નવી દિલ્લીઃ કોરોના મહામારીની બીજી લહેરમાં દેશની અંદર બહુ મોટાપાયે લોકોની નોકરીઓ ગઈ છે. Center For Monitoring Indian Economyના સીઈઓ મહેશ વ્યાસે જણાવ્યુ છે કે દેશની અંદર કોરોનાની બીજી લહેરમાં 1 કરોડથી વધુ લોકોની નોકરીઓ ગઈ છે. આ ઉપરાંત છેલ્લા દોઢ વર્ષમાં 97 ટકા પરિવારોની આવકમાં ઘટાડો થયો છે. મહેશ વ્યાસે જણાવ્યુ છે કે દેશમાં મે 2021ની અંદર બેરોજગારીનો દર 12 ટકા રહ્યો જ્યારે આ આંકડો એપ્રિલ 2021માં 8 ટક હતો. મહેશ વ્યાસે લોકોની નોકરીઓ જવાનુ કારણ સંપૂર્ણપણે કોરોનાની બીજી લહેરને ગણાવ્યુ છે.
અર્થવ્યવસ્થા પાટા પર આવશે તો આવશે નોકરીઓ
મહેશ વ્યાસનુ માનવુ છે કે એવુ નથી કે આ સ્થિતિ સુધરશે નહિ. તેમણે કહ્યુ કે હવે દેશમાં કોરોનાની બીજી લહેરની અસર ધીમે ધીમે ઘટી રહી છે માટે હવે આશા છે કે આવનારા સમયમાં જેમ-જેમ અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર આવશે ત્યારે લોકોને રોજગાર પણ મળવાનુ શરૂ થઈ જશે. જો કે CMIEના સીઈઓએ જણાવ્યુ કે જે લોકોની એક વાર નોકરી જતી રહે તેમને ફરીથી રોજગાર મળવામાં ખૂબ મુશ્કેલી પડે છે જ્યારે અનૌપચારિક ક્ષેત્રની નોકરીઓ જલ્દી પાછી આવે છે.
રાષ્ટ્રવ્યાપી સર્વેમાં આવ્યા આ પરિણામો
CMIEના સીઈઓ મહેશ વ્યાસે જણાવ્યુ કે તેમના સંગઠને એપ્રિલ મહિનાની અંદર એક રાષ્ટ્રવ્યાપી સર્વેક્ષણ કર્યુ. આ સર્વેમાં 1.75 લાખ ઘરોને શામેલ કરવામાં આવ્યા. આ સર્વેમાં છેલ્લા એક વર્ષ દરમિયાન આવક સર્જન પર એક સંબંધિત પ્રવૃત્તિને પરખવામાં આવી. આ દરમિયાન માત્ર 3 ટકા પરિવારોએ જ કહ્યુ કે આવકમાં વધારો જોવા મળ્યો જ્યારે 55 ટકાએ કહ્યુ કે તેમની આવકમાં ગયા વર્ષમાં ઘટાડો આવ્યો છે. તમને જણાવી દઈએ કે દેશમાં બેરોજગારીનુ સ્તર ગયા વર્ષે રેકૉર્ડ ઉંચાઈએ પહોંચી ગયુ હતુ. ગયા વર્ષે લૉકડાઉનના કારણે મે, 2020મમાં બેરોજગારી દર 23.5 ટકાના રેકૉર્ડ ઉચ્ચ સ્તરને સ્પર્શી ગયો હતો.