Puducherry election results 2021 updates in Gujarati: પોંડિચેરીમાં છ એપ્રિલે થયેલ વિધાનસભા ચૂંટણી માટે રવિવારે કોવિડ 19 દિશાનિર્દેશો અંતર્ગત મતગણતરી શરૂ થઈ. કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરી માટે પૂર્વ મુખ્યમંત્રી એન. રંગાસ્વામી નીત ઑલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસ-ભાજપ ગઠબંધન અને કોંગ્રેસ-દ્રમુક ગઠબંધન વચ્ચે મુખ્ય મુકાબલો છે. શરૂઆતી ટ્રેન્ડમાં એનડીએએ 10 સીટ અને કોંગ્રેસ ગઠબંધને 5 સીટ પર લીડ બનાવી રાખી છે. જો કે પ્રારંભિક તબક્કામાં પોસ્ટલ બેલેટની ગણતરી થઈ રહી છે. 25 અન્ય સીટ પર પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે.
કેન્દ્ર શાસિત પ્રદેશમાં મતગણતરી માટે 1382 કર્મચારીઓ તહેનાત કરવામાં આવ્યા છે, જ્યારે 400 પોલીસકર્મી સુરક્ષામાં તહેનાત હશે. ચૂંટણી પંચના સખ્ત દિશાનિર્દેશો મુજબ મતગણતરી થશે જેથી કોરોનાવાયરસના પ્રસારને રોકી શકાય. જેમાં એજન્ટો માટે આરટી-પીસીઆરની તપાસ પણ સામેલ છે.
એક્ઝિટ પોલ મુજબ પોંડિચેરીમાં કોંગ્રેસના હાથમાંથી સત્તા લપસતી જોવા મળી રહી છે. તમામ એક્ઝિટ પોલના સરેરાશના આધારે કાઢવામાં આવેલા અનુમાનની વાત કરીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એન રંગાસ્વામી કોંગ્રેસ, ભાજપ અને અન્ય દળોના ગઠબંધન 30માંથી 21 સીટ જીતી સરકાર બનાવી શકે છે. પોંડિચેરીમાં બહુમતનો આંકડો 16 છે.
પોંડિચેરીમાં અગાઉ એન નારાયણસામીની આગેવાનીમાં કોંગ્રેસની સરકાર હતી, પરંતુ વિધાનસભા ચૂંટણીના ઠીક પહેલાં કેટલાય ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હોવાના કારણે કોંગ્રેસ સરકાર પડી ભાંગી હતી.