બુધવારે મોદી સરકાર 2.0 ના બે વર્ષ પૂર્ણ થઈ જશે, પરંતુ નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા, તેને સાત વર્ષનો સમય થઈ ગયો છે.
ભાજપના અધ્યક્ષ જગત પ્રતાપ નડ્ડાએ પાર્ટીના કાર્યકરોને આહ્વાન કર્યું છે કે પાર્ટી દ્વારા સત્તામાં બીજી ટર્મનાં બે વર્ષની ઉજવણી ન કરવી અને જનતાની વચ્ચે જઈને 'કોવિડસેવા' કરવામાં આવે.
સાત વર્ષ દરમિયાન કોરોના સ્વરૂપે મોદી સામે સૌથી મોટો પડકાર આવીને ઊભો છે, એ વાતે તમામ રાજનેતા અને વિશ્લેષક એકમત જણાય છે.
તા. 16મી મે 2014ના નરેન્દ્ર મોદીએ સત્તાનાં સૂત્ર સંભાળ્યાં હતાં. લગભગ 30 વર્ષ બાદ 16મી લોકસભામાં 282 બેઠક સાથે ભાજપને પૂર્ણ બહુમતી મળી હતી.
17મી લોકસભામાં આ આંકડો હજુ વધુ ગયો હતો.
બંને લોકસભા દરમિયાન કૉંગ્રેસે અનુક્રમે (44 અને 52 બેઠક) સાથે મુખ્ય વિપક્ષ તો બની, પરંતુ 10 ટકા કરતાં વધુ બેઠક ન જીતી શક્યો હોવાથી સત્તાવાર રીતે તેના દરજ્જાથી વંચિત રહી ગઈ છે.
મોદી સરકારને દેશ પર શાસનનાં સાત વર્ષ થયાં છે ત્યારે એ સાત બાબતો ઉપર વિહંગાવલોકન, જેના કારણે સરકાર સૌથી વધુ ચર્ચામાં રહી હતી.
https://www.youtube.com/watch?v=EKEYplmh-Ik
તા. 27 જાન્યુઆરી, 2020ના ભારતમાં ઔપચારિક રીતે કોવિડનો પ્રથમ કેસ કેરળ ખાતે નોંધાયો હતો.
જોકે, આ પહેલાં વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા વિશ્વના તમામ દેશોને આ વિશે ચેતવણી આપવામાં આવી હતી.
આમ છતાં ગુજરાતમાં 'નમસ્તે ટ્રમ્પ' ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું, વિદેશથી લોકોની અવરજવર પણ લગભગ પૂર્વવત્ જ રહેવા પામી હતી.
તા. 24મી માર્ચના (2020) દિવસે અચાનક જ રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી. 'જે કોઈ જ્યાં છે, ત્યાં જ રહે' તેમ જણાવવામાં આવ્યું, જેમાં સૌથી કફોડી સ્થિતિ શ્રમિકોની થઈ.
કામ છૂટી જવાને કારણે તથા આવક બંધ થઈ જવાથી તેઓ વર્તમાન સ્થળે રહી શકે તેમ ન હતા.
અવરજવર માટેનાં સાધનો બંધ હોવાથી તેમણે પગપાળા જ વતન જવાની વાટ પકડી આના કારણે હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયાં હતાં.
તબક્કાવાર અનલૉકિંગ બાદ સપ્ટેમ્બર 2020ની મધ્યમાં કોરોનાની પીક આવી હતી. જ્યારે દૈનિક મૃત્યુ 1300ની ટોચ ઉપર પહોંચ્યાં હતાં એ પછી ક્રમશઃ આ સંખ્યા ઘટવા લાગી હતી.
જાન્યુઆરી મહિનામાં ભારતમાં બે વૅક્સિનને મંજૂરી આપવામાં આવી. ત્યારે ફ્રન્ટલાઇન વર્કર, વૃદ્ધો, બીમારી ધરાવતા 45 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકો આ રીતે તબક્કાવાર રસીકરણ હાથ ધરવામાં આવ્યું.
માર્ચ મહિનામાં ચૂંટણીસભા તથા એપ્રિલ મહિનામાં કુંભમેળાનું આયોજન થયું. આ ઘટનાઓ 'સુપરસ્પ્રૅડર' હોવા છતાં કેન્દ્ર સરકારે આંખ આડા કાન કર્યા.
બીજા તબક્કામાં ગત સપ્તાહે દૈનિક 4300થી વધુ મૃત્યુ થયાં હતાં, જે અત્યાર સુધીનો કોવિડનો સર્વોચ્ચ આંકડો હતો. દેશમાં કુલ મરણાંક ત્રણ લાખ કરતાં વધી ગયો છે.
વૅક્સિન ઉપરાંત રેમડેસિવિર ઇન્જેક્શન તથા ઓક્સિજનની અછત સર્જાઈ.
ઓક્સિજનના અભાવે દિલ્હી, ગોવા, કર્ણાટક અને મુંબઈ સહિત અનેક રાજ્યોમાં હૉસ્પિટલોમાં દાખલ દરદીઓનાં મૃત્યુ થયાંની ઘટનાઓ નોંધાઈ.
કોરોનાની બીજી લહેર મહારાષ્ટ્ર, પંજાબ, દિલ્હી અને કર્ણાટક સહિત લગભગ દરેક રાજ્યે રસીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાની વાત કહી.
આ અરસામાં જ ભારતે છ કરોડથી વધુ ડોઝ વિશ્વના 50 કરતાં વધુ દેશોને મોકલાવ્યા. વિપક્ષના મતે 'ઘરના ઘંટી ચાટે અને પાડોશીને લોટ' જેવો આ ઘાટ હતો.
મ્યુકરમાઇકોસિસ નામની ફૂગજન્ય બીમારીએ કોવિડ-19ની સારવારની આડઅસર તરીકે માથું ઊંચક્યું છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન સહિત અનેક રાજ્યોએ તેને 'મહામારી' જાહેર કરી છે અને તેના માટે અલગ વૉર્ડ ઊભા થયા છે.
ભાજપના સમર્થકોનું કહેવું છે કે પશ્ચિમી દેશોમાં ઉપલબ્ધ આરોગ્યસુવિધા, ત્યાંના નાગરિકોની જાગૃતિ, જનસંખ્યા અને સંપન્નતાને જોતાં મોદી સરકારે યોગ્ય કામગીરી કરી છે.
વિશ્વના મોટા દેશોની યાદીમાં વસતિની સામે કેસ તથા મૃત્યુની સરેરાશ ઉપર નજર કરવામાં આવે તો ભારતે ઘણું સારું પ્રદર્શન કર્યું છે.
આની એક અસર એ થઈ કે ભારત પીપીઈ (પર્સનલ પ્રોટેક્શન ઇક્વિપમૅન્ટ કિટ) બનાવવા લાગ્યું.
દરરોજ હજારોની સંખ્યામાં એન-95 માસ્ક બનવા લાગ્યા, જે કોરોના સામેની લડાઈમાં મહત્ત્વપૂર્ણ હથિયાર માનવામાં આવે છે.
રશિયા, અમેરિકા, બ્રિટન અને ચીન સહિત વિશ્વના આંગળીના વેઢે ગણી શકાય તેટલા દેશ જ કોરોનાવિરોધી વૅક્સિન બનાવવામાં સફળ થયા છે.
ભારતની 'કોવૅક્સિન' નાગરિકોને અપાઈ રહી છે, જ્યારે ઝાયડસની વૅક્સિન ત્રીજા તબક્કાના પરીક્ષણ હેઠળ છે.
સતત સળગતી ચિતા, સારવાર માટે વલખાં મારતા પરિવારજનો અને ઓક્સિજન માટે તડપતા દર્દીઓનાં દૃશ્યોએ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની છાપને બટ્ટો લગાડ્યો છે, જેને સાફ કરવો મુશ્કેલ હશે.
અમદાવાદસ્થિત અર્થશાસ્ત્રી હેમંતકુમાર શાહે બીબીસી ગુજરાતીના પ્રતિનિધિ જયદીપ વસંત સાથે વાત કરતાં જણાવ્યું, "નાણાકીય વર્ષ 2020-21ના જીડીપી (કુલ ઘરેલુ ઉત્પાદન)ના આંકડા આવશે ત્યારે તે માઇનસ છથી આઠ ટકા રહેશે તેવું અનુમાન છે, 40 વર્ષમાં પ્રથમ વખત દેશના વિકાસની ટકાવારી આટલી નૅગેટિવ રહેશે."
"સાત વર્ષમાં દેશનું વિદેશી દેવું બમણું થઈ ગયું છે. 'આત્મનિર્ભર ભારત' કે 'મૅક ઇન ઇન્ડિયા' વગેરેની ભલે ગમે તેટલી વાતો કરવામાં આવે, પરંતુ તે વિદેશી મૂડીરોકાણ ઉપર જ નિર્ભર હોવાનું જણાય છે."
"કોરોનાની મહામારી દરમિયાન ગરીબોને રાહત ભાવે અનાજ કે અન્ય જે કોઈ સહાય આપવી જોઈએ તે અપાઈ હતી, તે સારી બાબત છે, પરંતુ આ મહામારીને કારણે નિમ્ન મધ્યમવર્ગમાં સમાવિષ્ટ દેશના લાખો-કરોડો લોકો ફરીથી ગરીબીની રેખાની નીચે ધકેલાઈ ગયા છે. તેમને ફરથી બહાર કાઢવામાં આવશે કે કેમ તે એક સવાલ છે."
આ સિવાય શાહ દેશમાં પ્રવર્તમાન ગ્રામ્ય અને શહેરી બેરોજગારીના મુદ્દાને પણ ગંભીર ગણે છે.
ભાજપે તેના પ્રથમ કાર્યકાળના સરવૈયામાં GST (ગુડ્સ ઍન્ડ સર્વિસીઝ ટૅક્સ)ને પોતાની સિદ્ધિ ગણાવી હતી. લગભગ 17 વર્ષથી 'એક દેશ, એક કરવ્યવસ્થા' લાગુ કરવા માટે પ્રયાસ થઈ રહ્યા હતા, પરંતુ તેને લાગુ કરવામાં મોદી સરકારને સફળતા મળી હતી.
આ કાયદાને કારણે દેશમાં પ્રવર્તમાન કરવ્યવસ્થાની જટિલતા દૂર થશે અને સ્વદેશી-વિદેશી મૂડીરોકાણકારો માટે આકર્ષક સ્થિતિ ઊભી થશે એવો સરકારનો દાવો છે. એપ્રિલ-2021માં સરકારને રૂ. એક લાખ 41 હજારની આવક થઈ હતી, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંકડો છે.
આ સિવાય ઇન્સૉલવન્સી અને બૅન્કરપ્ટસીના કાયદાને કારણે લૉન લઈને ઠાગાઠૈયા કરનારા નાણાં ચૂકવવા મજબૂર બની રહ્યા હોવાનો દાવો કરવામાં આવે છે.
જોકે, મોટાભાગના કેસોમાં બૅન્કો (અને અંતે સામાન્ય નાગરિકોએ) મોટાપાયા ઉપર મૂળ રકમ અને વ્યાજની રકમ ઉપર 'હૅરકટ' લેવા માટે મજબૂર બને છે.
તા. આઠમી નવેમ્બર 2016ના દિવસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રાષ્ટ્રજોગ સંબોધનમાં અચાનક જ રૂ. 500 તથા રૂ. એક હજારની નોટોને ચલણમાંથી દૂર કરી દેવાની જાહેરાત કરવામાં આવી. તેના કારણે રોજમદાર, નાનો વ્યવસાય ધરાવનારા, ગૃહિણીઓ, શ્રમિકો તથા ગરીબો મુશ્કેલીમાં મુકાઈ ગયા.
'નોટબંધીથી દેશમાંથી કાળુંનાણું બહાર લાવવામાં મદદ મળશે, નક્સલવાદ નાથી શકાશે તથા ઉગ્રવાદને ડામી શકાશે' જેવા અનેક લક્ષ્યાંક ગણાવવામાં આવ્યા. જોકે, અનેક સરવે તથા અભ્યાસમાં બહાર આવ્યું છે કે આ લક્ષ્યાંક સિદ્ધ નથી થઈ શક્યા.
કલમ 370 અને માનવઅધિકાર
તા. 5મી ઑગસ્ટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બંધારણના અનુચ્છેદ 370 તથા 35-અ નાબૂદ કરતા ખરડા સંસદમાં રજૂ કર્યાં. ભાજપ તથા સંઘના કટ્ટરસમર્થકો માટે વર્ષો જૂનું સપનું ખરું થવા જેવું હતું.
લદાખને અલગથી કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો.
જોકે, તેની કિંમત લોકશાહીએ ચૂકવી હતી. જમ્મુ-કાશ્મીરની વિધાનસભાનો દરજ્જો છીનવાઈ ગયો. રાજ્યના પ્રમુખ રાજનેતાઓ લગભગ એક વર્ષ કરતાં વધુ સમય સુધી નજરબંધ રહ્યા.
વિધાનસભાને 'અનુકૂળ સમયે' પુનઃજીવિત કરવામાં આવશે, એવું આશ્વાસન આપવામાં આવ્યું છે, પરંતુ આ દિશામાં કોઈ પૂર્વયોજના જાહેર કરવામાં નથી આવી.
આના એક વર્ષ બાદ વધુ એક ઘટના ઘટી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યાની મુલાકાત લીધી અને રામમંદિરનો શિલાન્યાસ કરાવ્યો.
જે ઉપરોક્ત તબક્કા માટે 'વધુ એક વિજય' સમાન હતો. જોકે, તેની તૈયારી 11 મહિના અગાઉ જ થઈ ગઈ હતી.
નવેમ્બર-2020માં દેશની સર્વોચ્ચ અદાલતે રામમંદિર મુદ્દે પોતાનો ચુકાદો આપ્યો, જેમાં વિવાદાસ્પદ સ્થળનો કબજો હિંદુઓને સોંપવામાં આવ્યો, અદાલતે મુસ્લિમોને પણ પાંચ એકરની વૈકલ્પિક જમીનની ફાળવણી કરી.
કેન્દ્ર સરકાર દ્વારા જુલાઈ 2019માં 'અનલૉફૂલ ઍક્ટિવિટિઝ પ્રિવેન્શન ઍક્ટ'ની જોગવાઈઓને સુધારવામાં આવી. તેની મદદથી સંગઠન જ નહીં, વ્યક્તિને પણ કોઈપણ જાતના ખટલા વગર 'આતંકવાદી' જાહેર કરી શકાય છે.
આ સિવાય આંતકવાદી પ્રવૃત્તિને ધિરાણ કરનારની સામે પણ કાર્યવાહી થઈ શકે છે. કેટલાક માનવ અધિકાર કાર્યકર્તાઓનું માનવું છે કે તેની જોગવાઈઓ TADA અને POTAથી પણ કડક છે અને તેનાથી વ્યક્તિના મૂળભૂત અધિકારો ભંગ થશે.
ફેબ્રુઆરી-2021માં સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું હતું કે જો સમયસર ખટલો ન ચાલે તો આરોપીને જામીન મળી શકે છે.
ઑક્ટોબર-2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 'સ્વચ્છ ભારત અભિયાન' હાથ ધર્યું. જેમાં દેશભરમાં સફાઈ અંગે વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું તથા નાગરિકોને શૌચાલયનિર્માણ માટે આર્થિક સહાયની જાહેરાત કરવામાં આવી.
ઑક્ટોબર-2019માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી કે પાંચ વર્ષના ગાળામાં દેશમાં 11 કરોડ કરતાં વધુ શૌચાલયનું નિર્માણ થયું અને દેશ 'જાહેરમાં શૌચમુક્ત' બની ગયો છે. જોકે, આ દાવા ઉપર સવાલ ઉઠાવતા અહેવાલો સામૂહિક પ્રસાર માધ્યમોમાં છપાતા રહે છે.
ઑગસ્ટ-2014માં 'જનધન યોજના' શરૂ કરવામા આવી. ચોક્કસ પ્રકારની લાયકાત ધરાવનારા નાગરિકો સરકારી બૅન્કમાં નિઃશુલ્ક ખાતું ખોલાવી શકે તથા તેમણે ત્રિમાસિક સરેરાશ જાળવવી ન પડે તે પ્રકારની જાહેરાત કરવામાં આવી.
માર્ચ-2016માં 'પ્રધાન મંત્રી આવાસ યોજના' લૉન્ચ કરવામાં આવી, માર્ચ-2022 સુધીમાં બે કરોડ પરવડે તેવાં ઘરનું નિર્માણ કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. ગ્રામ્યવિસ્તારમાં ગૃહનિર્માણ માટે આર્થિક સહાય આપવામાં આવી રહી છે.
મે-2016માં 'પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજના' લૉન્ચ કરવામાં આવી. જે હેઠળ સંપન્ન પરિવારોને તેમની ગૅસ સબસિડી જતી કરવા આહ્વાન કરવામાં આવ્યું તથા ગરીબ મહિલાઓને નિઃશુલ્ક પાંચ કિલોગ્રામ ગૅસના ચૂલા તથા બાટલા આપવામાં આવ્યા. જોકે ફરીથી ગૅસની બૉટલ લેનાર લાભાર્થીઓની સંખ્યા ચિંતાજનક રીતે ઓછી હોવાના અહેવાલ આવતા રહે છે.
જ્યારે શહેરી તથા અર્ધશહેરી વિસ્તારોમાં ફ્લેટ્સનું નિર્માણ કરીને તેનું લોટરી સિસ્ટમથી ડ્રો કરીને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે.
2016માં 'પ્રધાન મંત્રી સુરક્ષા બીમા યોજના' લૉન્ચ કરવામાં આવી.
વિકલાંગતા કે અકસ્માતે મૃત્યુના સંજોગોમાં વાર્ષિક રૂ.12ના પ્રિમિયમ ઉપર રૂ. બે લાખ સુધીનું વીમાકવચ મળે છે અને તેનો લાભ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. જ્યારે વાર્ષિક રૂ. 330માં રૂ. બે લાખનું જીવન વીમાકવચ મળે છે.
તા. 15મી ઑગસ્ટ 2015ના લાલ કિલ્લા પરથી પ્રથમ રાષ્ટ્રજોગ સંબોધનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એક હજાર દિવસમાં દેશનાં તમામ ગામડાંને વીજળી પૂરી પાડવાની જાહેરાત કરી હતી.
એપ્રિલ-2018ના અંતભાગમાં મોદીએ દેશનાં તમામ ગામડાં સુધી વીજળી પહોંચાડવાનો દાવો કર્યો. જોકે, માત્ર માળખું ઊભું કરવામાં આવ્યું છે તથા નિયમિત પુરવઠો હજુ પણ પડકાર હોવાનું જાણકારોનું કહેવું છે.
સપ્ટેમ્બર-2018માં 'આયુષ્માન ભારત' યોજના શરૂ કરવામાં આવી. જેની મદદથી દેશના લગભગ 50 કરોડ જેટલા ગરીબીરેખાની નીચે જીવતા લાભાર્થીઓને પરિવારદીઠ રૂ. પાંચ લાખ સુધીની સારવાર નિર્ધારિત ખાનગી હૉસ્પિટલોમાં નિઃશુલ્ક મળી રહે છે.
તે વિશ્વની સૌથી મોટી સરકારપ્રાયોજિત આરોગ્યસેવા યોજના છે. મે-2020 સુધીમાં એક કરોડ કરતાં વધુ વખત લોકોએ આ યોજનાનો લાભ લીધો હોવાનો સરકારનો દાવો છે.
આ સિવાય 'પ્રધાન મંત્રી જનઔષધી કેન્દ્ર' ખાતે બ્રાન્ડેડ દવાના જેનરિક વિકલ્પ સસ્તા ભાવે મળી રહે છે. આજે દેશમાં આવી સાત હજાર 500 કરતાં વધુ દુકાનો કાર્યરત્ છે.
ફેબ્રુઆરી-2019માં લોકસભાની ચૂંટણી પહેલાં કેન્દ્રની મોદી સરકારે 'પ્રધાન મંત્રી કિસાન સન્માનનિધિ'ની જાહેરાત કરી. જેમાં રાજ્ય સરકારોએ આપેલી માહિતીના આધારે દેશના લઘુ અને સીમાંત ખેડૂતોને રૂ. બે-બે હજારના ત્રણ હપ્તાએ વાર્ષિક રૂ. છ હજાર સીધા જ તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે.
સપ્ટેમ્બર-2020માં મોદી સરકારે ત્રણ કૃષિકાયદા પસાર કર્યા, જેની મદદથી 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે એવો દાવો કેન્દ્ર સરકારે કર્યો. નવેમ્બર-2020થી આ ખેડૂતોએ દિલ્હીના બહારના વિસ્તારોમાં ડેરાતંબૂ તાણ્યા છે.
અનેક તબક્કાની વાટાઘાટો નિષ્ફળ રહેતા સુપ્રીમ કોર્ટ દ્વારા કમિટી નિમવામાં આવી છે, જે ખેડૂતો તથા કેન્દ્ર સરકારની વચ્ચે પ્રવર્તમાન ગતિરોધને સમાપ્ત કરવા પ્રયાસ કરશે.
બીજી બાજુ, સુપ્રીમ કોર્ટ સ્પષ્ટ કરી દીધું છે કે નિર્ધારિત સ્થળે આંદોલન થઈ શકે, પરંતુ જાહેરમાર્ગમાં અવરોધ થાય તે રીતે વિરોધપ્રદર્શન ન થઈ શકે.
આમ છતાં કેન્દ્રીય ગૃહમંત્રાલય કે પોલીસે દિલ્હીની બહાર બેઠેલા ખેડૂતો સામે કોઈ નિર્ણયાત્મક કાર્યવાહી હાથ નથી ધરી.
આ યોજનાઓને કારણે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને લાભ મળ્યો હોવાનું વરિષ્ઠ પત્રકાર શેખર ગુપ્તાનું માનવું છે.
મોદી સરકાર ઉપર જૂની યોજનાને નવા નામે શરૂ કરવાના તથા 'Good for politics, bad for economics'ના આરોપ લાગતા રહે છે.
https://www.youtube.com/watch?v=SZLMcDAP5wk
જૂન-2015માં મણિપુર ખાતે યુનાઇટેડ લિબ્રેશન ફ્રન્ટ ઑફ વેસ્ટર્ન સાઉથ-ઇસ્ટ એશિયાના ઉગ્રવાદીઓએ ભારતીય સેનાના કાફલા ઉપર હુમલો કર્યો, જેમાં 18 સૈનિકનાં મૃત્યુ થયાં, જ્યારે 12થી વધુ ઘાયલ થયા. ભારતના સ્પેશિયલ ફૉર્સના કમાન્ડોઝે મ્યાનમારમાં એક અભિયાન હાથ ધર્યું,
જેમાં હુમલામાં કથિત રીતે સંડાવાયેલા નૅશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઑફ નાગાલૅન્ડના લગભગ 40 જેટલા ઉગ્રવાદી માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો.
ભારતીય સુરક્ષાબળોના સરહદપારના અભિયાનનું આ પહેલું સાર્વજનિક નિદર્શન સમાન હતું. જોકે, પાકિસ્તાનમાં હાથ ધરવામાં આવેલા બે સૈન્ય અભિયાનોની સૌથી વધુ ચર્ચા થઈ.
વર્ષ 2016ની તા. 18મી સપ્ટેમ્બરે જમ્મુ-કાશ્મીરના ઉરી ખાતે ભારતીય સૈન્ય છાવણી ઉપર ઉગ્રપંથીઓએ આત્મઘાતી હુમલો કર્યો, જેમાં 19 ભારતીય સૈનિકોનાં મૃત્યુ થયાં.
તા. 29મી સપ્ટેમ્બરે ભારતીય સેનાએ દાવો કર્યો કે તેના કમાન્ડોઝે નિયંત્રણરેખા પાર કરીને પાકિસ્તાનપ્રશાસિત કાશ્મીરમાં સૈન્ય અભિયાન ધર્યું હતું.
જેમાં ભારતમાં પ્રવેશવાની તૈયારી કરી રહેલા 40 જેટલા 'જૈશ-એ-મોહમ્મદ', 'લશ્કર-એ-તોઇબા' તથા 'હિઝબુલ મુજાહિદ્દીન'ના ઉગ્રવાદીઓ માર્યા ગયા હતા.
પાકિસ્તાને કથિત સાઇટ્સ ઉપર વિદેશી મીડિયાને લઈ જઈને ભારતનો દાવો પોકળ હોવાની વાત કહી.
લગભગ આવાં જ દૃશ્યોનું પુનરાવર્તન 2019માં થયું.
તા 14મી ફેબ્રુઆરીએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફૉર્સના કાફલા ઉપર પુલવામામાં આત્મઘાતી હુમલો થયો. જેમાં 44 જેટલા જવાનોનાં મૃત્યુ થયાં.
આને કારણે સમગ્ર દેશમાં આક્રોશ ફાટી નીકળ્યો. લોકસભા ચૂંટણી માથે ઝળૂંબી રહી હોવાથી મોદી પર કંઈક કરવાનું દબાણ હતું.
તા. 26મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનની સેનાએ દાવો કર્યો કે 'ભારતનાં વિમાનોએ સરહદ પાર કરીને બાલાકોટમાં બૉમ્બમારો કર્યો, જેમાં માત્ર અમુક ઝાડને નુકસાન થયું. પાકિસ્તાની વાયુદળે પગેરું દાબતાં ભારતીય વિમાનો નાસી છૂટ્યાં.'
ભારતે દાવો કર્યો હતો કે તેણે એલઓસી પાર નહોતી કરી અને વિશિષ્ટ બૉમ્બની મદદથી દૂર જ નિશાન સાધ્યું હતું.
બીજા દિવસે ભારત અને પાકિસ્તાનના વાયુદળનાં વિમાનો વચ્ચે અથડામણ થઈ, જેમાં ભારતનું એક મિગ વિમાન પાકિસ્તાનના વાયુદળે તોડી પાડ્યું અને તેના પાઇલટને કબજે લીધા.
ભારતીય વાયુદળનું કહેવું છે કે તેણે પાકિસ્તાનનું એફ-16 વિમાન તોડી પાડ્યું છે અને તેના 'ઇલેક્ટ્રૉનિક પુરાવા' છે.
આ ઘટનાઓમાં દેખીતા નક્કર પુરાવા વગર 'ઘરમાં ઘૂસીને મારવા'ની સુરક્ષાનીતિ એક વર્ગને ખુશ કરનારી હતી. કૉંગ્રેસના એક નેતાએ સ્વીકાર્યું હતું કે જો બાલાકોટ ન થયું હોત, તો કદાચ ચૂંટણીનું પરિણામ અલગ જ હોત.
બોડો કરાર, બ્રૂ કરાર, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફની નિમણૂક તથા મંત્રાલયમાં સૈન્ય અધિકારીઓને મોદી સરકારની સિદ્ધિ તરીકે જોવામાં આવે છે.
આ દરમિયાન રફાલ વિમાનમાં ભ્રષ્ટાચાર મુદ્દે વ્યાપક ચર્ચા થઈ. 'ચોકીદાર (મોદી) ચોર હૈ'ના આરોપ લાગ્યા. અંતે સુપ્રીમ કોર્ટે આ સોદામાં ભ્રષ્ટાચાર ન થયો હોવાનો ચુકાદો આપ્યો.
લઘુમતી હક માટે કામ કરતા કાર્યકર્તાઓનો આરોપ છે કે વર્ષ 2014માં કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકાર બની, તે પછી હિંદુઓમાં કટ્ટરવાદી તત્ત્વો સક્રિય બન્યાં છે. ગૌમાંસ, લવજેહાદ જેવા બહાને મુસ્લિમ યુવાનોની કનડગત થતી રહે છે.
ટ્રિપલ તલાક બિલની જોગવાઈઓ હેઠળ મુસ્લિમ પુરુષ તેમનાં પત્નીને એસએમએસ, વૉટ્સઍપ, વીડિયો કૉલ, કે અન્ય કોઈ માધ્યમથી તત્કાળ ટ્રિપલ તલાક આપી નહીં શકે અને તેનું પાલન નહીં કરનારા સામે ફોજદારી કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેને અતિરેક માનવામાં આવે છે.
ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિતના ભાજપશાસિત રાજ્યો દ્વારા આંતરધર્મીય લગ્નવિરોધી કાયદા પસાર કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારનો દાવો છે કે તે 'ધર્મનિરપેક્ષ' છે, છતાં માનવઅધિકાર કાર્યકર્તાઓનું માનવું છે કે તેમાં મુસ્લિમ યુવકોને 'ટાર્ગેટ' કરવા તેનો ઉપયોગ થઈ શકે છે.
મોદી સરકાર દ્વારા હિંદુઓનું તુષ્ટિકરણ થતું હોવાના આરોપ જાન્યુઆરી-2019માં સિટીઝનશિપ ઍમેન્ટમૅન્ટ ઍક્ટને કારણે વધુ લાગે છે. જેમાં પાડોશી રાષ્ટ્રોમાં (પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન) ધર્મના આધારે ભેદભાવનો ભોગ બનનાર હિંદુ, જૈન, શીખ, બૌદ્ધ, પારસી તથા ખ્રિસ્તીને ભારતનું નાગરિકત્વ મળી શકે છે.
આ જોગવાઈઓમાંથી મુસ્લિમોને બાકાત રાખવામાં આવ્યા છે.
બિલના ટીકાકારોનું કહેવું છે કે આ બિલની જોગવાઈઓ દેખીતી રીતે જ મુસ્લિમવિરોધી છે. સામે પક્ષે સરકારનું કહેવું છે કે 'ઘોષિત ઇસ્લામિક રાષ્ટ્રો'માં મુસ્લિમોની પ્રતાડના ન થાય, તે માટે તેમનો સમાવેશ કરવામાં નથી આવ્યો.
સરકારે CABનું બીજું પગલું નૅશનલ પૉપ્યુલેશન રજિસ્ટર હોવાની વાત કહી હતી. આથી, દેશભરમાં મુસ્લિમોએ તેની સામે વિરોધ નોંધાવ્યો હતો અને કાર્યક્રમો આપ્યા હતા. જોકે, જે કાર્યક્રમે દેશ-વિદેશના મીડિયાનું ધ્યાન ખેંચ્યું, તે નવી દિલ્હીના શાહિનબાગ ખાતેનું આંદોલન હતું. જે સંપૂર્ણપણે મહિલાઓ દ્વારા સંચાલિત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
તા. 15મી ડિસેમ્બર 2019થી તે ચાલુ થયું હતું અને સરકારના અનેક પ્રયાસો છતાં તે યથાવત્ રહેવા પામ્યું હતું. દેશભરમાં કોરોનાના કારણે લાગુ થયેલા લૉકડાઉન બાદ આંદોલન વિખેરાઈ ગયું હતું અને દિલ્હી પોલીસે આંદોલનસ્થળને ધ્વસ્ત કરી નાખ્યું હતું.
નવી દિલ્હીમાં નિઝામુદ્દીન ખાતે તબલીઘી જમાતના કાર્યક્રમને કારણે દેશભરમાં કોરોનાવાઇરસ ફેલાયો હોવાના આરોપ સોશિયલ મીડિયા તથા મેઇનસ્ટ્રિમ મીડિયા દ્વારા મૂકવામાં આવ્યા. આ ચર્ચા એપ્રિલ-2020 દરમિયાન થતી રહી.
એક વર્ષ બાદ એપ્રિલ-2021માં હરિદ્વાર ખાતે કુંભમેળાનું આયોજન કરવામાં આવ્યું. હિંદુઓના આ ધાર્મિક મેળાવડામાં દેશભરમાંથી લોકો ઊમટી પડ્યા હતા. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવી કોરોના સંબંધિત માર્ગદર્શિકાનો છડેચોક ભંગ થયો હતો.
અનેક દિવસોના મૌન બાદ મેઇન સ્ટ્રીમ મીડિયાએ તેને 'સુપરસ્પ્રેડર ઇવેન્ટ' કહી હતી.
આ પહેલાં વિદેશીમીડિયાએ તેની ઉપર ચિંતા પ્રગટ કરતા અહેવાલ આપ્યા હતા.
મે-2014માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સત્તાનાં સૂત્ર સંભાળ્યાં. ત્યારે તેમણે ' SARRC' દેશોના શાસકોને શપથવિધિમાં હાજર રહેવાનું આમંત્રણ પાઠવ્યું. તેમના આ પગલાંને કૂટનીતિન પાકટતાનો નમૂનો માનવામાં આવ્યો.
અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂટાન, માલદીવ, નેપાળ અને શ્રીલંકાના સર્વોચ્ચ નેતા (કે પ્રતિનિધિઓ) હાજર રહ્યા. જોકે, જે મહેમાને સૌથી વધુ ચર્ચા જગાવી, તે હતા પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફ.
તેમણે ભારતના આમંત્રણનો સ્વીકાર કર્યો અને ઉત્સાહભેર કાર્યક્રમમાં હાજરી આપી અને શુભકામનાઓ પાઠવી.
ડિસેમ્બર-2015માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અફઘાનિસ્તાનથી પરત ફરતી વેળાએ અચાનક જ પાકિસ્તાન પહોંચી ગયા. અને નવાઝ શરીફના પરિવારના એક પ્રસંગમાં હાજરી આપી.
એવું માનવામાં આવતું હતું કે પાડોશી દેશો વચ્ચે વર્ષોથી થીજી ગયેલા સંબંધ આ ઉષ્માને કારણે પીઘળી જશે. પરંતુ એ પછી પઠાણકોટ, ઉરી અને પુલવામાને કારણે બંને દેશોના સંબંધ ફરી સ્થગિત થઈ ગયા છે.
બંને દેશો વચ્ચે સીમા ઉપર શાંતિ માટે 2003ના સંઘર્ષવિરામના કરારનું અક્ષરશઃ પાલન કરવાનું નક્કી થયું. પરંતુ મોટાભાગના પ્રયાસો ખાસ અસર ઊભી નથી કરી શક્યા. હજુ પણ બંને દેશો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ પ્રવર્તે છે.
ભારત આ સ્થિતિ માટે પાકિસ્તાનસ્થિત ઉગ્રપંથી સંગઠનો તથા પોતાની જમીન ઉપર તેમની હિંસકપ્રવૃત્તિઓને જવાબદાર ઠેરવે છે.
સપ્ટેમ્બર-2014માં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ તેમનાં પત્ની સાથે ભારત આવ્યાં હતાં. નવા-નવા વડા પ્રધાન બનેલા મોદી તેમને પોતાના હૉમસ્ટેટ ગુજરાત લઈ આવ્યા હતા તથા અમદાવાદમાં સાબરમતી નદીના કિનારે મહેમાનો સાથે ઝૂલે ઝુલ્યાં.
અનેક પ્રયાસો છતાં ચીન સાથેની વેપારખાધમાં નિશ્ચયાત્મક ઘટાડો નથી જોવા મળ્યો. થાઇલૅન્ડ, કંબોડિયા, મલેશિયા અને હૉંગકૉંગ જેવા માર્ગેથી માલની આવક ચાલુ જ રહેવા પામી. જોકે, બંને દેશના સંબંધને ગત વર્ષે મે મહિનામાં ચીનના સૈનિકોએ કથિત રીતે લાઇન ઑફ કંટ્રોલ પાર કરીને ભારતીય વિસ્તારો ઉપર કબજો કરી લીધો.
જૂન-2020માં ભારત તથા ચીનના સૈનિકો છેલ્લા લગભગ ચાર દાયકા કરતાં વધુ સમયની સૌથી મોટી અથડામણ ગલવાન ઘાટી ખાતે થઈ, જેમાં ભારતના પક્ષે 20 સૈનિકોની ખુંવારી થઈ. ચીન દ્વારા નુકસાનનો ઔપચારિક આંકડો જાહેર કરવામાં નથી આવ્યો, પરંતુ તેના પક્ષે પણ મૃત્યુ થયાં હોવાનું સ્વીકાર્યું છે.
મે-2021માં ફરી એક વખત ગલવાન ખાટી ખાતે અથડામણ થઈ હતી, પરંતુ તે 'નાની અને સામાન્ય' હોવાનું જણાવવામાં આવ્યું.
મે-2020 પછી ભારતે ચીનથી આયાત ઘટાડવાના, દવાઓની બાબતમાં સ્વાવલંબી બનવાની દિશામાં, ચાઇનીઝ મોબાઇલ ઍપ્લિકેશન્સ ઉપર પ્રતિબંધ તથા 5જી ટ્રાયલમાં ચીનની કંપનીને સામેલ નહીં કરવા જેવાં પગલાં લીધા છે.
મોદી સરકારે અમેરિકાની ચૂંટણી દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર વધુ પડતો મદાર રાખ્યો અને પ્રતિસ્પર્ધી એવા જો બાઇડનની ઉપેક્ષા સેવી, જેનું નુકસાન થઈ શકે છે એવા આરોપ વિદેશીનીતિના જાણકારો મૂકે છે. જેનું નુકસાન 'નિર્ણાયક સમયે' ભારતે ભોગવવું પડી શકે છે, એવી આશંકા સેવાઈ છે.
આ સિવાય મોદી સરકારની 'મૅઇક ઇન ઇન્ડિયા', 'ડિજિટલ ઇન્ડિયા', 'સ્ટાર્ટ-અપ ઇન્ડિયા, સ્ટૅન્ડ-અપ ઇન્ડિયા'. 'સ્કિલ ઇન્ડિયા' જેવી અનેક યોજનાઓ જેટલા ઉત્સાહથી લૉન્ચ કરવામાં આવી છે. પરંતુ તેની નક્કર ફલશ્રુતિ ન હોવાનું ટીકાકારોનું માનવું છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો