કોલકત્તાઃ આખા દેશમાં કોરોનાની બીજી લહેર હાવી થઈ રહી છે. સ્થિતિ એ છે કે રોજના 3 લાખથી વધુ નવા કેસ આવી રહ્યા છે. વળી, લગભગ 4 હજાર મોત આ જાનલેવા વાયરસથી થઈ રહી છે. આ દરમિયાન રાજ્ય સરકારોએ સંક્રમણની ચેન તોડવા માટે કડક પ્રતિબંધો લગાવ્યા છે ત્યારબાદ હવે પશ્ચિમ બંગાળમાં આવેલ કોરોના કેસોમાં ઉછાળા બાદ મમતા સરકારે 16 મેથી 30 મે સુધી લૉકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં વધતા કોરોના કેસો વચ્ચે પશ્ચિમ બંગાળ સરકારે શનિવારે 16 મેથી 30 મે સુધી પૂર્ણ લૉકડાઉન લગાવવાની ઘોષણા કરી છે. કાલે સવાર(રવિવારે) સવારે છ વાગ્યાથી લૉકડાઉન લાગુ થઈ જશે. જો કે આ દરમિયાન જરૂરી સેવાઓ સિવાય બધુ બંધ રહેશે.
પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયે જણાવ્યુ કે મહામારીના કારણે બધી ખાનગી અને સરકારી ઑફિસો બંધ રહેશે. વળી, સ્કૂલો, કૉલેજ, ફેરી સેવાઓ, જિમ, થિયેટરો, સલુન, સ્વિમિંગ પુલ, લોકલ ટ્રેન, મેટ્રો અને આંતરરાજ્ય બસ-ટ્રેન સેવાઓ પણ બંધ રહેશે. જો કે શાકભાજી, ફળ, ફૂલ અને દૂધ-બ્રેડ જેવી જરૂરી વસ્તુઓનુ વેચાણ કરનારા સવારે 7-10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.
જાણો લૉકડાઉન દરમિયાન શું ખુલ્લુ રહેશે?
પશ્ચિમ બંગાળમાં 15 દિવસ માટે પૂર્ણ લૉકડાઉન દરમિયાન સવારે 7 વાગ્યાથી 10 વાગ્યા સુધી કરિયણાની દુકાનો ખુલ્લી રહેશે. આ સિવાય મિઠાઈ અને મીટની દુકાનો સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ખુલશે. ઈ-કૉમર્સ સુવિધા યથાવત રહેશે. વળી, એટીએમ અને બેંક 10 વાગ્યાથી 2 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. આ સિવાય મેડિકલ ઈમરજન્સી પર કોઈ પણ પ્રકારનો પ્રતિબંધ નહિ રહે.
કોરોના સંક્રમણ અને રસીકરણ માટે PM મોદીએ કરી ઉચ્ચ સ્તરીય બેઠક
તમને જણાવી દઈએ કે બંગાળમાં પણ દેશના ઘણા હિસ્સાઓની જેમ કોરોનાના કેસોમાં વધારો જોવા મળ્યો છે. આરોગ્ય વિભાગે પોતાના બુલેટિનમાં કહ્યુ કે શુક્રવારે બંગાળમાં 20,846 નવા કેસ નોંધવામાં આવ્યા છે. જે અત્યાર સુધીના સૌથી વધુ દૈનિક કેસો છે. બંગાળમાં કુલ 10,94,802 કેસ થઈ ગયા છે.