સ્પૂતનિક વી કેટલી અસરદાર? સાઈડ ઈફેક્ટ સહિત જાણો બધી જ માહિતી
ભારતના કેન્દ્રીય ઔષધિ પ્રાધિકરણની એક નિષ્ણાંતોની સમિતિએ (CDSCO) દેશમાં કેટલીક શરતો સાથે રશિયાની કોરોના વેક્સીન 'સ્પૂતનિક વી'ના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવાની ભલામણ કરી છે. CDSCOની વિષય વિશેષજ્ઞ સમિતિએ સ્પૂતનિક વીના ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપવા માટે ડૉ રેડ્ડીજ લેબોરેટરીની અરજી પર સોમવારે જાણકારી મેળવી. ભારતના ઔષધિ મહાનિયંત્રક આ ભલામણ પર અંતિમ નિર્ણય લેશે. જો આ રસીને મંજૂરી મળી જાય ચે તો આ ભારતમાં ઉપલબ્ધ ત્રીજી કોવિડ 19 વેક્સીન હશે. સૂત્રોએ કહ્યું કે દેશમાં ઈમરજન્સી ઉપયોગ માટે આ રસીને રશિયાથી આયાત કરાશે. જણાવી દઈએ કે વૈશ્વિક સ્તરે રશિયા પહેલો દેશ હતો જેણે કોરોના વાયરસની રસી બનાવવાનો દાવો કર્યો હતો.
આ વેક્સીન કોણે બનાવી?
રશિયાના મોસ્કોમાં આવેલ Gamaleya National Research Institute of Epidemiology and Microbiology દ્વારા સ્પૂતનિક વી વેક્સીન બનાવવામાં આવી છે. Gam-COVID-Vac તરીકે ઓગસ્ટ 2020માં રશિયામાં આ રસીનું રજિસ્ટ્રેશન કરાયું હતું. આ રસીમાં બે જુદા જુદા વાયરસનો ઉપયોગ કરવામાં આવે છે જે મનુષ્યમાં સામાન્ય શરદી (એડેનોવાયરસ) નું કારણ બને છે.
કયા ટેમ્પરેચરે આ રસી સાચવવી પડે?
સ્પૂતનિક વી વેક્સીનને 2-8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં સાચવવી પડે છે, જેનો મતલબ કે આપણે સામાન્ય રેફ્રિજરેટરમાં પણ આ વેક્સીન સાચવી શકીએ છીએ અને તેના માટે કોલ્ડ-ચેઈન ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાની જરૂરત નથી પડતી.
કેટલા ડોઝ આપવા જરૂરી છે?
નાગરિકોને કોવિશિલ્ડ અને કોવેક્સીનની જેમ સ્પૂતનિક વી વેક્સીનના 2 ડોઝ આપવામાં આવશે. 21 દિવસના અંતરાલમાં ડોઝ આપવામાં આવશે.
વેક્સીન કેટલી અસરકાર છે?
સ્પૂતનિક વી 91.5 ટકા અસરકારક સાબિત થઈ છે. જો કે રસીને મંજૂરી મળે તે પહેલાં ભારતમાં પણ આ રસીના ટ્રાયલ કરાયા હતા.
રસીની કંઈ સાઈડ ઈફેક્ટ થાય છે?
6 એપ્રિલના રોજ રશિયન રાજ્ય સમર્થિત ન્યૂઝ એજન્સી TASSએ દેશના આરોગ્ય પ્રધાન મિખાઈલ મુરાશ્કોને ટાંકીને જણાવ્યું હતું કે 0.1 ટકા કેસમાં સ્પૂતનિક વી રસીની આડઅસરો જોવા મળી છે.
વેક્સીન કેટલી મોંઘી છે?
ભારતમાં હાલ સ્પૂતનિક વી વેક્સીનના ભાવ નક્કી નથી થયા, જો કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ વેક્સીનનો એક ડોઝ 10 ડૉલર એટલે કે ભારતીય ચલણ પ્રમાણે 750 રૂપિયાનો છે.
ભારતમાં સ્પૂતનિક વીના મેન્યૂફેક્ચરર કોણ છે?
ભારતમાં ડૉક્ટર રેડ્ડીઝની લેબ દ્વારા આ વેક્સીન બનાવવામાં આવશે. શરૂઆતમાં થોડા ડોઝ રશિયાથી મંગાવવામાં આવશે પછી બાકીના તમામ ડોઝ હૈદરાબાદ સ્થિત આવેલી ડો રેડ્ડીઝની લેબમાં બનશે. ભારતમાં અઢી કરોડથી વધુ ડોઝ ડિસ્ટ્રીબ્યૂટ કરવામા આવે તેવું અનુમાન છે.
Covid-19: સ્પુતનિક-વી, કોવિશીલ્ડ, કોવેક્સીન, ત્રણેય વેક્સીનમાં શું તફાવત છે? જાણો