નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 5 વાગે દેશની જનતાને સંબોધિત કરશે. આ અંગેની માહિતી પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આપવામાં આવી છે. જો કે એ નથી જણાવવામાં આવ્યુ કે સંબોધન શેના વિશે આપવામાં આવશે. દેશભરમાં કોરોના મહામારીની બીજી લહેર નબળી પડી ગઈ છે. એવામાં આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે પીએમ કોરોના અને અર્થવ્યવસ્થાના મુદ્દે વાત કરશે.
વાસ્તવમાં મે મહિનાની શરૂઆતમાં મોટાભાગના રાજ્યોએ પોતાને ત્યાં વધતા કોરોના કેસોના કારણે લૉકડાઉનનુ એલાન કરી દીધુ હતુ. અમુક રાજ્યોએ 1 જૂનથી જ્યારે અમુક રાજ્યોએ 7 જૂનથી અનલૉકની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. એવામાં સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે પીએમ લોકોને સાવચેતી રાખવા અને કામ પર પાછા આવીને અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાની અપીલ કરી શકે છે. આ પહેલા તેમણે 20 એપ્રિલે દેશને સંબોધિત કર્યા હતા ત્યારે દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ઘણો કહેર વરસાવી રહી હતી.
ઘણી હદે સ્થિતિ સુધરી
તમને જણાવી દઈએ કે બીજી લહેરના પીક દરમિયાન રોજના 4 લાખ આસપાસ કેસ સામે આવી રહ્યા હતા પરંતુ હવે સ્થિતિ ઘણી સુધરી છે જ્યાં રવિવારે 1,01,209 કેસ સામે આવ્યા. આ સાથે જ 2444 લોકોના મોત થયા છે. થોડા દિવસો પહેલા ગંભીર રીતે પ્રભાવિત યુપીમાં રવિવારે માત્ર 1037 અને દિલ્લીમાં 381 કેસ સામે આવ્યા. જો કે દક્ષિણ ભારતમાં ઘણા રાજ્યોની સ્થિતિ ચિંતાજનક છે.
કોરોના કાળમાં જનતા સાથે જોડાતા રહ્યા પીએમ
ગયા વર્ષે માર્ચમાં જ્યારે એક દિવસનો જનતા કર્ફ્યુ લાગ્યો તો પીએમ દેશને સંબોધિત કરીને લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી હતી. ત્યારબાદ લૉકડાઉનનુ એલાન હોય કે પછી આર્થિક પેકેજ, તે સમયે-સમયે પોતાનુ સંબોધન આપતા રહ્યા. ગયા મહિને પણ જ્યારે કોરોનાની બીજી લહેર કહેર વરસાવી રહી હતી ત્યારે 20 એપ્રિલે તેમણે દેશને સંબોધિત કરીને જનતાનુ પ્રોત્સાહન કર્યુ હતુ.