એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા, મેહુલ ચોક્સી અને નીરવ મોદીની 9,371 કરોડની જપ્ત કરેલી સંપત્તિને હજારો કરોડની લોન સાથે જાહેર ક્ષેત્રની બેંકોમાં ટ્રાન્સફર કરી દીધી છે. ઇડીએ આ ત્રણેય પાસેથી લગભગ 18,000 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. જેમાંથી 9,371 કરોડ જાહેર ક્ષેત્રની બેંકોને આપવામાં આવી છે જેમને આ ત્રણના કારણે આર્થિક નુકસાન થયું છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા સોશિયલ મીડિયા પર જણાવવામાં આવ્યું છે કે પીએમએલ હેઠળ, વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી સંબંધિત કેસમાં 18,170.02 કરોડ રૂપિયા (બેન્કોને થયેલા કુલ નુકસાનના આશરે 80 ટકા) ની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. તેમાંથી ઇડીએ 9371.17 કરોડ રૂપિયાની જોડી અને જપ્ત કરેલી સંપત્તિ પીએસબી અને કેન્દ્ર સરકારને ટ્રાન્સફર કરી છે.
વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ જાહેર ક્ષેત્રની બેંકોમાંથી લોન પરત ન કરી અને વિદેશ ભાગી ગયા હતા. આ છેતરપિંડીમાં બેંકોને લગભગ 22,585 કરોડનું નુકસાન થયું છે. ઇડી આ કેસમાં તપાસ કરી રહી છે અને ત્રણેય ઉદ્યોગપતિઓની ઘણી સંપત્તિ જપ્ત કરી છે. આ સાથે જ સીબીઆઈ પણ આ કેસની તપાસ કરી રહી છે.
વિજય માલ્યા પર 9,000 કરોડથી વધુની છેતરપિંડીનો આરોપ છે. માલ્યા હાલમાં લંડનમાં રહે છે. માલ્યા માર્ચ 2016 માં ભારત છોડીને ફરાર થયો હતો. મેહુલ ચોક્સી અને નીરવ મોદી પંજાબ નેશનલ બેંકના 13,500 કરોડ રૂપિયાના ફ્રોડ કેસનો સામનો કરી રહ્યા છે. બંને વર્ષ 2018 માં ભારત છોડીને ભાગી ગયા હતા. ચોક્સી હાલમાં ડોમિનિકા જેલમાં અને મોદી યુકેની જેલમાં બંધ છે. આ ત્રણેયને ભારત લાવવાના પણ પ્રયાસો થઈ રહ્યા છે. જોકે, આજદિન સુધી ભારત સરકાર તેમાં સફળ થઈ નથી.