ચિપકો આંદોલનના નેતા, પર્યાવરણવિદ સુંદરલાલ બહુગુણાનુ કોરોનાથી નિધન
દહેરાદૂનઃ દેશના જાણીતા પર્યાવરણ વિદ સુંદરલાલ બહુગુણાનુ નિધન થઈ ગયુ છે. તેઓ 94 વર્ષના હતા. ચિપકો આંદોલનના નેતા રહેલા સુંદરલાલ બહુગુણા કોરોનાથી સંક્રમિત થઈ ગયા હતા. કોરોના થયા બાદ તેમને ઋષિકેશના અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા(એઈમ્સ)માં ભરતી કરવામાં આવ્યા હતા. એઈમ્સ પ્રશાસન તરફથી આપવામાં આવેલી માહિતી મુજબ શુક્રવારે બપોરે લગભગ 12 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા.
સુંદરલાલ બહુગુણાને કોરોના થઈ જતા તેમને આઠ મેના રોજ એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા હતા. ડાયાબિટીઝની સાથે તે કોવિડ ન્યૂમોનિયાથી પીડિત હતા. અહીં તેમનુ ઑક્સિજન સેચ્યુરેશન 86 ટકા પર આવી ગયુ હતુ. ગુરુવારે એઈમ્સના જનસંપર્ક અધિકારી હરીશ થપલિયાલે જણાવ્યુ હતુ કે ડૉક્ટરોની ટીમ તેમનો ઈલેક્ટ્રોલાઈટ્સ અને લીવર ફંક્શન ટેસ્ટ સહિત બ્લડ શુગરની તપાસ કરવામાં આવી રહી છે. ગુરુવારે એઈમ્સ તરફથી તેમની હાલત સ્થિર હોવાની વાત કહેવામાં આવી હતી. પરંતુ શુક્રવારે તેમની તબિયત બગડી ગઈ અને તેમને બચાવી શકાયા નહિ.
સુંદરલાલ બહુગુણાએ ઉત્તરાખંડમાં પર્યાવરણ સાથે જોડાયેલા ઘણા મુદ્દાઓ પર આંદોલન કર્યા હતા. ખાસ કરીને ચિપકો આંદોલન માટે તેમને દુનિયાભરમાં નામના મળી હતી. ઉત્તરાખંડના ટિહરીમાં જન્મેલા સુંદરલાલ બહુગુણાએ 60ના દાયકામાં વન અને વૃક્ષોને બચાવવા માટે આંદોલન શરૂ કર્યુ હતુ. ગઢવાલ હિમાલયમાં વૃક્ષો કાપતા બચાવવા માટે 1974માં ચમોલી જિલ્લામાં મહિલાઓએ વૃક્ષો સાથે ચિપકીને વિરોધ કર્યો હતો. બહુગુણા આ આંદોલન બાદ ખૂબ જાણીતા થઈ ગયા હતા.
સુંદરલાલ બહુગુણાએ 80ના દશકમાં ઈન્દિરા ગાંધીને આગ્રહ કરીને 15 વર્ષો સુધી વૃક્ષો કાપવા પર રોક પણ લગાવડાવી હતી. બહુગુણાએ ટિહરી બાંધના વિરોધમાં પણ જોરદાર આંદોલન ચલાવ્યુ હતુ. સુંદરલાલ બહુગુણાએ હિમાલયની યાત્રા પણ કરી હતી અને ઘણી વાર પર્યાવરણ મુદ્દે ભૂખ હડતાળ પણ કરી હતી.