7 મી ફેબ્રુઆરી, 2021 ના ​​રોજ સવારે 10.30 વાગ્યે રેહના બીબીએ તેમના પતિ અનસ શેખને ફોન કર્યો પણ લાગ્યો નહિ ત્યારે તેમને ખાસ ચિંતા નહોતી. બેએક કલાક પહેલા જ તેઓ બંનેની વાત થઈ હતી. રેહાના કહે છે, "તેમના (અનસના) દાદી તે દિવસે સવારે મૃત્યુ પામ્યા હતા." અને એ સમાચાર આપવા રેહનાએ સવારે  9 વાગ્યે તેમના પતિને ફોન કર્યો હતો.

પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના ભાગબનપુર ગામમાં એક ઓરડીની ઝૂંપડીની બહાર બેઠેલા  33 વર્ષના  રેહના કહે છે, “તેઓ  અંતિમવિધિ માટે અહીં આવી  શકે તેમ ન હતું. તેથી તેમણે મને દફન સમયે વિડિઓ કોલ કરવા કહ્યું." અનસ 1700 કિલોમીટરથી વધુ દૂર - ઉત્તરાખંડના ગઢવાલ પર્વતોમાં - હતા. જ્યારે રેહનાએ તેમને બીજી વખત ફોન કર્યો, ત્યારે કોલ  લાગ્યો જ નહિ.

તે દિવસે રેહનાના બે ફોન કોલ્સ વચ્ચે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આફત સર્જાઈ હતી. નંદા દેવી ગ્લેશિયર (હિમનદી) નો એક ભાગ તૂટી પડ્યો હતો અને તેને કારણે અલકનંદા, ધૌલી ગંગા અને ઋષિ ગંગા નદીઓમાં ભારે પૂરની શરૂઆત થઈ ગઈ  હતી. ભારે પૂરના કારણે નદી કાંઠાનાં ઘરો પાણીમાં વહી ગયા હતા અને આ ક્ષેત્રના હાઇડ્રોપાવર પ્લાન્ટ  (જળવિદ્યુત પરિયોજના) માં કામ કરતા શ્રમિકો સહિત ઘણા લોકો ફસાયેલા હતા.

અનાસ તેમાંના એક હતા. પણ રેહનાને કંઈ ખ્યાલ જ નહોતો. તેમણે તેમના પતિને ઘણી વાર ફોન કરવાનો પ્રયાસ કર્યો. તેમને ચિંતા થવા માંડી અને થોડી વારમાં તો તેમની  ચિંતાનું સ્થાન ગભરાટે લીધું. તેઓ આંખમાં આંસુ સાથે કહે છે, "હું વારંવાર ફોન કરતી રહી. બીજું શું કરવું એની મને કંઈ ખબર નહોતી પડતી."

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

ડાબે: રેહના બીબી હાથમાં તેમના પતિ અનસ શેખના ફોટા સાથે, જે ચમોલી દુર્ઘટના પછી લાપતા  છે. જમણે: અકરમ  શેખ કિન્નૌરમાં લાઇનમેન તરીકે કામ કરે છે

ચમોલીથી આશરે 700 કિલોમીટર દૂર હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં અનસના નાના ભાઈ અકરમે ટીવી પર સમાચાર જોયા. તેઓ કહે છે, “પૂરનું સ્થળ મારા ભાઈ કામ કરતા હતા ત્યાંથી ખાસ  દૂર નહોતું. મને ખરાબમાં ખરાબ બન્યું હોવાની આશંકા સતાવવા લાગી."

બીજા દિવસે 26 વર્ષના અકરમ કિન્નૌર જિલ્લાના ટપરી ગામથી બસ પકડી  રૈની (રૈની ચાક લતા ગામ નજીક) જવા રવાના થયા,અનસ કામ કરતા  હતા તે ઋષિ ગંગા હાઇડલ પ્રોજેક્ટ સ્થળ ચમોલીમાં  રૈની ખાતે જ છે . નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (રાષ્ટ્રીય હોનારત રાહત દળના સભ્યો) બચી ગયેલા લોકોની શોધ કરી રહ્યા હતા . “હું કોઈ એક વ્યક્તિને મળ્યો જે મારા ભાઈ સાથે કામ કરતા હતા. 57 ના જૂથમાંથી તેઓ એકલા જ બચ્યા હતા. બાકીના બધા વહી ગયા હતા."

અકરમે  ચમોલીથી રેહનાને ફોન કર્યો, પરંતુ રેહનાને આ સમાચાર આપવાની તેમની હિંમત ન થઈ શકી. તેઓ કહે છે, “મારે અનસના આધારકાર્ડની નકલની જરૂર હતી, તેથી મેં રેહનાને તે મોકલવાનું કહ્યું. તેઓ (રેહના) તરત જ સમજી ગયા કે મારે શા માટે તેની જરૂર હતી. મારે પોલીસને મારા ભાઇ વિશે જાણ કરવાની હતી, જો કદાચ તેમનો મૃતદેહ મળી આવે  તો...."

35 વર્ષના અનસ ઋષિ ગંગા પાવર પ્રોજેક્ટની હાઇ-વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન પર લાઇનમેન તરીકે કામ કરતા હતા. તેઓ મહિને  22000 રુપિયા કમાતા. માલદાના કાલીયાચક -ત્રીજા બ્લોકના તેમના ગામના મોટાભાગના માણસોની જેમ તેઓ  પણ 20 વર્ષના હતા ત્યારથી કામ માટે સ્થળાંતર કરી રહ્યા હતા, દર વર્ષે ફક્ત થોડા દિવસો માટે જ ઘેર પાછા ફરતા હતા .  લાપતા થયા પહેલા  તેઓ  13 મહિનામાં ફક્ત એક જ વાર ભાગબનપુર આવ્યા  હતા.

PHOTO • Parth M.N.

રેહના નોકરી કરીને પોતાના બાળકોના શિક્ષણમાં  મદદ કરવા માગે છે

ભાગબનપુરના માણસો ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના પાવર પ્રોજેક્ટ્સમાં કામ કરવા વર્ષોથી સ્થળાંતર કરી રહ્યા છે. 53 વર્ષના અખિમુદ્દીન લગભગ 25 વર્ષ પહેલાં પહેલી વાર લાઇનમેન તરીકે કામ કરવા માટે ગયા હતા. તેઓ કહે છે, “હું હિમાચલ પ્રદેશમાં હતો. મેં કામ શરુ કર્યું ત્યારે મને દિવસના  2.50 રુપિયા મળતા. અમે શક્ય તેટલું કમાવાનો પ્રયત્ન કરીએ, થોડાઘણા પૈસા પાસે રાખીએ અને બાકીના ઘેર મોકલીએ  જેથી કુટુંબ નભી  શકે." તેમની પેઢીના શ્રમિકો દ્વારા ગઠિત  નેટવર્કથી અનાસ અને અકરમ માટે તેમના પગલે ચાલવું સરળ બન્યું.

પરંતુ તેમની નોકરી જોખમથી ભરેલી છે. અકરમે તેના ઘણા સાથીદારોને ઇલેક્ટ્રિક આંચકાથી મૃત્યુ પામતા અથવા ઇજાગ્રસ્ત થતા જોયા છે. “તે ખતરનાક છે. અમને મામૂલી રક્ષણ મળે છે. કોઈ પણ સમયે કંઈ પણ થઈ શકે છે. " દાખલા તરીકે, તેમના ભાઈને તાણી ગઈ એવી કુદરતી આફતો (અનાસ હજી લાપતા  છે; તેનો મૃતદેહ મળ્યો નથી). “પરંતુ અમારી પાસે બીજો કોઈ રસ્તો ય નથી. જીવવા માટે અમારે  કમાવવું પડશે. માલદામાં કોઈ કામ નથી. અમારે અહીંથી સ્થળાંતર કરવું જ પડશે. ”

માલદા  દેશના સૌથી ગરીબ જિલ્લાઓમાંથી એક છે. તેની ગ્રામીણ વસ્તીનો મોટો વર્ગ ભૂમિહીન છે અને વેતન પર આધારિત છે. માલદાના વરિષ્ઠ પત્રકાર સુભ્રો મૈત્રા  કહે છે, "જિલ્લામાં રોજગારનું મુખ્ય સાધન ખેતી છે. પરંતુ લોકો પાસે  મોટાભાગે નાના અને સીમાંત જમીનના ટુકડા હોય છે. તેમાંથી મોટા ભાગની જમીનો વારંવાર આવતા  પૂરમાં ડૂબી જાય છે. ખેડૂતો તેમજ ખેતમજૂરો માટે આ અસહ્ય  છે." તેઓ ઉમેરે છે કે જિલ્લામાં કોઈ ઉદ્યોગ નથી અને તેથી અહીંના લોકો રાજ્યની બહાર કામ કરવા જાય છે.

પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા 2007 માં પ્રકાશિત ડિસ્ટ્રીકટ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ ( જિલ્લા માનવ વિકાસ અહેવાલ): માલદા , શ્રમિકોના સ્થળાંતરના કારણો પર પ્રકાશ પાડે છે . અહેવાલમાં જણાવાયું છે કે જળ સંસાધનોનું અસમાન  વિતરણ અને પ્રતિકૂળ કૃષિ-આબોહવાની પરિસ્થિતિઓ જિલ્લામાં ખેતમજૂરી  પર વિપરીત અસર કરે છે. અહેવાલ નોંધે છે કે ધીમી ગતિએ થતું શહેરીકરણ, ઔદ્યોગિક પ્રવૃત્તિનો અભાવ અને ગ્રામીણ વિસ્તારોમાં મોસમી કામની તંગીને  કારણે  વેતનનું સ્તર ઘટ્યું છે, જેના કારણે છેવાડાના શ્રમિકો કામની શોધમાં દૂર દૂર જવા મજબૂર થયા છે.

એપ્રિલના પહેલા અઠવાડિયામાં દેશમાં કોવિડ -19 કેસોમાં ઉછાળો થયો  હોવા છતાં  37 વર્ષના નીરજ મંડોલ સારી તકોની શોધમાં માલદા છોડી દિલ્હી જવા રવાના થયા. તેઓ  પોતાના  પત્ની અને બે કિશોર બાળકોને માલદાના માણિકચક બ્લોકમાં ભુતની  ડાયરા (નદી કિનારાના ટાપુ) માં ઘેર  મૂકીને ગયા હતા. તેઓ કહે છે, "બસ એક માસ્ક પહેરી લો  અને અગાઉની તકલીફો ભૂલીને આગળ વધો.  લોકડાઉન [2020]  પછીથી ભાગ્યે જ કોઈ કામ મળ્યું છે. સરકારે જે આપ્યું તેનાથી અમે નભાવ્યું  પરંતુ પાસે કોઈ રોકડ રકમ નહોતી. આમ પણ માલદામાં ખાસ કંઈ કામ મળતું નથી. ”

નીરજને માલદામાં દૈનિક વેતન રૂપે માત્ર 200 રુપિયા મળતા હતા જ્યારે દિલ્હીમાં તેઓ 500-550 રુપિયા કમાઈ શકતા હતા.  તેઓ કહે છે, "તમે વધારે  (પૈસા) બચાવી શકો છો અને ઘેર  મોકલી શકો છો. અલબત્ત મને મારા પરિવારની ખોટ સાલશે. કોઈ રાજીખુશીથી  ઘર છોડતું  નથી.”

PHOTO • Parth M.N.
PHOTO • Parth M.N.

ડાબે: નીરજ મોંડલ દિલ્હી જતી  ટ્રેનમાં ચડવાની રાહ જોઈ રહ્યા છે. જમણે: ગુલનુર બીબી કહે છે કે તેમના પતિને માલદા શહેરમાં ઘણી વાર કામ મળતું નથી

પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીને  થોડા જ દિવસો બાકી છે, પરંતુ નીરજને મત આપવાની તક ગુમાવવાનો રંજ  નથી. તેઓ કહે છે, "વાસ્તવિક પરિસ્થિતિમાં કંઈ જ બદલાતું નથી. જ્યારથી મને યાદ છે ત્યારથી અમારા ગામડાના લોકો હંમેશા (કામની શોધમાં) સ્થળાંતર કરતા આવ્યા છે. તે રોકવા અને રોજગાર પેદા કરવા માટે શું કરવામાં આવ્યું? માલદામાં કામ કરતા લોકોના પરિવારો માંડ માંડ ગુજરાન ચલાવી શકે  છે.”

ગુલનુર બીબીના પતિને આનો પૂરેપૂરો ખ્યાલ છે. લગભગ 17400 લોકો (વસ્તી ગણતરી 2011) ની વસ્તી ધરાવતા ભાગબનપુર ગામમાં 35 વર્ષના નિજમિલ શેખ ગામ છોડીને સ્થળાંતર ન કર્યું હોય તેવા ગણ્યાગાંઠ્યા લોકોમાંના એક છે. ગામમાં પરિવારની પાંચ એકર જમીન છે, પરંતુ નિજમિલ લગભગ 30 કિલોમીટર દૂર માલદા શહેરમાં બાંધકામના સ્થળોએ કામ કરે છે. 30 વર્ષના ગુલનાર કહે છે, “તેઓ દિવસના 200-250 રુપિયા કમાય છે, પરંતુ નિયમિત કામ  મળતું નથી. તેઓ ઘણી વાર ખાલી હાથે  ઘેર પાછા ફરે છે.

તાજેતરમાં ગુલનુરની શસ્ત્રક્રિયા પાછળ તેમને 35000 રુપિયાનો ખર્ચ કરવો પડ્યો. તેઓ કહે છે, "તે માટે અમે અમારી થોડી જમીન વેચી દીધી. જો અચાનક કંઈ થાય તો અમારી પાસે પૈસા નથી. અમે બાળકોને ભણાવીશું શી રીતે?” ગુલનુર અને નિજમિલને 6 થી 16 વર્ષની વયના 5 બાળકો - ત્રણ દીકરીઓ અને  બે દીકરા -  છે.

અનસ લાપતા થયા ત્યાં સુધી રેહનાને તેના બાળકોના શિક્ષણની ચિંતા કરવાની જરૂર નહોતી. તેમની પુત્રી નસરીબા અને પુત્ર નસીબ, અનુક્રમે 16 અને 15 વર્ષ, તેમના પિતાએ ઘેર પૈસા મોકલેલા પૈસાથી અભ્યાસ કરી શકતા હતા. રેહના કહે છે, “તેઓ (અનસ) પોતાના માટે ભાગ્યે જ કંઈ રાખતા. તેમણે દૈનિક વેતન પર કામ કરવાથી  શરૂઆત કરી હતી, પરંતુ તાજેતરમાં જ તેઓ કાયમી થયા હતા. અમને તેમના પર ખૂબ ગર્વ હતો. "

રેહના કહે છે ચમોલી દુર્ઘટનાને  બે મહિનાથી વધારે સમય વીતી ગયો  છે, પરંતુ અનસ લાપતા થયાની વાત હજી સ્વીકારી શકાતી નથી. પરિવારને તેમના ભવિષ્ય વિશે વિચારવાનો સમય મળ્યો નથી. અત્યાર સુધી ઘર સાંભાળતા રેહના કહે છે કે તેઓ  ગામમાં આંગણવાડી અથવા આરોગ્યસંભાળ કાર્યકર બની શકે છે. તે જાણે છે કે તેમને નોકરી કરવી પડશે અને તાલીમ લેવી પડશે. તેઓ કહે છે, “હું નથી ઇચ્છતી કે મારા બાળકોના અભ્યાસમાં અવરોધ આવે. તે ચાલુ રાખવા માટે જે કંઈ કરવું પડે તે હું કરીશ."

અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક

Maitreyi Yajnik is associated with All India Radio External Department Gujarati Section as a Casual News Reader/Translator. She is also associated with SPARROW (Sound and Picture Archives for Research on Women) as a Project Co-ordinator.

Parth M.N.

Parth M.N. is a 2017 PARI Fellow and an independent journalist reporting for various news websites. He loves cricket and travelling.

Other stories by Parth M.N.