પ્લાઝમા થેરેપી કોરોના દરદી માટે ઉપયોગી હોવાની સાબિતી નહીં - ICMR

By BBC News ગુજરાતી
|

ભારતમાં કોરોનાની સારવારમાં અત્યાર સુધી વપરાતી પ્લાઝમા થેરેપીનો ઉપયોગ હવે બંધ કરવામાં આવી રહ્યો છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચે મોડી રાતે કોરોના સારવારની ગાઇડલાઇનમાં ફેરફાર કર્યો છે.

આઈસીએમઆરનું કહેવું છે કે, કોરોના સારવારમાં પ્લાઝમા થેરેપીથી દરદીઓની હાલતમાં સુધાર અંગે કોઈ પુરાવા નથી મળ્યા.

આઈસીએમઆઈની નેશનલ ટાસ્ક ફોર્સ અને સ્વાસ્થ્ય મંત્રાલયના નિષ્ણાતો કોરોનાની સારવાર સાથેની ગાઇડલાઇનને સમયાંતરે અપડેટ કરતાં રહે છે.

જોકે, રજિસ્ટર્ડ ડૉક્ટરો માટે ટાસ્ક ફોર્સની ભલામણોનું પાલન કરવું અનિવાર્ય નથી.


ભારતમાં એક જ દિવસમાં સૌથી વધારે 4,329 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યાં

પાછલા 24 કલાકમાં ભારતમાં કોરોનાના 2,63,533 નવા કેસ સામે આવ્યા છે.

25 એપ્રિલ બાદ સતત બીજી વાર ત્રણ લાખથી ઓછા કેસ સામે આવ્યા છે. જોકે, છેલ્લા 24 કલાકમા મૃત્યુનો આંકડો અત્યાર સુધીનો સૌથી વધારે છે. છેલ્લા 24 કલાકમાં 4,329 લોકો કોરોનાથી મૃત્યુ પામ્યાં છે.

આ સાથે જ ભારતમાં કુલ કોરોના કેસની સંખ્યા 2,52,28,996 થઈ ગઈ છે. આમાં 33,53,765 ઍક્ટિવ કેસ છે. મૃતકોની કુલ સંખ્યા 2,78,719 થઈ ગઈ છે.

અત્યાર સુધી કુલ 2,15,96,512 લોકો સારવાર બાદ સાજા થયાં છે અને કુલ 18,44,53,149 લોકોને કોરોના વૅક્સિન આપવામાં આવી છે.

17 મેના રોજ 31,82,92,881 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યાં હતા.


મોદી સરકારની પેનલમાંથી વરિષ્ઠ વાયરોલૉજિસ્ટ ડૉક્ટરે આપ્યું રાજીનામું

કોરોના વાઇરસના અલગ અલગ વૅરિએન્ટની તપાસ માટે બનેલા વૈજ્ઞાનિક સલાહકારોના મંચ ઇન્ડિયન સાર્સ-સીઓવી-2 જિનોમિક્સ કંસોર્ટિયા (INSACOG)ના અધ્યક્ષપદેથી વરિષ્ઠ વાયરોલૉજિસ્ટ ડૉક્ટર શાહિદ જમીલે રાજીનામું આપી દીધું છે.

ડૉક્ટર જમીલે સમાચાર સંસ્થા રૉયટર્સ સામે પોતાના રાજીનામાની પુષ્ટિ કરી છે. જોકે, એમણે તેનું કારણ સ્પષ્ટ નથી કર્યું. એમણે કહ્યું કે, હું કારણ બતાવવા માટે બાધ્ય નથી.

જોકે, ડૉક્ટર જમીલે રૉયટર્સને કહ્યું કે, વિભિન્ન વિભાગો જે માટે એમની નીતિ બની છે એ રીતે સાક્ષ્યો પર ધ્યાન નથી આપી રહ્યાં.

INSACOGની દેખરેખ કરના બાયોટેકનૉલૉજી વિભાગનાં સચિવ રેણુ સ્વરૂપે આ રાજીનામા પર કોઈ ટિપ્પણી કરી નથી.

ઉલ્લેખનીય છે કે ડૉક્ટર જમીલે તાજેતરમાં જ ન્યૂયોર્ક ટાઇમ્સમાં એક લેખ લખ્યો હતો જેમાં તેમણે ભારતના કોવિડ મૅનેજમૅન્ટ પર કડક ટિપ્પણી કરી હતી.

એ લેખમાં એમણે ઓછાં ટેસ્ટિંગ, રસીકરણની ધીમી ગતિ અને રસીની અચત પર સવાલ ઉઠાવ્યાં હતા અને દેશમાં એક મોટાં હેલ્થકૅર વર્કફોર્સની જરૂરિયાત હોવા પર ભાર મૂક્યો હતો.

ઉલ્લેખનીય છે કે દેશમાં ડેટા એકત્રિકરણ કરવામાં અંતર હોવાને લઈને તેમણે કહ્યું હતું કે, 30 એપ્રિલે 800 ભારતીય વિજ્ઞાનીઓ વડા પ્રધાનને પત્ર લખી કહ્યું કે એમને ડેટા મળવો જોઈએ જેથી સંશોધન, ભવિષ્યવાણી અને વાઇરસને અટકાવવામાં મદદ મળી શકે.

INSACOGના એક સભ્યે ધ હિંદુ અખબારને કહ્યું કે, જમીલના રાજીનામાનું કારણ સરકારી દબાણ હોઈ શકે છે.



https://youtu.be/OCuB1p78HAg