ધારો કે તમારું નામ ઈમરાન, અબ્દુલ કે આમિર છે અને તમે પાકિસ્તાનમાં રહો છો. અજાણ્યા લોકો સાથેની પહેલી મુલાકાતમાં ખુદનો પરિચય આપતી વખતે, સામેની વ્યક્તિ તમારું નામ સાંભળીને શું પ્રતિભાવ આપશે એવો સવાલ તમારા મનમાં ન થયો હોય કે તમે એવું ક્યારેય વિચાર્યું ન હોય એવું ક્યારેય બન્યું નહીં હોય.
જોકે, તમારું નામ કિશોર, મુકેશ કે આકાશ હોય તો એ જણાવવાનું કદાચ મુશ્કેલ હોઈ શકે છે. ખબર નહીં કોઈ, ક્યારે પૂછી લે કે તમે ભારતથી ક્યારે પાકિસ્તાન આવ્યા?
તમને 14 ઑગસ્ટને બદલે 15 ઑગસ્ટે સ્વાતંત્ર્યદિવસ ઊજવવાની સલાહ પણ આપવામાં આવી શકે.
બીજું કંઈ નહીં તો ભારત-પાકિસ્તાનની ટીમો વચ્ચેની ક્રિકેટ મૅચમાં ભારતીય ટીમ સારું પ્રદર્શન કરે ત્યારે તમારા દોસ્તો, "તારી ટીમ જીતી રહી છે" એવી મશ્કરી કરે એ શક્ય છે.
એ ઉપરાંત તમારે બાળપણ તથા યુવાનીમાં વર્ષો સુધી એવી પીડામાંથી પસાર થવું પડે કે જેમાં તમને તમારા હિંદુ હોવાનો દરરોજ અફસોસ થાય.
આ બધાના સંભવિત પરિણામ સ્વરૂપે તમે ધીમે-ધીમે ખુદને હીન, અસહાય અને મજબૂર માનવા લાગો એવું પણ બની શકે.
તમે સ્કૂલ, કૉલેજ કે યુનિવર્સિટીમાં સામાજિક વિજ્ઞાન કે પાકિસ્તાન સ્ટડીઝનાં પાઠ્યપુસ્તકો વાંચવાનું શરૂ કરો ત્યારે આવું થઈ શકે, પણ હિંદુઓ માટે અપમાનજનક હોય એવું આ પુસ્તકોમાં શું હોઈ શકે?
આવો, આ અનુભવની કથા પાકિસ્તાનના સિંધ પ્રાંતના કેટલાક હિંદુ તથા મુસ્લિમ વિદ્યાર્થીઓ પાસેથી સાંભળીએ. આ લોકો વિદ્યાર્થી હતા ત્યારે તેમણે ઉપરોક્ત પાઠ્યપુસ્તકો વાચ્યાં હતાં.
'અત્યાચારી હિંદુ'
અમે 25થી 45 વર્ષના કેટલાક યુવાનો અને યુવતીઓની મુલાકાત લીધી હતી. અમે તેમને પૂછ્યું હતું કે સ્કૂલ અને કૉલેજના પાઠ્યપુસ્તકોમાં એવી કઈ બાબત હતી જેનાથી તેમને દુઃખ થતું હતું?
આ સવાલના જવાબમાં તેમણે કેટલાક પાઠ્યપુસ્તકોના અંશોની વાત કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે "ઇતિહાસમાં હિંદુઓ એ મુસલમાનો પર બહુ અત્યાચાર કર્યો હતો."
"કાફિરનો અર્થ થાય છે પૂતળાં અથવા મૂર્તિઓની પૂજા કરનાર."
"અગાઉના સમયમાં હિંદુઓ, તેમને ત્યાં દીકરીનો જન્મ થતો ત્યારે તેને જીવતી દાટી દેતા હતા."
"હિંદુઓ માનવતાના દુશ્મન છે"
વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા આ યુવાઓએ આંખ ખોલીને વાસ્તવિકતા જોઈ ત્યારે તેમને તેમની ચારે તરફ સહિષ્ણુતા તથા ભાઈચારાનો માહોલ જોવા મળ્યો હતો.
દોસ્તી હોય કે પાડોશીઓ હોય કે પછી ઈદ, હોળી કે દિવાળીનો તહેવાર હોય, કમ સે કમ વ્યક્તિગત રીતે તો તેમણે હિંદુઓ તથા મુસલમાનો વચ્ચે કોઈ અંતર અનુભવ્યું ન હતું.
અલબત, આ વિદ્યાર્થીઓ સ્કૂલ તથા કૉલેજમાં આવ્યા ત્યારે તેમને પહેલીવાર એવી અનુભૂતિ થઈ હતી કે તેમના દિમાગમાં ઘૃણા તથા પક્ષપાતના બીજનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. તેમના જણાવ્યા અનુસાર, એ માટે બીજું કોઈ નહીં, પણ તેમનાં પોતાનાં પાઠ્યપુસ્તકો જવાબદાર છે.
સિંધ પ્રાંતના હૈદરાબાદ શહેરમાં રહેતા રાજેશ કુમાર ચિકિત્સાના ક્ષેત્ર સાથે જોડાયેલા હોવા ઉપરાંત એક સામાજિક કાર્યકર પણ છે.
રાજેશ કુમાર સિંધ ટેક્સ્ટ બૂક બોર્ડના ધોરણ 11 તથા 12ના અભ્યાસક્રમમાં સામેલ પાકિસ્તાન સ્ટડીઝના પુસ્તકનો હવાલો આપે છે. એ પુસ્તકનો અભ્યાસ તેમણે કૉલેજકાળમાં કર્યો હતો.
એ પુસ્તકના પાના ક્રમાંક 33 ઉપર લખ્યું હતું કે માનવતાના દુશ્મન હિંદુઓ તથા શીખોએ હજારો નહીં બલ્કે લાખો મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને યુવાનોની નિર્દયતાથી હત્યા કરી હતી અને તેમને અપમાનિત કર્યા હતા.
તેનો અર્થ એ થયો કે આ પુસ્તકોના લેખકોએ પહેલેથી જ ધારી લીધું હતું કે શીખો અને હિંદુઓ માનવતાના દુશ્મન છે.
હકીકત એ છે કે ક્યાંય રમખાણ થાય છે ત્યારે મારનારાઓ બન્ને તરફ હોય છે અને બન્ને પક્ષ સમાન રીતે દોષી હોય છે.
યુવા ડૉક્ટર રાજવંતી કુમારીએ તેમનાં નવમા તથા દસમા ધોરણના પાકિસ્તાન સ્ટડીઝના પુસ્તક બાબતે જણાવ્યું હતું કે એ પુસ્તકમાં હિંદુઓ મુસલમાનોના દુશ્મન હોવાનું જણાવવામાં આવ્યું હતું.
એ પુસ્તકના પાના નંબર 24 પર લખ્યું હતું કે, મુસલમાનો અને હિંદુઓએ અનેક આંદોલનમાં સાથે મળીને કામ કર્યું હતું, પણ એ સહકાર લાંબો સમય ચાલ્યો ન હતો. મુસલમાનો પ્રત્યેની હિંદુઓની દુશ્મની બહાર આવી ગઈ હતી.
રાજવંતી સવાલ પૂછે છે કે, હું પોતે હિંદુ છું અને હું મુસલમાનોની દુશ્મન કઈ રીતે હોઈ શકું?
રાજવંતીએ કહે છે કે "હું મુસલમાનો સાથે જ મોટી થઈ છું. મારા બધા દોસ્ત મુસલમાન છે. મેં તેમના અને મારા તહેવારોની ઉજવણી સાથે મળીને કરી છે ત્યારે અમારી વચ્ચે દુશ્મની કઈ રીતે શક્ય છે?"
પાકિસ્તાનની કુલ વસતીના 3.5 ટકા લોકો બિન-મુસ્લિમ છે. એક અનુમાન મુજબ, પાકિસ્તાનની કુલ વસતીમાં હિંદુઓનું પ્રમાણ માત્ર દોઢ ટકા છે.
અમેરિકન સરકાર તરફથી 2011માં કરવામાં આવેલા એક અભ્યાસના તારણ અનુસાર, પાકિસ્તાનની સ્કૂલોનાં પાઠ્યપુસ્તકો હિંદુઓ તથા અન્ય ધાર્મિક લઘુમતીઓ પ્રત્યેના પૂર્વગ્રહ તથા દ્વેષમાં વધારો કરે છે.
અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વાતંત્ર્યપંચે આ તારણ કાઢતાં પહેલાં સમગ્ર પાકિસ્તાનમાં પહેલાથી દસમા ધોરણ સુધી ભણાવવામાં આવતા 100 પાઠ્યપુસ્તકોની સમીક્ષા કરી હતી.
એ ઉપરાંત સ્કૂલોની મુલાકાત લઈને વિદ્યાર્થીઓ તથા શિક્ષકો સાથે તેમણે વાત પણ કરી હતી.
અભ્યાસના તારણ અનુસાર, શાળાનાં પાઠ્યપુસ્તકો પાકિસ્તાનમાં રહેતા હિંદુઓની વફાદારીને પાડોશી દેશ ભારત સાથે સાંકળવાનો પ્રયાસ કરે છે.
આ રીતે વિદ્યાર્થીઓ એવું માનતા થઈ જાય છે કે બિન-મુસ્લિમ લોકોમાં પાકિસ્તાન પ્રત્યે દેશભક્તિની ભાવના નથી.
જાણીતા શિક્ષણશાસ્ત્રી એ. એચ. નૈયરના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનનાં પાઠ્યપુસ્તકોમાં હિંદુઓ પ્રત્યેનો દ્વેષ સામાન્ય રીતે એક ખાસ રીતે વ્યક્ત કરવામાં આવે છે.
તેઓ જણાવે છે કે તહરીક-એ-પાકિસ્તાનનો ઇતિહાસ ભણાવવામાં આવે છે ત્યારે તેમાં બે રાજકીય પક્ષો મુસ્લિમ લીગ તથા કૉંગ્રેસ વચ્ચેના મતભેદની વ્યાખ્યા, મુસ્લિમો અને હિંદુઓ વચ્ચેની લડાઈ તરીકે કરવામાં આવે છે.
એ. એચ. નૈયર કહે છે કે "આ રીતે આપણાં પાઠ્યપુસ્તકોમાં હિંદુઓ ખલનાયક બની જાય છે, જે સંભવતઃ પાકિસ્તાનની સ્થાપના અને તેની પાછળના રાજકારણને યોગ્ય ઠરાવવાનો પ્રયાસ છે."
પાઠ્યપુસ્તકોમાંની એક અન્ય સમસ્યાની વાત કરતાં તેઓ જણાવે છે કે, એક તરફ આ પાઠ્યપુસ્તકોમાં મુસ્લિમ ઇતિહાસ તથા સંસ્કૃતિની રજૂઆત અગ્રતાપૂર્વક કરવામાં આવી છે, ત્યારે બીજી તરફ તેમાં હિંદુ ઇતિહાસનો કોઈ ઉલ્લેખ મળતો નથી. દાખલા તરીકે, ઉપખંડનો ઇતિહાસ આ ક્ષેત્રમાં મુસલમાનોના આગમન સાથે શરૂ થાય છે, પણ એ પહેલાંના હિંદુ શાસકોનો ઉલ્લેખ કરવામાં આવતો નથી.
સિંધ પ્રાંતમાં પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની સત્તાવાર જવાબદારી સિંધ ટેક્સ્ટ બૂક બોર્ડની છે.
સિંધ ટેક્સ્ટ બૂક બોર્ડના ટેક્નિકલ ડિરેક્ટર યુસુફ અહમદ શેખે બીબીસીને જણાવ્યું હતું કે તેમને "બ્યૂરોઑફ કરિક્યૂલમ દ્વારા" અભ્યાસક્રમ આપવામાં આવ્યો હતો અને એ મુજબ પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવે છે.
યુસુફ અહમદ શેખના જણાવ્યા મુજબ, પાઠ્યક્રમ મળ્યા પછી લેખકોની પસંદગી કરવામાં આવે છે અને તેમને પુસ્તક બનાવવાનું કામ સોંપવામાં આવે છે.
લેખક પુસ્તક તૈયાર કરીને આપે પછી અમારા નિષ્ણાતો તેની ચકાસણી કરે છે. આખરી તબક્કામાં બ્યૂરો ઑફ કરિક્યૂલમ પણ પુસ્તકની સમીક્ષા કરે છે.
યુસુફ અહમદ શેખના જણાવ્યા અનુસાર, સિંધ ટેક્સ્ટ બૂક બોર્ડ "બ્યૂરો ઑફ કરિક્યૂલમ" દ્વારા તૈયાર કરવામાં આવેલા પાઠ્યક્રમ મુજબ પુસ્તકો તૈયાર કરાવવા બંધાયેલું છે. તે નિર્ધારિત મર્યાદાની બહાર કશું કરી શકતું નથી.
સરકારી કર્મચારી અને અખબારોમાં કોલમ લખતાં પારા માંગી શિકારપુરનાં રહેવાસી છે. તેમણે ઇન્ટરમીડિએટમાં અભ્યાસ વખતે પાકિસ્તાન સ્ટડીઝના પાઠ્યપુસ્તકમાં વાંચ્યું હતું કે "સંકુચિતતાએ હિંદુ સમાજને પંગુ બનાવી દીધો હતો. જેમાં સ્ત્રીઓને નીચું સ્થાન આપવામાં આવ્યું હતું."
પારા માંગીના જણાવ્યા મુજબ, વાસ્તવિકતા આનાથી બિલકુલ અલગ છે. હિન્દુ ધર્મમાં તો દેવીઓની પૂજા કરવામાં આવે છે. તેમને દુર્ગા માતા તથા કાલી માતા કહેવામાં આવે છે.
પારા માંગી કહે છે કે "આજના યુગમાં મહિલાઓ પોતાના અધિકાર મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે એ સાચું છે અને તે દરેક ધર્મ તથા સમાજમાં ચાલી રહ્યું છે. આ તો આખી દુનિયાની સમસ્યા છે. દરેક જગ્યાએ મહિલાઓ પોતાના અધિકાર મેળવવાના પ્રયાસ કરી રહી છે."
પુસ્તકોને કારણે બનેલી આ ધારણાને તોડવાના સંદર્ભમાં રાજવંતી કુમારી તેમનાં અંગત જીવનનો હવાલો આપે છે.
રાજવંતી કુમારી કહે છે કે "મારા પરિવારમાં અમે પાંચ બહેનો છીએ. મારાં માતા-પિતાએ અમારી સાથે ક્યારેય ખરાબ વર્તન કર્યું નથી. મારી સહિતની બધી બહેનોને બહુ આદર આપવામાં આવે છે. હિંદુઓ દીકરીઓને ઘરની લક્ષ્મી કહે છે. દીકરીઓ તો ઘરની સમૃદ્ધિ હોય છે."
રાજેશ કુમાર કહે છે કે "હિંદુ ધર્મ સહિતના દુનિયાના તમામ ધર્મ માનવાધિકાર અને સમાનતાની વાત કરે છે."
"હિંદુઓમાંની જ્ઞાતિ વ્યવસ્થાની વાત કરીએ તો આજના યુગમાં કમ સે કમ પાકિસ્તાનમાં તો તેના પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. હવે 'કાસ્ટ' નહીં, પણ 'ક્લાસ'નું વિભાજન થઈ રહ્યું છે."
યુસુફ અહમદ શેખના જણાવ્યા અનુસાર પાઠ્યપુસ્તકોના પ્રકાશન પછી સંસ્થાના વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શિક્ષકોનો પ્રતિભાવ મળે છે.
તે પ્રતિભાવને ધ્યાનમાં લઈને જરૂર પડ્યે પાઠ્યપુસ્તકોમાં ફેરફાર પણ કરવામાં આવે છે.
યુસુફ અહમદ શેખ કહે છે કે "સિંધ પ્રાંતના પાઠ્યક્રમમાં સામેલ સામાજિક વિજ્ઞાન તથા પાકિસ્તાન સ્ટડીઝનાં કેટલાંક પુસ્તકો બાબતે થોડા સમય પહેલાં અમને ધાર્મિક લઘુમતીઓ તરફથી પ્રતિભાવ મળ્યો હતો. અમને જણાવવામાં આવ્યું હતું કે એ પુસ્તકોના કેટલાક હિસ્સાથી બિન-મુસ્લિમોને પીડા થઈ શકે છે. એ પછી પુસ્તકોની સમીક્ષા કરવામાં આવી હતી અને વાંધાજનક સામગ્રી પુસ્તકોમાંથી કાઢી નાખવામાં આવી હતી."
યુસુફ અહમદ શેખનો દાવો છે કે 2017માં પહેલાથી આઠમા ધોરણ સુધીનાં પાઠ્યપુસ્તકો બદલવામાં આવ્યાં હતાં, જ્યારે નવમા તથા દસમા ધોરણનાં પાઠ્યપુસ્તકો આ વર્ષે અપડેટ કરવામાં આવશે.
આગામી વર્ષે અગિયારમા તથા બારમા ધોરણનાં પાઠ્યપુસ્તકોની સમીક્ષા કરવામાં આવશે.
થાર પારકરના રહેવાસી યુવા પત્રકાર સંજય મિઠરાનીના જણાવ્યા મુજબ, પાકિસ્તાનમાં એક હિંદુ તરીકે રહેવું બહુ મુશ્કેલ છે.
ક્યારેક તેઓ વિચારે છે કે તેમનું નામ સંજય ન હોત તો કેટલું સારું થાત.
સંજય મિઠરાની કહે છે કે "અગાઉ કોઈ હિંદુને ન મળી હોય એવી કોઈ વ્યક્તિ આપણાં પાઠ્યપુસ્તકો વાંચે તો તેના વિચાર નિશ્ચિત રીતે પૂર્વગ્રહયુક્ત થઈ જશે. આ દૃષ્ટિકોણ પાકિસ્તાની હિંદુઓ માટે સમસ્યા સર્જે છે."
રાજવંતી કુમારીની જણાવ્યા મુજબ, પાઠ્યપુસ્તકો વાંચી બાળકો એવું માનતા થઈ જાય છે કે તેમાં જે લખ્યું છે તે જ સાચું છે.
રાજવંતી કુમારી કહે છે કે "જે બાળકો બીજા, ત્રીજા કે ચોથા ધોરણમાં અભ્યાસ કરતાં હોય તેમને વાસ્તવિક ઇતિહાસની શું સમજ હોય? તેમને જે મર્યાદિત માહિતી આપવામાં આવે છે તેના આધારે તેમના વિચારો ઘડાય છે. તેઓ એવું માનવા લાગે છે કે હિંદુઓ આપણા દુશ્મન છે."
પારા મંગીનાં જણાવ્યા અનુસાર, એક રાષ્ટ્ર તરીકે પાકિસ્તાને પોતાનું વલણ નક્કી કરવાની જરૂર છે.
પારા મંગી કહે છે કે "દરેક પેઢી આ પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરે છે અને હિંદુઓ પ્રત્યેની દુશ્મની મજબૂત થતી રહે છે. આપણે એ નિર્ણય કરવાનો છે કે બીજા ધર્મના લોકોથી નફરત કરે તેવો યુવાવર્ગ આપણે તૈયાર કરી રહ્યા છીએ કે પછી આપણે એક મજબૂત અને સંગઠિત રાષ્ટ્રનું નિર્માણ કરવા માગીએ છીએ"
વાસ્તવિક ઇતિહાસ
સંજય મિઠરાની માને છે કે પાકિસ્તાનના વિખ્યાત હિંદુઓ અને તેમની સિદ્ધિઓ બાબતે પાઠ્યપુસ્તકોમાં જણાવવામાં આવશે તો હિંદુ વિદ્યાર્થીઓને એ વિષયમાં રસ પડશે એટલું જ નહીં, પણ અન્ય વિદ્યાર્થીઓની જાણકારીમાં પણ વધારો થશે. તેનાથી રાષ્ટ્રીય એકતાને પ્રોત્સાહન મળશે.
પાકિસ્તાનમાં એવા ઘણા મહાન હિંદુઓ હતા, જેમનો ઉલ્લેખ પાઠ્યપુસ્તકોમાં નથી. દાખલા તરીકે, જગન્નાથ આઝાદે પાકિસ્તાન માટે પહેલું રાષ્ટ્રગાન લખ્યું હતું, પણ તેમનું નામ ક્યાંય દેખાતું નથી.
આપણા લેખકોએ એ લોકો બાબતે પણ લખવું જોઈએ.
એ. એચ. નૈયરના જણાવ્યા મુજબ, પાકિસ્તાનમાં સમગ્ર દેશ માટે એક જ રાષ્ટ્રીય અભ્યાસક્રમની તૈયારી ચાલી રહી છે. તેથી પાકિસ્તાનમાં હાલ પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.
એ. એચ. નૈયર ઇચ્છે છે કે નવાં પાઠ્યપુસ્તકોમાં તમામ ધર્મોને સમાન મહત્વ આપવામાં આવે અને દરેક પાસાંને વિદ્યાર્થીઓ સમક્ષ રજૂ કરવામાં આવે.
એ. એચ. નૈયર કહે છે કે "આપણી ભાવિ પેઢીઓને વાસ્તવિક ઇતિહાસ જણાવવો પડશે. આપણે પાઠ્યપુસ્તકો મારફત પાકિસ્તાની યુવાઓમાં સહનશીલતા, ભાઈચારા અને સહિષ્ણુતાને વેગ આપવાનો પ્રયાસ કરવો જોઈએ."
https://www.youtube.com/watch?v=OmP7KM5iaMk
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો