નવી દિલ્લીઃ કોરોના વાયરસની બીજી લહેર હવે નબળી પડી ગઈ છે. એવામાં સરકારની કોશિશ વધુને વધુ વસ્તીનુ રસીકરણ કરવાની છે. જો કે વિપક્ષ લાંબા સમયથી બધાને વેક્સીન ફ્રીમાં આપવા અને રાજ્યોનો બોજ ઘટાડવાની માંગ કરી રહ્યા હતા. જેને હાલમાં કેન્દ્રએ માની લીધી. એવામાં હવે વિપક્ષી દળ કોંગ્રેસે વેક્સીનના રજિસ્ટ્રેશન પર સવાલ ઉઠાવ્યા છે. સાથે જ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ આમાં ફેરફારની માંગ કરી છે જેથી ગરીબ લોકોને પણ સરળતાથી રસી લાગી શકે.
રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યુ કે વેક્સીન માટે માત્ર ઑનલાઈન રજિસ્ટ્રેશન પૂરતુ નથી. વેક્સીન સેન્ટર પર વૉક ઈન કરનાર દરેક વ્યક્તિને રસી મળવી જોઈએ. જીવનનો અધિકાર તેમને પણ છે જેમની પાસે ઈન્ટરનેટ નથી. આ પહેલા રાહુલે ફ્રી વેક્સીનેશન પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે પૂછ્યુ હતુ કે જો મોદી સરકારે બધાના માટે વેક્સીન ફ્રી કરી દીધી છે તો ખાનગી દવાખાનાવાળા રસી માટે જનતા પાસેથી પૈસા કેમ લઈ રહ્યા છે.
ગ્રામીણ વિસ્તારોમાં સૌથી વધુ મુશ્કેલી
વાસ્તવમાં જ્યારે રસીકરણ અભિયાન શરૂ થયુ હતુ તો એ વખતે સરકારે નક્કી કરી લીધુ હતુ કે વેક્સીનેશન માટે ઑનલાઈન રજિસ્ટ્રેશન જરૂરી છે. આ હેઠળ કોઈ પણ આરોગ્ય સેતુ કે Cowin પોર્ટલ પર જઈને રજિસ્ટ્રેશન કરી શકે છે. ત્યારબાદ તેને એક ડેટ પર અપોઈન્ટમેન્ટ લેવી પડે છે પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં નેટવર્કની બહુ જ મુશ્કેલી છે. સાથે જ મોટી વસ્તી પાસે સ્માર્ટ ફોન પણ નથી. એવામાં ઘણા લોકો હજુ સુધી વેક્સીનેશનથી વંચિત છે. જો કે સરકારે 45+ ગ્રુપ માટે વૉક ઈનની વ્યવસ્થા તો પહેલેથી જ શરૂ કરી રાખી છે પરંતુ 18+ વાળાને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.