સમસ્તીપુરઃ બિહારના સમસ્તીપુર જિલ્લાના વિભૂતિપુર પોલિસ સ્ટેશન ક્ષેત્રમાં માનવતાને શરમાવે તેવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં એક મહિલા સાથે યુવકોએ ગેંગરેપ કર્યા પછી હેવાનિયતની હદ પાર કરીને મહિલાને બેભાન અવસ્થામાં ફાંસો આપીને અર્ધનગ્ન અવસ્થામાં વિજળીના થાંભલા સાથે લટકાવી દીધી. પીડિતા લગ્ન સમારંભમાં શામેલ થવા ગઈ હતી અને પાછી ઘરે આવી રહી હતી. જ્યારે ગામનો એક યુવક પોતાના ખેતર તરફ જઈ રહ્યો હતો ત્યારે મહિલાને વિજળીના થાંભલા પર ફંદામાં લટકતી જોઈ અને પછી ગામના અન્ય લોકો સાથે પોલિસને પણ ઘટનાની માહિતી આપી.
હેવાનિયતના સમાચાર સાંભળીને સૌ કોઈ ઘટના સ્થળે પહોંચી ગયા. પોલિસ પણ ઘટના સ્થળે પહોંચી અને બાદમાં મહિલાને થાંભલા પરથી નીચે ઉતારીને તેને દલસિંહસરાય હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી જ્યાં મહિલાની સ્થિતિ જોઈને તેને જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવી. હજુ પણ પીડિતા બેભાન અવસ્થામાં છે અને તેનો ઈલાજ ચાલી રહ્યો છે. વળી, ગેંગરેપની ઘટના સામે આવ્યા બાદ ગામના લોકોએ શંકાના આધારે લગ્ન સમારંભમાં ટેન્ટ અને સાઉન્ડનુ કામ કરતા 7 લોકોને પકડીને પોલિસને હવાલે કરી દીધા છે જેમની પોલિસ પૂછપરછ કરી રહી છે.
ઘટના વિશે પરિવારજનોનુ કહેવુ છે કે ઘરમાં લગ્નનો કાર્યક્રમ હતો. પહેલા સવારે જ્યારે પીડિતા શૌચ માટે ગઈ હતી એ દરમિયાન ટેન્ટમાં કામ કરતા લોકોએ પહેલા તેને ઘરેણા લૂંટ્યા અને પછી તેની સાથે ગેંગરેપ કર્યો. ત્યારબાદ વિજળીના થાંભલા સાથે ફંદામાં લટકાવી દીધી. બેભાન અવસ્થાના કારણે પીડિતાનુ નિવેદન હજુ નોંધવામાં આવ્યુ નથી. સમસ્તીપુર જિલ્લા હોસ્પિટલમાં મહિલા પોલિસ સ્ટેશન અધ્યક્ષ પોતાની ટીમ સાથે પીડિતાની પરિવાર પાસેથી માહિતી મેળવી રહ્યા છે.