વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 24 જૂનના રોજ જમ્મુ-કાશ્મીરના નેતાઓની સર્વદળીય બેઠક બોલાવી છે. ઉમર અબ્દુલ્લા, ફારુક અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી સહિત 14 નેતાઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બેઠકમાં સામેલ થવા માટે આમંત્રણ મળ્યું છે. પીએમ મોદીની આ બેઠકમાં સામેલ થવું કે નહી તેનો ફેસલો કરવા માટે ગુપકર ગઠબંધનના નેતાઓ આજે મંગળવારે (22 જૂન) નેશનલ કોન્ફ્રેન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાના આવાસે બેઠક બોલાવી છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સર્વદળીય બેઠકમાં જવું કે નહી, તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. સવારે 11 વાગ્યે આ બેઠક બોલાવાઈ છે.
જમ્મુ અને કાશ્મીરના ફરીથી વિશેષ દરજ્જો આપવાની માંગને લઈ 6 પાર્ટીઓેએ મળી ગુપકર ઘોષણાપત્ર ગઠબંધન (પીએજીડી)ની રચના કરી છે. જેમાં નેશનલ કોન્ફ્રેન્સ અને પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટી બે પ્રમુખ પાર્ટીઓ છે.
ફારુક અને તેના દીકરા ઉમર અબ્દુલ્લા, પીડીપીની મહેબૂબા મુફ્તી અને મોહમ્મદ યૂસુફ તારિગામી સહિત ગઠબંધનના ચાર નેતાઓને પીએમની સર્વદળીય બેઠક માટે બોલાવ્યા છે.
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લા પોતાના આવાસ પર પીપુલ્સ અલાયન્સ ફૉર ગુપકર ડિક્લેરેશનની બેઠકની અધ્યક્ષતા કરશે. અગાઉ પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીના નેતાઓ સાથે મહેબૂબા મુફ્તીની બેઠક હતી. પીએજીડીના પ્રવક્તા મોહમ્મદ યુસૂફ તારિગામીએ કહ્યું કે, "પીએજીડીના તમામ નેતાઓને બેઠકમાં સામેલ થવા માટે નિમંત્રણ આપવામાં આવ્યું છે અને આ બેઠકમાં તમામ સામેલ થાય તેવી સંભાવના છે, જેમાં ગટબંધનના નેતા રણનીતિ વિશે ફેસલો કરશે."
તેમણે કહ્યું કે ગઠબંધનના તમામ નેતાઓના સલાહ સૂચનો લીધા બાદ સંયુક્ત રણનીતિ અપનાવીશું અને 24 જૂને પીએમ મોદીએ બોલાવેલી સર્વદળીય બેઠકમાં ભાગ લેવો કે નહી તે અંગે નિર્ણય લેવામાં આવશે. પીએજીડીની બેઠક બાદ આ અંગે નિવેદન જાહેર થાય તેવી સંભાવના છે.