બોલીવુડ અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આત્મહત્યા કરી હતી કે તેની હત્યા થઈ હતી? આજ સુધી આ રહસ્ય ઉકેલાયું નથી.
પાંચ પાંચ તપાસ એજન્સીઓ કોયડો ઉકેલવા એક વર્ષથી મથી રહી છે, પણ હજી સુધી એકેયને સફળતા મળી નથી.
34 વર્ષના અભિનેતાનું 14 જૂન 2020ના રોજ તેના નિવાસસ્થાને અપમૃત્યુ થયું હતું. શરૂઆતમાં એવું જણાવાયું હતું કે આ આત્મહત્યાનો કેસ છે. પરંતુ દિવસો વીતતા ગયા તેમ મામલો સંકુલ બનતો ગયો અને વિવાદ વધતો ગયો.
મુંબઈ પોલીસ, બિહાર પોલીસ, સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ), નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (એનસીબી) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) આ પાંચ તપાસસંસ્થાઓ આ કેસ પર કામ કરી રહી છે..
પ્રાથમિક તપાસમાં મુંબઈ પોલીસને લાગ્યું કે સુશાંતે આત્મહત્યા કરી છે. સીબીઆઈએ હજી પોતાની તપાસનું તારણ જાહેર કર્યું નથી. એનસીબી બોલીવુડમાં ડ્રગ સિન્ડિકેટ કેવી રીતે કામ કરે છે તેની તપાસ કરી રહ્યું છે, જ્યારે ઈડીને હજી સુધી નાણાકીય ગેરરીતિના કોઈ પુરાવા મળ્યા નથી.
આ તપાસ એજન્સીઓએ કઈ દિશામાં તપાસ કરી હતી? તપાસ ક્યાં સુધી પહોંચી છે? જાણવા કોશિશ કરીએ.
સીબીઆઈ હાલમાં એ તપાસ કરી રહી છે કે સુશાંતસિંહ રાજપૂતે આપઘાત કર્યો હતો કે તેમની હત્યા થઈ હતી.
સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ કરવા માટે સીબીઆઈને આદેશ કર્યો તેને દસ મહિના થઈ ગયા છે. દસ મહિનામાં તપાસમાં શું તારણ નીકળ્યું તપાસ? સીબીઆઈએ આ સવાલનો કોઈ જવાબ હજી આપ્યો નથી.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખે વારંવાર માગણી કરી છે કે સીબીઆઈની તપાસની વિગતો જાહેર કરવી જોઈએ.
સીબીઆઈએ તપાસના ભાગરૂપે બોલીવુડ અભિનેત્રી અને સુશાંતનાં ગર્લફ્રેન્ડ હોવાનું મનાતાં રિયા ચક્રવર્તીનું નિવેદન નોંધ્યું. સુશાંતના મિત્ર સિદ્ધાર્થ, રસોઈયા નીરજ અને દીપેશ સાંવતની પણ પૂછપરછ કરી છે.
નિષ્ણાતોની એક સમિતિ પણ બેસાડાઈ હતી, જેથી સુશાંતની હત્યાની શંકા કેટલી સાચી તે જાણી શકાય. સમિતિના વડા તરીકે AIIMSના ફૉરેન્સિક વિભાગના વડા ડૉ. સુધીર ગુપ્તાને મૂકવામાં આવ્યા હતા.
સુશાંતના ઘરે સમગ્ર બનાવ કઈ રીતે બન્યો હશે તેને રિક્રિએટ કરવામાં આવ્યો હતો. ડૉ. ગુપ્તાએ સપ્ટેમ્બર 2020માં પોતાના અહેવાલ સીબીઆઈને સોંપી દીધો હતો.
આ વિશે પત્રકારો સાથે વાતચીત કરતાં ડૉ. ગુપ્તાએ કહ્યું હતું, "સુશાંતે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આ એક આપઘાતનો કેસ છે. તેના શરીર પર કોઈ નિશાનીઓ મળી નહોતી."
દરમિયાન ભાજપના સાંસદ સુબ્રમણ્યન સ્વામીએ આ કેસનું શું થયું તે જાણવા માટે વડા પ્રધાનના કાર્યાલયનો સંપર્ક સાધ્યો હતો.
સીબીઆઈએ તેમને જણાવ્યું હતું કે તપાસ હજી ચાલુ છે અને બધાં જ પાસાંને ચકાસાઈ રહ્યાં છે.
https://www.youtube.com/watch?v=3QUOwmce60k&t=1s
"કેસની તપાસ કરવા માટે અત્યાધુનિક ટેક્નૉલૉજીનો ઉપયોગ કરાઈ રહ્યો છે. ઇલેક્ટ્રોનિક સાધનો હસ્તગત કર્યાં છે તેમાંથી અમે ડૅટા મેળવી રહ્યા છીએ. સિનિયર પોલીસ અધિકારીઓએ વિવિધ સ્થળે તપાસ કરી છે," એમ સીબીઆઈએ જણાવ્યું હતું.
સુશાંત કેસમાં સત્તાવાર રીતે આટલી જ માહિતી, પહેલી વાર અને છેલ્લી વાર અત્યાર સુધીમાં સીબીઆઈએ આપી છે.
સીબીઆઈની તપાસમાં તારણ શું નીકળી રહ્યું છે તેનો કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
મહારાષ્ટ્ર પોલીસના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ સુબોધ કુમાર જયસ્વાલ હાલમાં સીબીઆઈના ડિરેક્ટર બન્યા છે. એટલે હવે સુશાંતના કેસમાં આગળ કેવી રીતે તપાસ થશે તેનો નિર્ણય તેમના હાથમાં રહેવાનો છે.
સુશાંતના પરિવારે આક્ષેપ લગાવ્યો હતો કે રિયા ચક્રવર્તીએ સુશાંતના બૅન્ક એકાઉન્ટમાંથી 15 કરોડ રૂપિયાની ઉપાચત કરી હતી.
ઈડીએ પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ (PMLA) તપાસ શરૂ કરી હતી. ઈડીએ 7 ઑગસ્ટ 2020ના રોજ રિયાની પૂછપરછ કરી હતી. રિયાના મૅનૅજર અને સુશાંતના જૂના હાઉસ મૅનૅજરને પણ તપાસ માટે બોલાવાયા હતા.
મહિનાઓ સુધી આ રીતે તપાસ ચાલી તે પછી ઈડીનાં વર્તુળોએ જણાવ્યું હતું કે 'રિયાએ મની લૉન્ડરિંગનું કામ કર્યું હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી. એવા કોઈ પુરાવા નથી મળ્યા કે તેમણે સુશાંતના રૂપિયા ગુપચાવ્યા હોય."
ઈડી અધિકારીઓ સુશાંતના બૅન્ક એકાઉન્ટમાંથી રિયાના ખાતામાં કે તેના સગાંના ખાતામાં નાણાં ટ્રાન્સફર થયાં હોય તેવા પુરાવા શોધી શક્યા નહોતા.
રિયાના ફોનની તપાસ કરી ત્યારે ઈડીને તેમાંથી કેટલી ચૅટ મળી જેમાં ડ્રગ વિશે ઉલ્લેખો હતા. તેના કારણે હવે તપાસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો પણ જોડાયો.
એનસીબીએ 8 સપ્ટેમ્બરે રિયા ચક્રવર્તિની ધરપકડ કરી હતી. "રિયાએ ડ્રગ્સ ખરીદ્યા હતા. તેણે સુશાંતની નશીલા પદાર્થોની ટેવને છુપાવવાની કોશિશ કરી હતી. વૉટ્સઅપ ચૅટ પર એવું સ્પષ્ટ થાય છે કે તે ડ્રગ રૅકેટ સાથે સંકળાયેલી છે," આવી એનસીબીએ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું તેમાં જણાવ્યું હતું.
ઑક્ટોબરમાં હાઇકોર્ટમાંથી રિયાને જામીન મળ્યા હતા. અત્યાર સુધીમાં એનસીબીએ સુશાંતના કેસ સાથે જોડાયેલા નશીલા પદાર્થોની હેરફેરના કેસમાં 30થી વધુની ધરપકડો કરી છે.
ધરપકડ કરાઈ તેમાં રિયાના ભાઈ શૌવિકનો પણ સમાવેશ થતો હતો, પણ બાદમાં તેમને છોડી મુકાયા હતા.
દરમિયાન, એનસીબીએ આ વર્ષે 26 મેના રોજ સુશાંતની સાથે રહેતા મિત્ર સિદ્ધાર્થ પિઠાણીની પણ ધરપકડ કરી છે. "સિદ્ધાર્થ પિઠાણી ભાગતો ફરતો હતો. તેને હૈદરાબાદમાંથી પકડવામાં આવ્યા. તપાસ ચાલી રહી છે," એમ એનસીબીના ઝોનલ હેડ સમીર વાનખેડેએ જણાવ્યું હતું.
પિઠાણીની ધરપકડ એ રીતે પણ અગત્યની હતી કે સુશાંતનું મૃત્યુ થયું ત્યારે પણ તેઓ ફ્લૅટમાં હાજર હતા.
એનસીબીએ અભિનેત્રીઓ દીપિકા પદુકોણ, રકુલ પ્રીત સિંહ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને અભિનેતા અર્જુન કપૂરની પણ પૂછપરછ કરી છે, પણ તેમની સામે કોઈ આરોપો મુકાયા નથી અને આ વિશે વધુ કોઈ જાણકારી નથી.
સુશાંતના મૃત્યુનો કેસ હાઈ પ્રોફાઇલ બની ગયો હતો. આપઘાત પહેલાં તેમણે કોઈ નોંધ કરીને મૂકી નહોતી.
ડેપ્યુટી પોલીસ કમિશનર અભિષેક ત્રીમુખે અગાઉ કહ્યું હતું, "પોસ્ટમૉર્ટમના અહેવાલ પ્રમાણે સુશાંતે ગળે ફાંસો ખાધો એટલે શ્વાસ રુંધાવાનથી મોત થયું હતું."
27 જુલાઈ 2020ના રોજ ફોરેન્સિક લૅબોરેટરીએ પણ મુંબઈ પોલીસને અહેવાલ સોંપ્યો હતો, જેમાં જણાવાયું હતું કે આમાં હત્યા થયેલી લાગતી નથી. કોઈ ડ્રગ અથવા ઝેરી પદાર્થો સુશાંતના વિસેરામાંથી મલ્યા નહોતા.
સુશાંતના ગળે કપડું વિંટાળેલું જોવા મળ્યું હતું. પોલીસે તે કપડું સુશાંતના ઘરેથી કબજે કર્યું હતું. ફોરેન્સિક રિપોર્ટમાં જણાવાયું હતું કે 'આ કપડું 200 કિલો સુધીનો વજન ઉંચકી શકે છે.'
સુશાંતના પરિવારે મુંબઈ પોલીસની તપાસ સામે શંકાઓ વ્યક્ત કરી હતી અને બિહાર પોલીસમાં નવેસરથી ફરિયાદ કરી હતી.
તેના કારણે સુશાંત સિંહ રાજપૂતના કેસને રાજકીય વળાંક મળ્યો હતો - બિહાર ચૂંટણીના ત્રણ મહિના પહેલાં જ આ મામલો ચગ્યો હતો. સ્થાનિક કક્ષાથી લઈને રાજધાની સુધી આ મુદ્દાને ચગાવાતો રહ્યો હતો.
બિહાર પોલીસે તપાસ કરવા માટે મુંબઈ પહોંચી હતી. આ કેસમાં બિહાર પોલીસની તપાસ કરવાનો કેટલો અધિકાર તે મુદ્દે પણ વિવાદ થયો હતો અને કેટલાક નાટકીય દૃશ્યો સર્જાયાં હતાં. તેના કારણે બિહાર અને મહારાષ્ટ્રના રાજકારણીઓ આમનેસામને આવી ગયા હતા.
આ રીતે પાંચ પાંચ એજન્સીઓ તપાસ કરી રહી હોવા છતાં સુશાંત આત્મહત્યા કેસનું રહસ્ય હજી સુધી કેમ નથી ઉકેલાયું? કેસ હવે સીબીઆઈ પાસે છે, ત્યારે સુશાંતના ચાહકો અને અન્યો તેમના નિવેદનની રાહ જોઈ રહ્યા છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો