એક એપ્રિલે ગુજરાતના એક મુખ્ય અખબારના તંત્રીનાં પત્ની એક સરકારી હૉસ્પિટલમાં પોતાનાં પુત્રીનો કોવિડ ટેસ્ટ કરાવવા માટે ગયાં હતાં.
તેઓ વારો આવવાની રાહ જોતાં હતાં, તેમણે જોયું કે ત્યાં સ્ટ્રેચર પર બે મૃતદેહ રાખ્યા હતા.
ગાંધીનગરની એ હૉસ્પિટલના સ્ટાફે જણાવ્યું કે જેમનું મૃત્યુ થયું એ કોવિડના દર્દીઓ હતા.
માતા અને પુત્રી ઘરે આવ્યાં. ઘરે આવીને તેમણે પતિ રાજેશ પાઠકને જે જોયું એ જણાવ્યું હતું.
'સંદેશ' અખબારની સ્થાનિક આવૃત્તિના સંપાદક રાજેશ પાઠકે એ સાંજે પોતાના રિપોર્ટરને બોલાવ્યા અને નક્કી કર્યું કે આ મામલાની તપાસ કરાવશે.
https://www.youtube.com/watch?v=dcYxq32Oy70
રાજેશ પાઠક કહે છે, "ત્યાં સુધી ગુજરાત સરકારના નિવેદનમાં ગાંધીનગરમાં કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત થયું નહોતું."
એ દિવસે આખા ગુજરાતમાં કોરોનાને કારણે સત્તાવાર રીતે માત્ર નવ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
પછીના દિવસે અખબારના રિપોર્ટરની એક ટીમે રાજ્યનાં સાત શહેરોમાં કોરોના સંક્રમિત દર્દીઓની સારવાર કરી રહેલી હૉસ્પિટલોને ફોન કરવાના શરૂ કર્યા. આ સાત શહેર હતાં, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, ગાંધીનગર, જામનગર અને ભાવનગર.
આ ટીમ મૃતકોના આંકડાઓ પર નજર રાખવા લાગી. એ દિવસથી ગુજરાતનાં આ 98 વર્ષ જૂના અખબારે કોરોનાને કારણે રોજ મૃત્યુ પામતા લોકોનો આંકડો પ્રકાશિત કરવાનો શરૂ કર્યો.
'સંદેશ' અખબાર જે આંકડા આપતું હતું, એ સરકારી આંકડાઓથી અનેક ગણા વધારે હતા.
રાજેશ પાઠક કહે છે, "હૉસ્પિટલોમાં અમારાં સૂત્રો છે અને સરકારે અમારા એક પણ રિપોર્ટને હજુ સુધી ફગાવ્યો નથી. તેમ છતાં અમે સમાચારના મૂળમાં જઈને પુષ્ટિ કરીએ છીએ."
આથી અખબારે જૂની શૈલીના ગ્રાઉન્ડ રિપોર્ટિંગ પર અમલ કરવાનો નિર્ણય લીધો.
11 એપ્રિલની સાંજે અખબારના બે રિપોર્ટર અને એક ફોટોગ્રાફર અમદાવાદની 1200 બેડવાળી કોવિડ હૉસ્પિટલના મડદાંઘર તરફ આગળ વધ્યા. તેઓ ત્યાં 17 કલાક રહ્યા.
તેમણે જોયું કે મડદાંઘરથી બહાર નીકળવાના એકમાત્ર દરવાજાથી એ 17 કલાકમાં 69 મૃતદેહોને બહાર લવાયા. એ મૃતદેહોને ત્યાંથી ઍમ્બ્યુલન્સમાં લઈ જવાતા હતા.
પછીના દિવસે ગુજરાતે સત્તાવાર રીતે આખા રાજ્યમાં 55 લોકોનાં મોતનો આંકડો જાહેર કર્યો, જેમાં અમદાવાદના 20 લોકોનાં મોતની જાણકારી હતી.
16 એપ્રિલની રાતે આ પત્રકારો 150 કિલોમિટર ગાડી ચલાવીને અમદાવાદની આસપાસનાં 21 સ્મશાનો પર ગયા.
ત્યાં તેમણે અંતિમવિધિ માટે લાવેલા મૃતદેહોની સંખ્યાની તપાસ કરી, તેના માટે ત્યાંનાં રજિસ્ટર જોયાં, શબદાહ સ્થળો પરના કર્મચારીઓ સાથે વાત કરી. એ દસ્તાવેજો જોયા, જેમાં મોતના કારણનો ઉલ્લેખ હતો. તસવીરો લીધી અને વીડિયો રેકૉર્ડ કર્યા.
તેમણે નોંધ્યું કે મોટા ભાગના લોકોનાં મોતનું કારણ 'બીમારી' ગણાવ્યું હતું, જ્યારે તેમના મૃતદેહો 'ચુસ્ત પ્રોટોકૉલ'માં ત્યાં લવાયા હતા.
એ રાતે અંતિમ સુધી પત્રકારોની ટીમે 200 મૃતદેહ ગણ્યા. પણ પછીના દિવસે સરકારી આંકડાઓ પ્રમાણે અમદાવાદમાં માત્ર 25 લોકોનાં મોત થયાં હતાં.
'સંદેશ' અખબારના પત્રકારો આખા એપ્રિલ મહિનામાં સાત શહેરોમાં સખત મહેનતથી કોરોનાથી મરનારા લોકોના આંકડા એકઠા કરતા રહ્યા.
21 એપ્રિલે તેમણે 753 લોકોનાં મોતની જાણકારી આપી. ગુજરાતમાં એક દિવસમાં થનારાં મોતનો આ અત્યાર સુધીનો સૌથી મોટો રેકૉર્ડ હતો.
ત્યારબાદ તેમણે અનેક વાર 500થી વધુ લોકોનાં મૃત્યુની જાણકારી એકઠી કરી.
પાંચ મેના અખબારના રિપોર્ટ અનુસાર, વડોદરામાં 83 લોકોનાં મૃત્યુ થયાં, જ્યારે સરકારી આંકડાઓ માત્ર 13 લોકોનાં મૃત્યુ દર્શાવતાં હતાં.
મૃતકોની સંખ્યાને ઓછી કરીને દર્શાવ્યાના આરોપોનો ગુજરાત સરકાર ઇનકાર કરે છે.
તેમનું કહેવું છે કે તે કેન્દ્ર સરકારના દિશાનિર્દેશોનું પાલન કરી રહી છે. પણ અન્ય અખબારના રિપોર્ટો પણ મૃતકોની સંખ્યાને ઓછી કરીને દર્શાવવાના આરોપને સાચો ગણાવે છે.
ઉદાહરણ તરીકે, અંગ્રેજી અખબાર 'ધ હિન્દુ'એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે 16 એપ્રિલે ગુજરાતનાં સાત શહેરોમાં કોવિડ પ્રોટોકૉલ અનુસાર, 689 મૃતદેહો દાહસંસ્કાર કરાયા હતા, જ્યારે સરકારી આંકડાઓ અનુસાર, એ દિવસે આખા રાજ્યમાં કોરોનાને કારણે 94 લોકોનાં મોત થયાં હતાં.
કેટલાક વિશેષજ્ઞોનું અનુમાન છે કે ગુજરાતમાં છેલ્લા મહિનામાં કોરોનાને કારણે સત્તાવાર રીતે જેટલાં મોત દર્શાવાયાં છે, વાસ્તવિક આંકડાઓ તેનાથી દસ ગણા વધારે હોઈ શકે છે.
એક તરફ મહામારીને કારણે લોકો અંતિમસંસ્કારની પરંપરાઓને મજબૂરીમાં તોડી રહ્યા છે, બીજી તરફ અખબારોમાં મૃતકો માટે શોકસંદેશનું પૂર આવ્યું છે.
આવા જ કેટલાક શોકસંદેશમાં એ તરફ ઇશારો પણ કરાયો કે મરનારાઓની સંખ્યા ઓછી કરીને દર્શાવાઈ રહી છે.
સ્થાનિક અખબાર 'ગુજરાત સમાચાર'ના રિપોર્ટ અનુસાર, શનિવારે ભરૂચ જિલ્લાના સ્મશાનમાં જેટલા મૃતદહે સળગાવ્યા, એ મોતના સત્તાવાર આંકડા સાથે મેળ ખાતા નથી.
https://www.youtube.com/watch?v=GoyBveoi0rM
ગુજરાતમાં મંગળવાર સુધીમાં સત્તાવાર રીતે 6,80,000 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને 8500 લોકોનાં મોત થયાં છે.
મહામારીથી ખરાબ રીતે પ્રભાવિત અનેક શહેરોમાં સંક્રમણ અને મોતના આંકડા ઓછા દર્શાવાયાની વાત સામે આવી છે.
ગુજરાતમાં જે રીતે વાસ્તવિક આંકડો ઓછો કરીને દર્શાવાઈ રહ્યો છે, એ બહુ મોટો લાગે છે.
એટલે સુધી કે ગુજરાત હાઈકોર્ટે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સત્તારૂઢ પાર્ટી દ્વારા સંચાલિત રાજ્ય સરકારને તેના માટે ફટકાર લગાવી છે.
હાઈકોર્ટની બૅન્ચે એપ્રિલ મહિનામાં કહ્યું હતું, "વાસ્તવિક આંકડા છુપાવવાથી રાજ્ય સરકારને કંઈ નહીં મળે."
"વાસ્તવિક તસવીર છુપાવવા કે દબાવવાથી ઘણી ગંભીર સમસ્યાઓ પેદા થશે. લોકો ડરી જશે, તેમનો વિશ્વાસ નબળો પડી જશે અને લોકોમાં બેચેની વધશે."
https://www.youtube.com/watch?v=xk6CN-qblk8
ઘણા લોકોનું માનવું છે કે કોરોનાથી થનારાં મોટાં ભાગનાં મૃત્યુના કેસમાં દર્દીની પહેલાંની સ્વાસ્થ્ય સ્થિતિ કે કોઈ ગંભીર બીમારીનું કારણ બતાવવામાં આવે છે.
એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે "માત્ર એવા દર્દીઓ, જેમનો કોરોના રિપોર્ટ પૉઝિટિવ હોય અને તેઓ વાઇરલ ન્યુમોનિયાથી મરે તો તેમનું મૃત્યુ કોવિડથી થયેલું મૃત્યુ માનવામાં આવે છે."
રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીનું કહેવું છે કે એક ઑડિટ કમિટી દરેક મૃત્યુની તપાસ કરી રહી છે.
https://www.youtube.com/watch?v=GFjvJuIO82I
યુનિવર્સિટી ઑફ ટૉરેન્ટોના ડૉક્ટર પ્રભાત ઝા 'મિલિયન ડેથ સ્ટડી' પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. આ પ્રોજેક્ટ ભારત સાથે જોડાયેલો છે.
ડૉક્ટર પ્રભાત ઝાનું કહેવું છે કે મડદાંઘરો કે સ્મશાનોમાં મૃતદેહોને ગણીને તેનો સત્તાવાર આંકડો મેળવવામાં ચૂકની શક્યતા હોઈ શકે છે, કેમ કે સરકારી આંકડાઓને એકઠા કરવામાં સમય લાગે છે.
મૃતકોની સંખ્યા ગણવાની રીતની સમીક્ષા બાદ બ્રિટન જેવા દેશોમાં કોરોનાને કારણે થયેલાં મોતના આંકડા ઓછા થઈ ગયા.
સ્ટડી દર્શાવે છે કે દુનિયાભરના દેશોમાં કોવિડથી થનારા મૃત્યુનો આંકડો 30થી 40 ટકા ઓછો કરીને દર્શાવાઈ રહ્યો છે.
https://www.youtube.com/watch?v=GFjvJuIO82I&t=85s
ડૉક્ટર પ્રભાત ઝા કહે છે, "મહામારીને કારણે જીવન-મૃત્યુનો હિસાબ રાખનારી વ્યવસ્થા દબાણમાં આવી ગઈ છે. માટે અધિકારીઓને આ આંકડાઓને એકઠા કરવામાં સમય લાગે છે."
"અધિકારીઓ આ આંકડાઓને ચોક્કસ અપડેટ કરશે. હૉસ્પિટલો અને સ્મશાનોમાં મૃતદેહોની ગણતરી તંત્ર પર દબાણ કરવાની સારી રીત છે, જેથી તેમને પોતાનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવાનો મોકો મળે."
પરંતુ પત્રકારો માટે આ અનુભવ ભયાવહ છે. 'સંદેશ' અખબારના ફોટોગ્રાફર હિતેશ રાઠોડ મૃતકોની ગણતરીના ભયાનક અનુભવને યાદ કરે છે.
તેઓ કહે છે, "લોકો સારવાર માટે હૉસ્પિટલોમાં ભરતી થાય છે અને લાશ બનીને બહાર નીકળે છે."
તેમણે જોયું કે સ્મશાનો પર લોકો સ્વજનોના અંતિમસંસ્કાર માટે છ-છ કલાકની રાહ જોતા હતા.
તેઓ યાદ કરે છે, "નોટબંધીના સમયે લોકો બૅન્કોની બહાર આ રીતે લાંબી કતાર લગાવીને ઊભા હતા."
https://www.youtube.com/watch?v=RGwHpMZPIlI
વર્ષ 2016માં મોદી સરકારે નોટબંધીનો વિવાદાસ્પદ નિર્ણય કર્યો હતો અને 500 રૂપિયા અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધ લાદી દીધો હતો.
હિતેશ કહે છે, "પાંચ વર્ષ બાદ મેં આવી જ લાઇનો જોઈ, હૉસ્પિટલો, મડદાંઘરો અને સ્મશાનોની બહાર. આ વખતે કતારોમાં ઊભેલા લોકો જીવિત રહેવાનો સંઘર્ષ કરી રહ્યા હતા અથવા કતારોમાં લાશો હતી."
'સંદેશ' અખબારના રિપોર્ટર રોનક શાહ કહે છે કે ત્રણ બાળકોની ચિચિયારીથી તેઓ એ રાતે હલબલી ગયા હતા. એ બાળકોના પિતાનું મૃત્યુ થયું હતું.
રોનકે જણાવ્યું, "બાળકો કહેતાં હતાં કે તેઓ તેમના પિતાને ઘરે લઈ જવા માટે આવ્યાં છે. સાત કલાક બાદ તેઓ તેમના મૃતદેહ પાસે પાછાં આવ્યાં હતાં."
'સંદેશ' અખબારની ટીમને લીડ કરી રહેલા દીપક મશલા કહે છે કે સ્મશાનથી ઘરે આવ્યા બાદ તેઓ 'અંદરથી તૂટી ગયા' હતા.
https://www.youtube.com/watch?v=Cs4ltXsDMzM
તેઓ કહે છે, "મેં જોયું કે એક વાલી તેમનાં મૃત બાળકોને લઈને આવ્યા હતા. તેમણે સ્મશાનના કર્મચારીને પૈસા આપીને કહ્યું કે મારાં બાળકોને લઈ જાઓ અને તેમને સળગાવી દો."
"તેઓ એટલા ડરેલા હતા કે મૃતદેહને અડતા પણ ડરતા હતા."
ઇમ્તિયાઝ ઉજ્જૈનવાલા આ ટીમના એક રિપોર્ટર હતા. તેમનું માનવું છે કે મૃતકોની વાસ્તવિક સંખ્યા ઘણી વધારે હોઈ શકે છે.
તેઓ કહે છે કે તેઓ અને તેમના સાથી માત્ર એક હૉસ્પિટલમાં મૃતદેહો ગણી રહ્યા હતા, જ્યારે અમદાવાદમાં કોવિડ દર્દીઓની સારવાર કરતી હૉસ્પિટલોની સંખ્યા 171થી પણ વધુ હતી અને 'ત્યાં મૃતદેહોની ગણતરી કરનારું કોઈ નહોતું.'
https://www.youtube.com/watch?v=7hHJ3IRkaxY
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો