કોરોનાવાયરસની બીજી લહેરને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે દેશના ગરીબ પરિવારો માટે ફરી એકવાર ગરીબ કલ્યાણ યોજનાનું એલાન કર્યું હતું. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાને દીવાળી સુધી એટલેકે નવેમ્બર, 2021 સુધી લંબાવવામાં આવી છે. જે અંતર્ગત દેશના 80 કરોડ જરૂરિયાતમંદોની નિર્ધારિત માત્રામાં નિ:શુલ્ક રાશન આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ એલાનથી દેશના 80 કરોડથી વધુ લોકોને તેનો લાભ મળશે. આ યોજના અંતર્ગત રાશન કાર્ડ પર મળતા રાશનથી વધારે 5 કિલો રાશન અલગથી મળે છે. પહેલાં મે અને જૂન સુધી જ આ યોજના લાગૂ કરવામાં આવી હતી. જો કે મહામારીને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે દિવાળી સુધી ગરીબ કલ્યાણ યોજના લંબાવી દીધી છે.
જણાવી દઈે કે ગયા વર્ષે કોવિડ 19ની પહેલી લહેર દરમિયાન માર્ચ મહિનામાં જ્યારે આખા દેશમાં લૉકડાઉન લાદવામાં આવ્યું હતું ત્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાનું પહેલીવાર એલાન થયું હતું. આ યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજનો ભાગ હતી. તે સમયે ગરીબ પરિવારોને રાહત આપવા માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત સરકારે 80 કરોડથી વધુ રાશનધારકોને એપ્રિલ, મે અને જૂન 2020 માટે રાશન કાર્ડમાં નોંધાયેલા સભ્યોના આધારે પ્રતિ વ્યક્તિ પાંચ કિલો ઘઉં અથવા ચોખા અને પ્રતિ પરિવાર એક કિલો દાળ મફતમાં આપવાની ઘોષણા કરી હતી.