એ યુવતીની કહાણી, જે પ્રેમ માટે એક જ ઓરડામાં 10 વર્ષ સુધી ‘કેદ’ રહી

By BBC News ગુજરાતી
|

દસ વર્ષ સુધી એક યુવતી એક નળિયાંના મકાનના એક નાના રૂમમાં બંધ રહ્યાં. આ ઘટના કેરળના પાલક્કડ જિલ્લાના એક ગામની છે. તેમને કોઈ સજા નથી અપાઈ ના તેમને સતાવવામાં આવી રહ્યાં હતાં.

સાંભળવામાં થોડું વિચિત્ર લાગશે પણ કોઈ વ્યક્તિ એક રૂમમાં દસ વર્ષ સુધી બંધ રહે છતાં તે ખુશ છે.

તમે કંઈક બીજું વિચારો તે પહેલાં કહી દઉં કે તે યુવતી પાગલ નહોતાં. તેઓ એક વ્યક્તિના પ્રેમમાં હતાં.

પાલક્કાડ જિલ્લાના નાનકડા ગામ નેનમારાની પોલીસ રહમાન અને સજીતાની કહાણી સાંભળ્યા પછી આ નિષ્કર્ષ પર પહોંચી.

રહેમાન હવે 32 વર્ષના છે અને તેમનાં સાથી સજીતાની ઉંમર 28 વર્ષ છે.

બીબીસી સાથેની વાતચીતમાં નેનમારાના સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર દીપક કુમારે દાવો કર્યો, "અમે તે બંનેની અલગ અલગ પૂછપરછ કરી અને તેમણે જે કંઈ પણ જણાવ્યું તેમાં કોઈ તફાવત નહોતો. તેઓ એકબીજાને ઘણો પ્રેમ કરે છે. આથી એવું કંઈ નથી જેના વિશે શંકા કરી શકાય."


કહાણી દુનિયા સામે કેવી રીતે આવી?

આ અઠવાડિયે તેમની પ્રેમકહાણી પરથી પરદો એ સમયે ઉઠ્યો જ્યારે રહેમાનના ભાઈએ પાડોશના ગામમાં વિથુનાસ્સેરીમાં તેમને એક ગાડીમાં જોઈ લીધા. જેથી ભાઈએ તરત ટ્રાફિક પોલીસને જાણકારી આપી અને તેમનાં માતાપિતા રહમાનના લાપતા થયાનો રિપોર્ટ દાખલ કરાવી દીધો.

ત્રણ મહિના પહેલાં રહમાન તેમનાં માતાપિતાના ઘરેથી ગાયબ થયા હતા. જે વિથુનાસ્સેરી ગામમાં રહમાનને તેમના ભાઈએ જોયા, તેઓ તેમના ગામથી માત્ર 8 કિલોમીટર દૂર હતું.

પોલીસે રહમાનને રોક્યા અને પોલીસ સ્ટેશન લઈ ગઈ. અહીં રહેમાન તેમને પોતાની કહાણી સંભળાવી. રહેમાન અને સજીતા પાડોશી હતાં અને એક બીજાને પ્રેમ કરવા લાગ્યાં હતાં.

સજીતા 2 ફેબ્રુઆરી 2010ના રોજ અયિલુરના કરાતપરાંબુસ્થિત રહેમાનનાં માતાપિતાના ઘરે રહવા આવી ગયાં.

સજીતાના પરિવારવાળાએ તેમની લાપતા થયાની ફરિયાદ લખાવી પણ તેમના કોઈ ખબરઅંતર ન મળ્યા.

પોલીસે એ સમયે કેટલાક લોકોની પૂછપરછ કરી જેમાં રહેમાન પણ સામેલ હતા.

રહેમાન મિકૅનિક છે અને પેઇંન્ટિંગનું કામ પણ કરે છે. તેઓ કામ કરવા બહાર પણ જાય છે. તેમનાં માતાપિતા રોજમદાર છે અને દરરોજ કામ પર જાય છે.


સજીતા જીવતાં કેવી રીતે રહ્યાં?

https://youtu.be/cM_j8vtCLDo

પોલીસ અધિકારીનો દાવો છે કે,"રહેમાન દરરોજ રસોડામાંથી ખાવાનું લઈને સજીતાના રૂમમાં જતા રહેતા અને ખુદને બંધ કરી લેતા. આવી જ રીતે તેઓ સજીતાને ખાવાનું આપતા હતા."

પોલીસના રિપોર્ટ અનુસાર જ્યારે કોઈ રહેમાનના રૂમમાં આવે તો તેઓ ભડકી જતા હતા. રૂમ હંમેશાં બંધ રહેતો હતો. રહેમાન અંદર હોય ત્યારે પણ રૂમ બંધ રહેતો હતો.

દીપક કુમાર કહે છે, "સજીતા બાથરૂમ અને નિત્યક્રમ માટે ત્યારે જ જતી જ્યારે રહેમાનનાં માતાપિતા સૂઈ ગયાં હોય. તેમનું ઘર મોટું નહોતું. ત્રણ બેડરૂમનું નળિયાવાળું મકાન છે. તેઓ કેટલોક સમય બહાર પણ બેસતાં."

જોકે દીપક કુમાર એ પણ કહેતા કે,"રહેમાનનાં માતાપિતા એક જ ઘરમાં રહેતાં છતાં સજીતા ત્યાં રહેતાં તે ખબર ન પડી અને તે એક રહસ્ય રહ્યું."

માર્ચની શરૂઆતમાં ઘરવાળાને લાગ્યું કે રહેમાન ક્યાંક ગાયબ થઈ ગયા છે. દીપક કુમારે જણાવ્યું, "રહેમાન પેઇન્ટિંગના કામ માટે ગયા હતા. ગત બે મહિનાથી તેઓ દરરોજ કામ માટે બહાર જતા હતા. તેમણે થોડા પૈસા ભેગા કરી લીધા પછી ત્યાંથી જતા રહ્યા."

રહેમાને માતાપિતાનું ઘર છોડી અલગ રહેવાનો નિર્ણય કરી લીધો અને તેના માટે તેમણે કોઈ ખાસ કારણ ન જણાવ્યું પરંતુ પોલીસને જણાવ્યું કે સજીતા અને તેમણે આ રીતે દસ વર્ષ રહેવાનો નિર્ણય કેમ કર્યો હતો.


બંધ રહેવાનું શું કારણ હતું?

પોલીસ અનુસાર તેઓ ડરેલાં હતાં કે તેમના ઘરવાળા આ લગ્નની મંજૂરી નહીં આપે કેમ કે બંને અલગઅલગ ધર્મનાં છે.

પોલીસે બંનેને કોર્ટમાં રજૂ કર્યાં કેમ કે બંનેની લાપતાની ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી.

બંનેની કહાણી સાંભળીને કોર્ટે તેમને મુક્ત કરી દીધાં. રહેમાન અને સજીતાએ મીડિયા સાથે વાત કરવાનો ઇન્કાર કરી દીધો હતો.



https://youtu.be/YZEiwF8ThA8

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો