સંશોધનોનો પણ સમાવેશ થાય છે.
પ્રયોગશાળામાંથી વાઇરસ છટક્યો તેવું માનનારા લોકોને એ શંકા જાગી છે કે જે નગરમાં સૌથી મોટી ખતરનાક વાઇરસ ધરાવતી પ્રયોગશાળા હોય ત્યાં જ કેમ રોગચાળાની શરૂઆત થઈ.
https://www.youtube.com/watch?v=M66yJF3WKlY&t=1s
તે લોકો અમેરિકાના ગુપ્તચર અહેવાલને ટાંકે છે, જેમાં જણાવાયું હતું કે 2019ની પાનખરમાં WIVના ત્રણ વિજ્ઞાનીઓ બીમાર પડ્યા હતા.
કોરોના ચેપ ફેલાયો તે પહેલાંનો આ બનાવે છે, જેને ચીની સત્તાધીશોએ નકારી કાઢ્યો છે. કુદરતી સ્રોતોમાંથી એક વાઇરસ મળ્યો હતો, જેને RaTG13 તરીકે ઓળખવામાં આવે છે.
આ વાઇરસને જ અદ્દલ મળતો આવતો વાઇરસ Sars-CoV-2 નીકળ્યો. તેના માત્ર 96% જેનોમ જ તેની નજીકના વાઇરસ સાથે મળતા આવે છે.
18 મહિના પછી તેના જેવો બીજો કોઈ વાઇરસ કેમ હજી સુધી પ્રાણીઓમાં જોવા મળ્યો નથી એવો સવાલ તેઓ પૂછે છે.
કોરોનાના કારણે હજીય વિશ્વમાં લોકો મરી રહ્યા છે ત્યારે મોટા ભાગના વિજ્ઞાનીઓ વાઇરસનું મૂળ શોધવાની માગણી કરી રહ્યા છે, જેથી ભવિષ્યમાં આવો રોગચાળો આવે નહીં.
સાયન્ટિફિક અમેરિકનના સિનિયર એડિટર જોશ ફિશમેને હાલમાં એક લેખમાં લખ્યું હતું તે પ્રમાણે, "બીમારી ફેલાવી શકે તેવા ઘણા વાઇરસ રહેલા છે અને એટલે કેવી રીતે ચેપ ફેલાયો તેનો જવાબ મેળવવો જરૂરી છે, જેથી ભવિષ્યમાં આવા રોગચાળાને કેવી રીતે રોકવો તેના પર આપણું ધ્યાન કેન્દ્રીત કરી શકાય."
https://www.youtube.com/watch?v=mWV3L8bR5Tk
આવી તપાસની અસર માત્ર તબીબી અને જાહેર આરોગ્ય પૂરતી મર્યાદિત નહીં રહે. એક વખત જેને "ચીની વાઇરસ" કહીને બદનામી થઈ તેવા સ્ટિરિયોટાઇપથી અને રંગભેદી ધારણાઓથી બચી શકાશે.
"તથ્યો વિના ચીનના બેદરકાર વિજ્ઞાનીઓએ વાઇરસને છટકાવ્યો તેવા ટ્રમ્પ સરકાર વખતના આરોપોને કારણે અમેરિકામાં એશિયન વિરોધી રંગભેદી માહોલ ઊભો થયો હતો, જેના કારણે સેંકડો હિંસાના બનાવો બન્યા હતા," એમ ફિશમેને લખ્યું હતું.
આર્થિક ઉત્પાદન અને વૈજ્ઞાનિક સંશોધન માટે પણ તેની લાંબા ગાળાની અસરો હશે.
પ્રાણીઓમાંથી વાઇરસ આવ્યો તેની ખાતરી થાય તો જીવતા પશુઓને વેચતી માંસમચ્છીની માર્કેટને વધારે કડક રીતે નિયંત્રિત કરી શકાશે. સાથે જ જંગલોનો નાશ કરીને ખેતી અને વેપાર થઈ રહ્યો છે તેની નવી માર્ગદર્શિકા બનાવી શકાશે.
તેનાથી વિરુદ્ધ પ્રયોગશાળામાંથી વાઇરસ છટક્યો તેવું સાબિત થાય તો તેના કારણે કેટલાક ખતરનાક પ્રયોગો થઈ રહ્યા છે તેની સામે સાવધાની લેવાનો ખ્યાલ આવે.
પ્રયોગશાળામાં બાયૉસેફ્ટી માટેના વધારે નિયમો ઘડી શકાય, જેની માગણી લાંબા સમયથી નિષ્ણાતો કરી રહ્યા છે.
ચીન એક બીજા થિયરીને પણ આગળ કરી રહ્યું છે, જે અનુસાર કોરોના વાઇરસ થીજાવેલા માંસના શિપમેન્ટને કારણે આવ્યો હોય તેવું બની શકે છે. ચીનના એક અગ્રણી વાઇરોલૉજિસ્ટે કરેલા સંશોધનને આધારે આવી શંકા વ્યક્ત થઈ રહી છે.
જો આ થિયરી સાચી પડે તો તેની અસર પણ આંતરરાષ્ટ્રીય વેપાર પર, ખાદ્યપદાર્થોની નિકાસ પર અને અન્ય વેપારી પ્રવૃત્તિઓ પર થઈ શકે છે.
વિજ્ઞાન હંમેશાં પોતાને ખરું કરતું રહે છે: નવા પુરાવા મળે એટલે જૂની થિયરીઓને સુધારવામાં આવે કે બદલી નાખવામાં આવે.
તેના કારણે એવું બને કે કદાચ આપણને ક્યારેય નક્કર જવાબ નહીં મળે. જવાબ મળે તો પણ તેમાં વર્ષો લાગી જાય.
દાખલા તરીકે, સાર્સનો રોગચાળો ચામાચીડિયામાંથી આવ્યો હતો તેની ખાતરી રોગચાળો ફેલાયો તેનાં 15 વર્ષ પછી છેક 2017માં થઈ શકી હતી. સાર્સ રોગચાળામાં 800 લોકો માર્યા ગયા હતા.
એચઆઈવીનું મૂળ શોધવાના પ્રયોગોના પોતાના અભ્યાસના આધારે પ્રોફેસર રૉબર્ટસન પોતાની વાત કરી રહ્યા છે.
મનુષ્યની પ્રતિકારશક્તિને ખતમ કરી નાખતા આ વાઇરસને કારણે AIDS થાય છે.
https://www.youtube.com/watch?v=aCnHGDF1Plc
1980ના દાયકામાં એચઆઈવી તરફ જગતનું ધ્યાન ગયું હતું. આજ સુધીમાં વિશ્વના 7.6 કરોડ લોકોને એચઆઈવીનો ચેપ લાગી ચૂક્યો છે. તેના માટેના સતત સંશોધનો છતાં 2000ના દાયકાના મધ્ય સુધી આ વાઇરસ ચિમ્પાઇન્ઝીમાંથી આવ્યો છે તેનો ખ્યાલ આવ્યો નહોતો.
"શરૂઆતમાં ચિમ્પાન્ઝીમાંથી બહુ ઓછા નમૂના મળ્યા હતા, જેમાં HIV1 હોય, પરંતુ ક્યાંથી સેમ્પલ લેવા જોઈએ તેનો ખ્યાલ આવવામાં જ ઘણો સમય લાગી ગયો હતો," એમ તેઓ કહે છે.
આ વખતે પણ એટલી જ જહેમત સાથે સંશોધન કરવું પડશે એમ તેઓ માને છે, કેમ કે "ચીનના યુન્નાન પ્રાંતમાં પણ વધારાના કોરાના વાઇરસ મળી આવ્યા અને અગ્નિ એશિયામાં પણ નવા વાઇરસ મળ્યા છે."
સૌથી અગત્યની બાબત એ છે કે SARS-CoV-2 વાઇરસ વિશેના જે પણ પુરાવા છે, તેમાં "2020ની વસંત પછી કોઈ નવા પુરાવા મળ્યા નથી," એમ સાયન્સ પત્રકાર ઍડમ રૉજર્સે લખ્યું છે.
તેમણે વાઇર્ડમાં લેખમાં લખ્યું છે કે "તે પુરાવો પણ અપૂરતો હતો અને તે કદાચ અપૂરતો જ રહેશે."
"ઇતિહાસ અને વિજ્ઞાન જણાવે છે કે પ્રયોગશાળામાંથી લીક થવા કરતાં, પ્રાણીઓમાંથી ચેપ લાગવાની શક્યતા વધારે રહેલી છે. તેથી અત્યારે આપણી પાસે પાતળા પુરાવા છે. તેના આધારે લોકો કેવી રીતે ધારણાઓ બાંધી લે છે તેની જ ચર્ચા કરી રહ્યા છીએ."
તેને કારણે આ સંકટના પ્રારંભથી જ તેમાં રાજકારણ ભળ્યું તેને અટકાવી શકાય તેવું નથી, એમ રોજર્સનું કહેવું છે.
"વાઇરસના મૂળને શોધવા માટેના કોઈ પણ વાજબી પ્રયાસોને રાજકીય હાથામાં ફેરવી શકાય છે," એમ પ્રોફેસર ઇવાસાકી પણ કહે છે.
ઘણા લોકો તેમની સાથે સહમત થાય છે અને અમેરિકા તથા ચીનના સંબંધો તંગ થયેલા છે તેના કારણે વર્ષો સુધી આવું ચાલ્યા કરે તેનું જોખમ રહેલું છે.
"દોષારોપણનું શું પરિણામ આવી શકે તેનાથી હું વાકેફ છું, ખાસ કરીને એશિયન મહિલા વૈજ્ઞાનિક તરીકે. એશિયનો વિરુદ્ધ વધારે ધિક્કાર ફેલાય તેવું અમે ઇચ્છતાં નથી."
આ સિવાયનો પણ એક સવાલ જગતભરના વિજ્ઞાનીઓમાં પૂછાઈ રહ્યો છે: વાઇરસનું મૂળ શોધવાના પ્રયાસોને કારણે સંસોધનની પ્રક્રિયાને વધારે સલામત બનાવી શકાય ખરી?
પ્રયોગશાળામાંથી વાઇરસ છટક્યાની સાબિતી મળે અને તે પછી સલામતી માટેના નવાં ધોરણો સ્થાપિત કરવામાં આવે તો પણ, ભવિષ્યમાં ફરી એવું નહીં થાય તેની કોઈ ખાતરી આપી શકાય નથી એમ જાણકારો ચેતવણી આપતા કહે છે.
વાઇરસ અને બીજા જંતુઓ ઘણી વાર આ રીતે સંશોધન માટેની પ્રયોગશાળામાંથી છટક્યા હોય અને મનુષ્યને ચેપ લાગી ગયો હોય તેવું બનેલું છે.
1977માં રશિયન ફ્લૂનો ચેપ એવી રીતે આવ્યો હતો અને 2004માં સાર્સ પણ એવી રીતે જ ફેલાયો. ખતરનાક પ્રયોગો થતા હોય ત્યાં આ પ્રકારનું જોખમ રહેવાનું જ છે. વિજ્ઞાન અને તબીબી સંશોધનને આગળ વધારવા સંશોધનો જરૂરી પણ છે.
રોગચાળો હજીય આગળ વધી રહ્યો છે ત્યારે ઘણાનું કહેવું છે કે વાઇરસનું મૂળ શોધવાની વાત અગત્યની છે, પણ તે અગ્રતાક્રમે નથી.
"તબીબી તરીકે મારો અગ્રતાક્રમ લોકોના જીવ બચાવવાનો છે," એમ ડૉ. મેરી-માર્સેલ ડૅશચેમ્પ કહે છે. હૈતીમાં પોર્ટ-ઓ-પ્રિન્સ ખાતે તેઓ કામ કરે છે, જ્યાં હાલમાં ચેપનો ફેલાવો ત્રણ ગણો વધી ગયો છે.
વિજ્ઞાનીઓ પાસે બીજા અગત્યનાં કામો છે એમ અગ્ર હરોળમાં રહીને કામ કરનારા અન્ય એક ડૉક્ટર પણ કહે છે, જેઓ ગૅસ્કિરો નામના સ્વાસ્થ્ય એનજીઓ સાથે કામ કરે છે.
"આપણી પાસે મર્યાદિત સ્રોતો છે અને લોકોને ચેપ ના લાગે તેવું કરવાની જરૂર છે. એટલે વાસ્તવિક રીતે વાઇરસનું મૂળ જાણવાથી મને તાત્કાલિક સારવારમાં કશો ફાયદો થવાનો નથી," એમ ડૉ. ડૅશચેમ્પે બીબીસીને જણાવ્યું હતું.
તેઓ એ વાત સ્વીકારે છે કે લાંબા ગાળે આ વિશે નક્કર જાણકારીને કારણે ભવિષ્યમાં વૈશ્વિક સંકટ આવતું રોકવામાં સહાય મળશે.
"શું થયું હતું તે સમજવાની જરૂર છે ખરી - મૂળે ક્યાંથી આવ્યો એ વૈજ્ઞાનિક રીતે જાણવાનું ત્યારે જરૂરી હશે."
https://www.youtube.com/watch?v=I7CxWTY6DyU
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો