નવી દિલ્લીઃ જે રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અને તેની કિંમતો રેકૉર્ડ ઉંચાઈએ પહોંચી ગઈ છે તેની સામે કોંગ્રેસ પાર્ટીએ રસ્તા પર ઉતરવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ પાર્ટી 11 જૂને પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો સામે પ્રદર્શન કરશે. કોંગ્રેસના કાર્યકર્તા દેશભરમાં 11 જૂને પેટ્રોલ પંપ સામે સાંકેતિક પ્રદર્શન કરશે. કોંગ્રેસ પાર્ટી પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવો સાથે દેશભરમાં મોંઘવારી સામે પણ પ્રદર્શન કરશે.
કોંગ્રેસ નેતા ગોવિંદ સિંહ દોતાસરાએ કહ્યુ કે કેન્દ્ર સરકાર ખોટી નીતિઓના કારણે મોંઘવારી અનિયંત્રિત થઈ ગઈ છે અને દેશમાં જરૂરી સામાનોના ભાવ આકાશને આંબી ગયા છે. પેટ્રોલ, ડીઝલ, એલપીજી ગેસ અને રોજિંદી જરૂરી વસ્તુઓ ઘણી મોંઘી થઈ ગઈ છે. આી સામે પાર્ટીના કાર્યકર્તા પેટ્રોલ પંપ સામે પ્રદર્શન કરશે. ગોવિંદ સિંહે કહ્યુ કે ક્રૂડ ઓઈલના ભાવ એપ્રિલ 2014માં 108 યુએસ ડૉલર પ્રતિ બેરલ હતા અને એ વખતે પેટ્રોલના ભાવ 71 રૂપિયા હતા જ્યારે ડીઝલના ભાવ 57 રૂપિયા પ્રતિ લિટર હતા. પરંતુ હવે જૂન 2021માં ક્રૂડ ઓઈલના ભાવ 61 ડૉલર પ્રતિ બેરલ છે જ્યારે પેટ્રોલના ભાવ 102.82 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવ 95.96 રૂપિયા પ્રતિ લિટર છે. સતત વધતી મોંઘવારીએ સામાન્ય લોકોની કમર તોડી દીધી છે અને લોકો માટે જીવન ચલાવવુ મુશ્કેલ બની રહ્યુ છે.