ભોપાલઃ કોરોના વાયરસની બીજી લહેરના પ્રચંડ પ્રકોપના કારણે સમગ્ર દેશમાં ઑક્સિજનની સાથે દવાઓની પણ અછત સર્જાઈ રહી છે. જેના કારણે રાજ્ય સરકારો યુદ્ધના ધોરણે વ્યવસ્થાઓ કરવામાં લાગી છે. મધ્ય પ્રદેશ સરકારે આ ક્રમમાં રેમડેસિવિર ઈંજેક્શન લાવવા માટે એક વિમાન અમદાવાદ મોકલ્યુ હતુ જે પાછા આવતી વખતે મધ્ય પ્રદેશના ગ્વાલિયર એરપોર્ટ પર લપસી ગયુ હતુ. આ ઘટનામાં ત્રણ લોકોના ઘાયલ થવાના સમાચાર સામે આવ્યા છે જેમાં બે પાયલટ પણ શામેલ છે.
ઘટનાની વિગત એવી છે કે ગુરુવારે રાતે લગભગ 9 વાગે ગ્વાલિયરના મહારાજપુર એરપોર્ટ પર વિમાન દવાઓનો સ્ટૉક લઈને પહોંચ્યુ ત્યારે અચાનક ટેકનિકલ ખામી સર્જાવાને કારણે પ્લેનનુ ક્રેશ લેંડિંગ કરાવવુ પડ્યુ. ગ્વાલિયર જિલ્લાના પોલિસ અધિક્ષક અમિત સાંઘીના જણાવ્યા મુજબ રનવે પર ઉતરતી વખતે વિમાન થોડુ લપસી ગયુ જેના કારણે આ દૂર્ઘટના બની. આ દૂર્ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા છે જેમને ઈલાજ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે.
અમદાવાદથી રેમડેસિવિર ઈજેક્શન લઈને પહેલા ઈંદોર પહોંચેલુ આ વિમાન બાકીના ડોઝ લઈને ગ્વાલિયર પહોંચ્યુ પરંતુ લેંન્ડિંગ પહેલા કોઈ ટેકનિકલ ખામી સર્જાતા સીનિયર પાયલટ કેપ્ટન સઈદ માજિદ અખ્તરે પોતાની સૂઝબૂઝથી નિર્ધારિત પોઈન્ટથી 200 મીટર અગાઉ પ્લેનને રનવે પર ઉતારી દીધુ. સ્પીડ ઘટાડીને વિમાનને કંટ્રોલ કરવાની પણ કોશિશ કરી પરંતુ વિમાન રનવે પર લપસીને એક તરફ પલટી ગયુ હતુ. આ દૂર્ઘટના કેવી રીતે બની તે અંગે વધુ તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે એક વર્ષ અગાઉ વિદેશથી મંગાવેલા 65 કરોડ રૂપિયાની કિંમતના આ વિમાનનનુ ગયા સપ્તાહે જ સમારકામ કરાયુ હતુ ત્યારબાદથી આ વિમાન રાજ્યના વિવિધ શહેરોમાં રેમડેસિવિર ઈજેંક્શન, વેક્સિન અને અન્ય દવાઓ પહોંચાડી રહ્યુ હતુ.