દેશમાં કોરોના વાયરસના દૈનિક મામલામાં સતત ઘટાડો આવી રહ્યો છે છતાં પણ મૃત્યુદરમાં હજી ઘટાડો નથી આવ્યો. બુધવારે જાહેર આંકડાઓ મુજબ પાછલા 24 કલાકમાં ભારતમાં કોરોનાવાયરસના કારણે 4529 લોકો મૃત્યુ પામ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કર્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે પાછલા એક દિવસમાં કોરોનાવાયરસના 267334 નવા મામલા મળ્યા છે, જ્યારે 389851 દર્દી સાજા થયા છે. નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોનાવાયરસના કુલ કેસ 2,54,96,330 અને રિકવર થનાર દર્દીઓની સંખ્યા 2,19,86,363 થઈ ગઈ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશમાં સાજા થનાર દર્દીઓની સંખ્યા વધવાથી કોરોનાવાયરસના એક્ટિવ કેસ ઘટીને 32,26,719 થઈ ગયા છે. આ ઉપરાંત કોરોનાવાયરસના કારણે અત્યાર સુધીમાં કુલ 2,83,248 લોકોના મોત થઈ ચૂક્યાં છે. કોરોનાવાયરસ સામે દેશમાં રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને વેક્સીનેશનના કુલ 18 કરોડ 58 લાખ 09 હજાર 302 ડોઝ આપવામાં આવ્યા છે.
કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ 85.6 ટકા થયો
અગાઉ મંગળવારે સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓએ પ્રેસ કોન્ફ્રેન્સ કરતાં જણાવ્યું હતું કે દેશમાં કોરોનાવાયરસના દર્દીઓનો રિકવરી રેટ વધ્યો છે. સંયુક્ત સ્વાસ્થ્ય સચિવ લવ અગ્રવાલ મુજબ 3 મેના રોજ દેશમાં કોરોનાવાયરસના દર્દીઓનો રિકવરી રેટ 81.7 ટકા હતો, જે હવે વધીને 85.6 ટકા થઈ ગયો છે. સોમવારે કોરોનાવાયરસના સાજા થનાર દર્દીઓની સંખ્યા 4 લાખ 22 હજાર 436 હતી જે અત્યાર સુધીની સૌથી વધુ સંખ્યા છે. પાછલા 3 અઠવાડિયા દરમિયાન દેશના 199 જિલ્લામાં કોરોનાવાયરસના મામલામાં સતત ઘટાડો આવ્યો છે.