નવી દિલ્લીઃ યોગ ગુરુ બાબા રામદેવ અને ઈન્ડિયન મેડિકલ એસોસિએશન(આઈએમએ) વચ્ચે ચાલી રહેલ ખેંચતાણ વધી રહી છે. આ દરમિયાન આઈએમએના રાષ્ટ્રીય પ્રમુખ ડૉ. જેએ જયલાલે શુક્રવારે(28 મે)એ કહ્યુ છે કે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન પાસે રામદેવ સામે કંઈ પણ નથી. જો યોગ ગુરુ બાબા રામદેવ એલોપેથી, મૉડર્ન મેડિકલ સાયન્સ અને કોરોના વેક્સીન પર આપેલા પોતાના નિવેદનને પાછુ લે તો તેઓ માનહાનિ ફરિયાદને પાછી લેવા પર વિચાર કરશે.
જયલાલે કહ્યુ કે કોરોના મહામારી અને તેના ઈલાજ વિશે આધુનિક ચિકિત્સા પદ્ધતિ પર રામદેવે સવાલ ઉઠાવ્યા અને મજાક બનાવીને લોકોને ભ્રમિત કર્યા છે. એલોપેથી વિરુદ્ધ આયુર્વેદની જંગ બાબા રામદેવના એ નિવેદન બાદ છેડાઈ ગઈ છે જેમાં યોગ ગુરુએ કહ્યુ છે કે એલોપેથી ઈલાજ અને દવાના કારણે કોરોનાના લાખો દર્દીઓના મોત થઈ ગયા છે.
સમાચાર એજન્સી પીટીઆઈ/ભાષા સાથે વાત કરીને આઈએમએ પ્રમુખ ડૉ.જેએ જયલાલે કહ્યુ, 'અમારી પાસે બાબા રામદેવ સામે કંઈ નથી. તેમના નિવેદન કોવિડ-19ની વેક્સીનેશન વિરુદ્ધ છે.'
વધુમાં જયલાલે કહ્યુ કે, 'અમને લાગે છે કે તેમના નિવેદન લોકોને ભ્રમિત કરી શકે છે, તેમને વિચલિત કરી શકે છે. અમારી સૌથી મોટી ચિંતા એ જ છે કારણકે તેમના ઘણા અનુયાયી છે.' જયલાલે કહ્યુ કે જો રામદેવ પોતાની ટિપ્પણીને સંપૂર્ણપણે પાછી લઈ લેવા માટે આગળ આવશે તો આઈએમએ ફરિયાદ અને માનહાનિ નોટિસને પાછી લેવા પર વિચાર કરશે.'
આઈએમએ હાલમાં જ રામદેવને આધુનિક ચિકિત્સા પદ્ધતિ અને ડૉક્ટરો વિરુદ્ધ અપમાનજનક નિવેદન આપવા માટે માનહાનિની નોટિસ મોકલી છે. નોટિસમાં આઈએમએ બાબા રામદેવને સાર્વજનિક રીતે માફી માંગવા અને પોતાના નિવેદનને સંપૂર્ણપણે પાછુ લેવા માટે 15 દિવસનો સમય આપ્યો છે. જો રામદેવ આવુ નહિ કરે તો 1 હજાર કરોડ રૂપિયાનો દંડ આપવો પડશે. આ ઉપરાંત આઈએમએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બાબા રામદેવ સામે દેશદ્રોહનો કેસ કરીને કાર્યવાહી કરવાનો અનુરોધ કર્યો છે. આઈએમએ પ્રમુખે માહિતી આપી છે કે બાબા રામદેવ સામે દિલ્લી, ઉત્તરાખંડ અને અન્ય જગ્યાએ ફરિયાદો નોંધાઈ છે.