દેશમાં કોરોનાવાયરસના નવા ડેલ્ટા પ્લસ વેરિયન્ટને લઈ કેન્દ્ર સરકારે કહ્યું કે તેના કેટલાક મામલા મળ્યા છે પરંતુ બહુ ચિંતાની વાત નથી. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં જે બે કોરોનાની વેક્સીન એટલે કે કોવેક્સીન અને કોવિશિલ્ડ આપવામાં આવી રહી છે તે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ સામે પણ અસરકારક છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે પ્રેસ કોન્ફ્રેન્સમાં આ જાણકારી આપી.
રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (NCDC)ના ડાયરેક્ટર ડૉ એસકે સિંહે પ્રેસ કોન્ફ્રેન્સમાં કહ્યું કે ડેલ્ટા પ્લસ વેરિયન્ટના મામલા આપણા દેશમાં હજી બહુ ઓછા મળ્યા છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટના મામલાની સંખ્યા આખા દેશમાં અત્યારે માત્ર 48 જ છે. જ્યારે દુનિયાભરમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ 12 દેશોમાંથી મળી ચૂક્યો છે.
આઈસીએમઆર ડાયરેક્ટર જનરલ બલરામ ભાર્ગવે જણાવ્યું કે કોવિશીલ્ડ અને કોવેક્સીન કોરોનાના આલ્ફા, બીટા, ગામા વેરિયન્ટ સામે જેવી રીતે કામ કરે છે તેવી રીતે જ ડેલ્ટાના વેરિયન્ટ સામે પણ કામ કરે છે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી જેવી રીતે આલ્ફા, બીટા, ગામા અને ડેલ્ટાનું ટેસ્ટિંગ થઈ રહ્યું છે, તેવી જ રીતે ડેલ્ટા પ્લસનું ટેસ્ટિંગ થાય છે. તેમણે કહ્યું કે ડેલ્ટા પ્લસ પર વેક્સીનના પ્રભાવને લઈ વધુ પરિણામ 7થી 10 દિવસમાં મળી જશે.
ડૉ બલરામ ભાર્ગવે જણાવ્યું કે બાળકોને વેક્સીનના સવાલ પર કહ્યું કે અત્યારે એક જ દેશમાં બાળકોને વેક્સીન આપવામાં આવી રહી છે. શું બહુ નાના બાળકોને રસીની આવશ્યકતા હશે, અત્યારે આ પણ એક પ્રશ્ન છે. જ્યાં સુધી આપણી પાસે બાળકોના રસીકરણ પર વધુ ડેટા નહી હોય ત્યાં સુધી મોટા પાયે બાળકોને રસીકરણ કરવાની સ્થિતિમાં નહી હોઈએ. ગર્ભવતી મહિલાઓને લઈ તેમણે કહ્યું કે ગર્ભવતી મહિલાઓને વેક્સીન આપી શકાય ચે. રસીકરણ ગર્ભવતી મહિલાઓમાં ઉપયોગી છે અને તેમને આપી શકાય છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે પાછલા એક અઠવાડિયામાં કોરોના મામલામાં 24 ટકાનો ઘટાડો આવ્યો છે. દેશમાં 125 જિલ્લા એવા છે જ્યાં માત્ર 100થી વધુ નવા મામલા આવી રહ્યા છે. રિકવરી રેટ વધીને 96.7 ટકા થઈ ગયો છે. દેશમાં આપણે ત્યાં દરરોજ 17.58 લાખ કોવિડ ટેસ્ટ થઈ રહ્યા છે. લવ અગ્રવાલે જણાવ્યું કે દેશમાં અત્યાર સુધી 31,13,18,355 વેક્સીનના ડોઝ આપી દેવાયા છે.