રમેશ કુમાર સાઇકલ ચલાવીને સિંઘુ આવ્યા છે. પંજાબના હોશિયારપુરથી હરિયાણા-પંજાબ સરહદ પરના ખેડૂત આંદોલન સ્થળ સુધીનું ૪૦૦ કિલોમીટરનું અંતર કાપતા તેમને ૨૨ કલાક થયા. ૬૧ વર્ષીય નિવૃત્ત પોલીસ અધિકારી રમેશ સાઈકલ ચલાવીને આવ્યા છે જ્યારે તેમની બહેન, દીકરો અને દીકરાની વહુ એમની પાછળ ગાડીમાં આવ્યા છે.
તેઓ કહે છે કે, “હું પહેલેથી જ આ ખેડૂત આંદોલનમાં જોડાવા માગતો હતો.” તેથી તેઓ આવતી કાલે ૨૬ જાન્યુઆરીએ આયોજિત પ્રજાસત્તાક દિવસની ખેડૂત રેલીમાં ભાગ લેવા અહીં આવ્યા છે.
તેઓ ઉમેરે છે કે, “સરકાર વિચારે છે કે જો તે કાયદાઓ પરત લેશે તો લોકો તેમનો અનાદર કરશે, પણ આ સાચું નથી. ઉલટું આવું કરવાથી લોકોનો સરકાર માટેનો આદર વધશે.”
દરમિયાન, આવતીકાલની પરેડ માટે સિંઘુ સરહદ પર ટ્રેકટરોને ફૂલ-હાર, ઝંડાઓ અને રંગબેરંગી કાગળોથી શણગારવામાં આવ્યા છે. આ ટ્રેકટરો પરેડ જ્યારે શરૂ થાય તો તેમના માટે ફરવામાં સરળતા રહે. ત્યારે બહાર નીકળવામાં સરળતા રહે તે માટે આ બધા ટ્રેકટરો એક પછી એક સીધી હરોળમાં ઊભા રાખવામાં આવ્યા છે.
સિંઘુ સરહદ પર પ્રજાસત્તાક દિવસની પરેડ ની તૈયારીમાં ટ્રેકટરો ને ફૂલ - હાર અને ઝંડાઓથી શણગારવામાં આવ્યા છે.