નવી દિલ્લીઃ દિલ્લીની કડકડડૂમા કોર્ટે દિલ્લી હુલ્લડ કેસમાં આરોપી દેવાંગના કલિતા નતાશા નરવાલ અને આસિફ તન્હાને ત્વરિત મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે દિલ્લી પોલિસની એ અરજીને ફગાવી દીધી છે જેમાં પોલિસ તરફથી ત્રણે આરોપીઓના સરનામા અને આધાર કાર્ડની ખરાઈ માટે વધુ સમય માંગ્યો હતો. આ સાથે જ કોર્ટે રિલીઝ વોરંટ તિહાર જેલ વહેલી તકે મોકલવા માટે કહ્યુ છે. તમને જણાવી દઈએ કે દિલ્લી હાઈકોર્ટે મંગળવારે આ ત્રણેને UAPA કેસમાં જામીન આપી દીધા હતા.
તમને જણાવી દઈએ કે દેવાંગના કલિતા અને નતાશા નરવાલ દિલ્લી સ્થિત મહિલા અધિકાર ગ્રુપ 'પિંજરા તોડ'ની સભ્ય છે. વળી, આસિફ ઈકબાલ તન્હા જામિયા મિલિયાલ ઈસ્લામિયાના છાત્રો છે. આ તરફ દિલ્લી હાઈકોર્ટ દ્વારા UAPA હેઠળ આરોપી નતાશા નરવાલ સહિત ત્રણ આરોપીઓને જામીન આપવાના હાઈકોર્ટના ચુકાદાને દિલ્લી પોલિસે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. બુધવારે ત્રણે છાત્રોના વકીલે આરોપ લગાવ્યો હતો કે દિલ્લી પોલિસ તેમની મુક્તિમાં જાણીજોઈને વિલંબ કરી રહી છે જેથી આરોપીઓ જામીન પર મુક્ત થતા પહેલા સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકે.
ચુકાદો સંભળાવતા દિલ્લી હાઈકોર્ટે કરી હતી કડક ટિપ્પણી
પોતાના ચુકાદામાં હાઈકોર્ટે આ છાત્રો પર યુએપીએના આરોપ લગાવવા પર આકરી ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટે કહ્યુ, 'અમે એ કહેવા માટે મજબૂર છે કે અસંમતિના અવાજને દબાવવાની ઉતાવળમાં સરકારે બંધારણ તરફથી આપવામાં આવેલા વિરોધ-પ્રદર્શનના અધિકાર અને આતંકવાદી ગતિવિધિઓના અંતરને ખતમ જેવુ જ કરી દીધુ છે.' ત્રણે છાત્રોને જામીન પર છોડવાના ચુકાદાને સંભળાવીને બેંચે કહ્યુ કે જો આ માનસિકતા આવી જ રીતે વધતી રહી તો આ લોકતંત્ર માટે ખૂબ દુઃખદ હશે.