હરિદ્વાર અને ઋષિકેશમાં ગંગા નદી છલકાઈ, અપાયુ રેડ એલર્ટ
હાલમાં ચોમાસુ બિહાર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા અને ઝારખંડમાં સંપૂર્ણપણે સક્રિય છે. વળી, ઉત્તરાખંડમાં તો વરસાદે આફત લાવી દીધી છે. સતત વરસી રહેલા વરસાદના કારણે હાલમાં હરિદ્વાર અને ઋષિકેશમાં ગંગા નદી છલકાઈ છે. હવામાન વિભાગે આજે પણ અહીં રેડ એલર્ટ જાહેર કર્યુ છે.
ગુજરાત સહિત આ રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે અને કાલે ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર અને ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદના અણસાર દેખાઈ રહ્યા છે. વળી, જીંદ, ગોહાના, હિસાર, હાંસી, મહમ, રોહતક, સિવાની, તોશામ, ભિવાની, મહેન્દ્રગઢ અને ઉત્તરપ્રદેશના સહારનપુર, ગંગોહની આસપાસના વિસ્તારોમાં આજે હળવાથી મધ્યમ વરસાદ થવાના અણસાર છે. જ્યારે સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ આવતા 24 કલાકમાં રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના અમુક ભાગોમાં હળવો વરસાદ અને કેરળમાં ભારે વરસાદની સંભાવના છે. જ્યારે યુપી, એમપી અને બિહારમાં ભારે વરસાદના અણસાર છે.
અત્યાર સુધી થયો છે 37 ટકા વધુ વરસાદ
તમને જણાવી દઈએ કે દેશમાં અત્યાર સુધીમાં 37 ટકા વધુ વરસાદ થઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે પહેલેથી જ ભવિષ્યવાણી કરી હતી કે આ વખતે ચોમાસુ સારુ રહેવાનુ છે અને ખેતી માટે સારા સમાચાર છે. હવામાન વિભાગે જણાવ્યુ છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવતા 5 દિવસ દરમિયાન પશ્ચિમી હિમાલયી ક્ષેત્ર અને ઉત્તર-પશ્ચિમ ભારતની આસપાસ હળવાથી મધ્યમ વરસાદની પણ સંભાવના જોવા મળી રહી છે.